Columns

માણસ છો તો માણસ તરીકે જીવો!

એક ભૂખડીબારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને શીખવાડ્યું કે મામા આવે ત્યારે તમારે ઢોલિયે સૂવા માટે લડવાનું. બાથાબાથી કરવામાં પણ સંકોચ નહીં કરતા. મામાનું હૃદય દ્રવી ઊઠશે અને બે ઢોલિયા ખરીદી આપશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમાવિવાદ શરૂ થયો એ મામાને એટલે કે મતદાતાઓને મામા બનાવવાનું રાજકરણ હતું. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક નથી માથે છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી એને કારણે ઠીકઠીક પ્રમાણમાં મરાઠીઓની સહાનુભૂતિ ઉદ્ધવ ધરાવે છે અને માટે ચૂંટણીપંચની મદદથી ચૂંટણીઓ પાછળ ઠેલવવામાં આવે છે. કર્ણાટકમાં પણ સીધાં ચઢાણ જેવી સ્થિતિ છે. માની સલાહ મુજબ BJPના બે ભાઈઓએ (એટલે કે બે સરકારોએ અને બે પ્રાદેશિક એકમોએ) ઢોલિયા માટે આપસમાં લડવાનું શરૂ કર્યું. બેલગામ તો હું જ રાખીશ એમ કહીને બાથાબાથી પર ઊતરી પડવામાં પણ સંકોચ નહીં કરતા એમ કહેવામાં આવ્યું હતું એટલે એ પણ કરવામાં આવ્યું. એની વચ્ચે બન્યું એવું કે વિરોધ પક્ષોએ પણ બેલગામ તો હું નહીં જ છોડું એમ કહીને ઝંપલાવ્યું એટલે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું કે હવે લડવાનું બંધ કરો. ઢોલિયો ત્રીજા હાથમાં ન જવો જોઈએ.

બેલગામ કર્ણાટકમાં રહે કે મહારાષ્ટ્રમાં એનાથી શો ફરક પડે છે? ફ્રિજોત કાપરા નામના અમેરિકન વિજ્ઞાનીએ તેમના ‘અનકોમન વિઝડમ’ નામના પુસ્તકમાં લખ્યું છે કે સરહદોએ સંસ્કૃતિઓનું મિલન થતું હોય છે એટલે સરહદ અને સરહદે વસ્તી પ્રજાને તો ભાગ્યશાળી સમજવી જોઈએ પણ દુર્ભાગ્યે સંસ્કૃતિ-સંરક્ષકોએ સંસ્કૃતિઓના સંગમસ્થળને અને ત્યાં વસ્તી પ્રજાને કમભાગી બનાવી દીધી છે. રાષ્ટ્રવાદીઓ, ધર્મવાદીઓ, ભાષાવાદીઓ, પ્રાંતવાદીઓ, વંશવાદીઓ વગેરે પ્રકારના વાદીઓ 24 કલાક પ્રજાને ઉશ્કેરે છે, ધુણાવે છે અને આપસમાં લડાવે છે.

વળી તેઓ પોતે સંસ્કૃતિને નામે અસંસ્કારી હોય છે. નથી તેમને રાષ્ટ્રની સમજ, નથી ધર્મની સમજ, નથી ભાષા કે પ્રાંતની સમજ કે નથી તેને તેઓ પ્રેમ કરતા. આ બધાનું સંસ્કૃતિ-સંવર્ધન પણ તેમણે નથી કર્યું. ગુજરાતી સંસ્કૃતિનું સંવર્ધન ઉમાશંકર અને દર્શક કરે અને ગામના ઉતાર જેવા લોકો ગુજરાતી અસ્મિતાના રક્ષક બનીને આતંક મચાવે માટે મરાઠી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર પુ. લ. દેશપાંડેએ એક વખત કહ્યું હતું કે જ્યારથી સંયુક્ત મહારાષ્ટ્ર માટેનું આંદોલન શરૂ થયું છે ત્યારથી સંયુક્ત નામની કલ્પના મહારાષ્ટ્ર નામની સાંસ્કૃતિક હકીકતને પરાજીત કરી રહી છે. આ વાત તેમણે ત્યારે નહોતી કહી જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે આંદોલન ચાલતું હતું, આ વાત તેમણે તેના ચાર દાયકા પછી કહી હતી જ્યારે કેટલાક લોકો મરાઠીભાષિક મહારાષ્ટ્રની રચના થયા પછી પણ સંયુક્તનો ચીપિયો પછાડવાનું બંધ નહોતા કરતા.

