ભારત સરકાર એક તરફ ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચલાવી રહી છે અને ભારે બફર સ્ટોક ઊભો કરી રહી છે તો બીજી બાજુ રશિયાથી ઘઉંની આયાત કરવાની ભેદી યોજના બનાવી રહી છે. ભારત સરકાર પાસે ૧ ઓગસ્ટે ૨.૮૩ કરોડ મેટ્રિક ટન ઘઉંનો બફર સ્ટોક હતો, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે ૫૦ લાખ મેટ્રિક ટન વધુ હતો; તો પણ સરકારે ઘઉંની આયાત કરવાનો વિચાર નહોતો કર્યો. કેન્દ્ર સરકાર તાજેતરમાં રશિયાથી ઘઉંની આયાત કરવાની જે વિચારણા કરી રહી છે તેમાં ભારતનાં નાગરિકોનો ફાયદો જોવામાં આવી રહ્યો છે કે રશિયામાં ઘઉંનો જે ભરાવો થઈ ગયો છે, તેને હળવો કરવામાં સરકાર રશિયાની મદદ કરી રહી છે, તે સમજાતું નથી.
ગયા વર્ષે ભારતમાં ઘઉંનો પાક ઓછો થયો હોવાથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. તેમ છતાં ઘઉંના બજાર ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો થયો હતો. આ વર્ષે પણ ઘઉંના ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. તેને કારણે જો ઘઉંના ભાવો વધી જાય તો ભાજપને ૨૦૨૪ની ચૂંટણીમાં માર પડે તેમ છે. ૨૦૧૪માં કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ તેમાં ફુગાવો પણ કારણભૂત હતો. હવે ચૂંટણી નજીક હોવાથી સરકારને ગરીબોની યાદ આવી રહી છે.
સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંના ભાવમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકાર સપ્લાય વધારીને ભાવ પર લગામ કસવા માટે રશિયાથી સસ્તા ભાવે ઘઉંની આયાત કરવાનું વિચારી રહી છે. ભારતે આ માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી છે. રશિયાથી ઘઉંની આયાત ભાવોને નરમ પાડવામાં મદદ કરશે. જુલાઈમાં છૂટક ફુગાવો ૭.૪૪ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જ્યારે ખાદ્ય ફુગાવો ૧૧.૫૧ ટકાના ૨૦૨૨ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. લીલોતરી અને શાકભાજી ઉપરાંત ઘઉંએ પણ ખાદ્ય મોંઘવારી વધારવામાં ફાળો આપ્યો છે. સરકાર દ્વારા જે આડેધડ નોટો છાપવામાં આવી રહી છે તેને કારણે ફુગાવો નિયંત્રણ બહાર જઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર બંને સરકારો વચ્ચેના ખાનગી વેપાર અને પરસ્પર સોદા દ્વારા રશિયાથી ઘઉંની આયાતની શક્યતાઓ શોધી રહી છે. ભારત સરકારે ઘણાં વર્ષોથી ઘઉંની આયાત કરી નથી. ૨૦૧૭માં ખાનગી વેપારીઓ દ્વારા ૫૩ લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરવામાં આવી હતી. તહેવારોની મોસમથી લઈને ચૂંટણી સુધી સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ નીચા રાખવામાં મદદ કરવા માટે ભારત રશિયાથી ૮૦ થી ૯૦ લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરી શકે છે.
રશિયાએ રાહત દરે ઘઉંની સપ્લાય કરવાની ઓફર કરી છે. રશિયા પર આર્થિક પ્રતિબંધો હોવા છતાં રશિયામાંથી ખાદ્ય પદાર્થોની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે ભારતને ઘઉંની ખાધ દૂર કરવા માટે ૩૦થી ૪૦ લાખ મેટ્રિક ટન ઘઉંની જ જરૂર છે, તેમ છતાં તે જરૂરિયાત કરતાં વધુ ઘઉં ખરીદીને બજારમાં ખાનગી વેપારીઓ અને કિસાનો પર ભાવો ઘટાડવાનું દબાણ લાવવા માગે છે.
ભારતને રશિયાથી ઘઉંની આયાત પર ૨૫ થી ૪૦ ડોલર પ્રતિ ટનનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેને કારણે ભારત સરકાર કિસાનો પાસેથી જે દામે ઘઉં ખરીદે છે તેના કરતાં પણ રશિયન ઘઉં સસ્તા પડશે. કિસાનો દ્વારા ઘઉંના ટેકાના ભાવો વધારી આપવા દર વર્ષે સરકાર પર જે દબાણ કરવામાં આવે છે, તેનો મુકાબલો કરવા માટે પણ સરકાર રશિયાથી ઘઉંની આયાત કરવાનું વિચારી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયાથી સસ્તા ભાવે ક્રુડ ઓઈલની આયાત કરીને ચિક્કાર કમાણી કરી હતી. ભારત રશિયા પાસેથી ખાવા માટેના સૂર્યમુખી તેલની પણ આયાત કરી રહ્યું છે.