હજુ આટલું મેળવવાનું બાકી છે. સંયુક્ત પરિવારની પણ આ જ મોકાણ છે. અનેક લોકોને આનો સ્વઅનુભવ હશે. સંયુક્તના આગ્રહીઓ પરિવાર પર એટલું દમન કરે છે કે છેવટે પરિવારને તોડે છે. જ્યાં પારિવારિકતા હોય ત્યાં પરિવાર એની મેળે કોળે છે અને આપોઆપ સંયુક્ત બને છે પણ સંયુક્ત પરિવારના ઠેકેદારો પોતાની સમજ પરિવાર ઉપર લાદે છે અને ગુંગળામણથી થાકી ગયેલા સભ્યો પરિવારથી અળગા થાય છે માટે પુ. લ. દેશપાંડેએ કહ્યું હતું કે સંયુક્તના આગ્રહે મહારાષ્ટ્રને પરાજીત કર્યું છે અને કરી રહ્યું છે.

આ તો ડાહ્યા લોકોની વાત થઈ જે દૂરનું ભાળી શકે છે અને જેઓ પાછળ પણ દૂર સુધી જોઈ શકે છે. સંસ્કૃતિઓ કઈ રીતે રચાય છે, કોળાય છે, એકબીજાનું મિશ્રણ કઈ રીતે સંસ્કૃતિઓને સમૃદ્ધ કરે છે, કેવી રીતે પરિવર્તનો આકાર પામે છે, શું જીવે છે અને શું મૃત પામે છે, શું અપનાવવું જોઈએ શું છોડવું જોઈએ, શું પોષક છે અને શું મારક છે વગેરેનો નીરક્ષીર અભ્યાસ કરી શકે છે પણ એવા લોકો આપણને પરવડતા નથી. આપણી અંદરની તામસિકતા એટલી તીવ્ર હોય છે કે આગ્રહો જલ્દી છૂટતા નથી. રાજકારણીઓ આનો લાભ લે છે. જેટલું રાજકારણ ટૂંકું અને સાંકડું એટલું એ સહેલું. એમાં કરવાનું શું હોય? બસ, આપણા વિશેની એક કલ્પના વહેતી કરો પછી તે સાચી હોય કે ખોટી. મહદઅંશે ખોટી ઉપજાવી કાઢેલી હોય.

એ પછી તેના દુશ્મનો શોધી કાઢો અને દુશ્મનીનો ઈતિહાસ લખો. ઈતિહાસ થોડો સાચો અને મહદઅંશે ખોટો. એ પછી તેમને ડરાવો અને ડરવા માટેનાં કારણો આપો. અગેન થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં ઉપજાવી કાઢેલાં. એની સાથે રડાવો. રડવા માટેનાં કારણો આપો. થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં. એ પછી પોતાને રક્ષણહાર તરીકે પ્રોજેક્ટ કરો. સાવ સહેલી ફોર્મ્યુલા છે જે ભારત સહિત આખા જગતમાં આજકાલ ચલણમાં છે.

માટે પુ. લ. દેશપાંડેએ કહ્યું હતું કે જ્યારથી મહારાષ્ટ્ર માટે સંયુક્તનો આગ્રહ ઉમેરાયો છે ત્યારથી મહારાષ્ટ્ર (એટલે કે સાંસ્કૃતિક મહારાષ્ટ્ર)નો ક્ષય થઈ રહ્યો છે. પણ આ વાત સમજવા માટે બુદ્ધિ જોઈએ અને ઠેકેદારોને બુદ્ધિ અને બુદ્ધિશાળી પ્રજા પરવડતી નથી. જગતભરમાં તમામ સંકુચિત રાજકારણ કરનારા શાસકો બુદ્ધિશાળી વિરોધી (એન્ટી ઈન્ટેલેકચ્યુઅલ) હોય છે એનું આ કારણ છે. તેમને ધૂણનારા લોકો જોઈએ છે જેને ડર બતાવીને ધુણાવી શકાય. બેલગામ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદનો પ્રદેશ છે એટલે એ સંસ્કૃતિ-સંગમનો પ્રદેશ છે. એમાં મરાઠીઓને મરાઠીપણું જડી રહેશે અને કાનડીઓને કાનડીપણું. બન્ને છે તો બન્નેને રહેવા દો ને! તમને ખબર છે? ભારત જગતનો એક માત્ર દેશ છે જ્યાં સરેરાશ ભારતીય 3 થી 5 ભાષાઓમાં સહેલાઇથી બોલી શકે છે. કેવી મોટી, બીજા માટે દુર્લભ એવી અમીરાત છે! એને દુરાગ્રહો દ્વારા દરિદ્રતામાં શું કામ ફેરવવા માગો છો? અને આવી તો બીજી કેટલી વિવિધતા છે! વિવિધતાઓ માટે ગર્વ લેવો જોઈએ એની જગ્યાએ ધૂણનારા અને ધુણાવનારાઓ આતંક મચાવી રહ્યા છે.

ભારતનું વિભાજન થયું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ખેંચવાનું કામ સર સિરીલ રેડક્લિફ નામના જાણીતા બ્રિટિશ સોલીસીટરને સોંપવામાં આવ્યું હતું. તેમણે ક્યારેય આ પહેલાં ભારતમાં પગ નહોતો મૂક્યો અને એક ભાવનાશૂન્ય વકીલ તરીકે 40000 રૂપિયાની ફી લઈને આ કામ તેમણે સ્વીકાર્યું હતું. તેમની પાસે જૂના નકશા હતા, વસ્તીગણતરીના આંકડા હતા, ધર્મને નામે પ્રજાને લડાવનારા કોમવાદીઓના દાવા અને પ્રતિદાવાઓના ઘોંઘાટ હતા અને માત્ર 5 અઠવાડિયાનો સમય હતો.

તેમણે જ્યારે શુષ્ક અને અધૂરા આંકડાના આધારે અને ધર્મના ઠેકેદાર કોમવાદીઓના ઘોંઘાટથી પ્રેરાઈને કાગળના નકશા ઉપર લાઈન ખેંચી ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ પ્રજાના હૃદયને ચીરી રહ્યા છે અને નિર્દોષ પ્રજાના લોહીનો ફુવારો ઊડવાનો છે. લોહીની નદીઓ વહેવાની છે. ડબ્લ્યુ. એચ. ઓડેન નામના જાણીતા કવિએ રેડક્લિફની વકીલાત ઉપર ‘પાર્ટીશન’ નામની કવિતા લખી છે. ઓડેનની એ કવિતા અમર એટલા માટે છે કે રેડક્લિફની વકીલાતને ગોદીમીડિયાના પત્રકારત્વ સાથે, ધર્મગુરુઓની ધાર્મિકતા સાથે, પાળીતા સર્જકોની સર્જકતા સાથે, સત્તાપિપાસુઓના રાજકારણ સાથે રિપ્લેસ કરી શકો છો. મારી તો દરેક લેખમાં એક જ ટહેલ હોય છે: માણસ છો તો માણસ તરીકે જીવો. એક જ જન્મ મળ્યો છે અને ઉપરથી ભગવાને વિવેક કરવા જેટલી બુદ્ધિ પણ આપી છે. બીજું શું જોઈએ? 

Most Popular

To Top