નવાઈની વાત છે કે યુક્રેનનું યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે મોટા પ્રમાણમાં ઘઉંની નિકાસ કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૬.૮ કરોડ ડોલરના ઘઉંની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ૨૦૨૧-૨૨માં તે ચાર ગણી વધીને ૨૧૧.૯ કરોડ ડોલરની થઈ ગઈ હતી. નિકાસમાં આવા ઉછાળાની કોઈને અપેક્ષા નહોતી. વર્ષ ૨૦૧૯-૨૦માં માત્ર ૨,૧૭,૩૫૪ ટન ઘઉંની નિકાસ જ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૦-૨૧માં જ્યાં ૨૧.૫૫ લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં નિકાસનો આંકડો ૭૦ લાખ ટનને પાર કરી ગયો હતો. ભારતીય દૂતાવાસોની ભાગીદારી દ્વારા કેન્દ્ર સરકારે ઇન્ડોનેશિયા, રિપબ્લિક ઓફ યમન, અફઘાનિસ્તાન, કતાર, ઓમાન, ભૂતાન અને ફિલિપાઇન્સમાં ઘઉંની નિકાસ માટે નવાં સંભવિત બજારોની શોધ કરી હતી. ગુજરાત રાજ્યમાંથી ભાલિયા ઘઉંના પ્રચાર માટે કેન્યા અને શ્રીલંકાને ટ્રાયલ શિપમેન્ટ મોકલવામાં આવ્યું હતું. ઇજિપ્તે પણ ભારત પાસેથી ઘઉં મંગાવ્યા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ ૧૦ કરોડ ટન સાથે ભારત ચીન (૧૩.૩ કરોડ ટન ) પછી ઘઉંનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ ભારતના ઉચ્ચ વપરાશના કારણે ભાગ્યે જ આપણો દેશ મોટો નિકાસકાર બની શકે છે. યુનાઈટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર રશિયા અને યુક્રેન મળીને ભારત જેટલા જ (૧૦.૪ કરોડ ટન) ઘઉંનું ઉત્પાદન કરે છે. જો કે આ દેશોમાં ભારતની ૧૩૪ કરોડની વસતિ કરતાં સાત ગણા ઓછા લોકો વસે છે, જે તેમને ઘઉંની વિશાળ માત્રામાં નિકાસ કરવાની મંજૂરી આપે છે. આથી ઘઉંનું અપૂરતું ઉત્પાદન ધરાવતા ખાસ કરીને પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો તેમની ઘઉંની જરૂરિયાતો પૂરી કરવા રશિયા અને યુક્રેન પર આધાર રાખે છે. યુક્રેનના ઘઉંની નિકાસ પણ રશિયાના બંદરેથી જ થાય છે.
વર્ષ ૨૦૧૯ માં રશિયાની ઘઉંની નિકાસ ૮.૪૧ અબજ ડોલરની હતી અને યુક્રેને લગભગ ૩.૧૧ અબજ ડોલરના ઘઉંની નિકાસ કરી હતી. વિશ્વની કુલ ઘઉંની નિકાસમાં આ બે દેશોનો હિસ્સો એક ચતુર્થાંશ હતો. તેનો મોટો હિસ્સો ઇજિપ્તમાં ગયો હતો, જેણે રશિયાની લગભગ ૩૧.૩ ટકા અને યુક્રેનની નિકાસમાંથી ૨૨ ટકા ઘઉં લીધા હતા. આ બંને દેશો ઇજિપ્તની ઘઉંની આયાતની લગભગ ૭૦ ટકા માંગ પૂરી કરે છે, તેથી જ યુક્રેનની કટોકટીએ ઇજિપ્તને ભારે ફટકો માર્યો હતો. હવે રશિયા પાસે ઘઉંનો વધારાનો સ્ટોક ભેગો થઈ ગયો હોવાથી તે નવાં બજારો શોધી રહ્યું છે.
ભારતમાંથી ૨૦૨૦-૨૨ દરમિયાન ઘઉંની નિકાસ કરવામાં આવી રહી હતી ત્યારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનાં અનાજ બજારોમાં ખેડૂતોને સરકાર કરતાં ખાનગી વેપારીઓ પાસેથી ઘઉંના વધુ ભાવો મળી રહ્યા હતા, જેના કારણે સરકારી કાઉન્ટરો ખાલી પડ્યાં હતાં. શરૂઆતમાં જ્યારે ઘઉંનો નવો સ્ટોક મંડીઓમાં પહોંચ્યો ત્યારે ભાવ ઓછો હતો અને ખેડૂતો મોટા ભાગે સરકારી કાઉન્ટરો પર પોતાના ઘઉં વેચવા માટે જતા હતા. પરંતુ ઘઉંની નિકાસ વધવાથી ઊંચા દરો મળવા લાગ્યા અને તેઓએ ખાનગી વેપારીઓને વધુ ઘઉં વેચવાનું શરૂ કર્યું હતું.
ખાનગી વેપારીઓ પાસેથી ખેડૂતોને ઘઉંના પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૧૫૦ થી ૨,૨૦૦ સુધીના ભાવ મળી રહ્યા હતા, જે સરકારી દર પ્રતિ ક્વિન્ટલ ૨,૦૧૫ કરતાં ૭ થી ૧૦% વધુ હતા. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતમાંથી ઘઉંની નિકાસ વધવાને કારણે ઘઉંના અર્થતંત્રમાં આ મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું હતું. જો હવે સરકાર ઘઉંની નિકાસ કરવાને બદલે આયાત કરશે તો સ્વાભાવિક રીતે કિસાનોને નુકસાન જશે. આયાતી ઘઉં સસ્તા મળવાના હોવાથી કિસાનો તેમના ઘઉંના ટેકાના વધુ ભાવો માગી નહીં શકે.