મથાળું તમને જરા વિચિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી. બધાં માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે, પણ બીજું એક સત્ય એવું પણ છે, આપણે જયારે મૃત્યુનો વિચાર કરતાં હોઈએ છીએ ત્યારે મૃત્યુનો ડર નહીં, પણ જીવવાનો ડર લાગતો હોય છે. આ વાત ઉદાહરણ આપ્યા વગર સમજાવી શકાય તેમ નથી, એટલે થોડી વિસ્તારથી આ વાત મૂકવી જોઈએ. આપણે ત્યાં તમામ માણસો કોઈ ને કોઈ ધંધો રોજગાર કરતા હોય છે. જેમનાં રજવાડાંઓ હતાં તેમનો પરિવાર પણ કોઈ ને કોઈ વ્યવસાયમાં છે. તેમાં પણ બે પ્રકાર છે, એક વર્ગ એવો છે કે પોતાનું કામ પ્રામાણિકપણે કરે છે અને પ્રામાણિક રીતે આવકના સ્રોત ઊભા કરે છે. આમ તેમની જિંદગી સીધી લીટીમાં પસાર થાય છે. બીજો વર્ગ એવો છે કે તેઓ પ્રામાણિકપણે કામ કરે તો પણ તેમના જીવનનિર્વાહનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી છતાં તેઓ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરી બુલડોઝરની જેમ પૈસા કમાય છે. આમ બંન્ને વર્ગનાં લોકોનો હેતુ તો પૈસા કમાવાનો છે.
આપણે બોલવા ખાતર તો બોલીએ છીએ કે આપણે હોઈએ કે અંબાણી આખરે તો બધા બે રોટલી જ ખાય છે, પછી પૈસા કમાવા માટે શું કામ દોડવાનું, આપણે કોઈ આપણી સાથે કશું જ લઈ જતા નથી તો પણ આટલા ઉધામા કેમ, આ ઝૂંપડામાં રહેનાર કોઈ ગરીબ માણસથી લઈ અંબાણી, અદાણી અને ટાટા સહિત બધાને ખબર છે, છતાં આપણે કોઈ આ ફિલોસોફીમાં કેમ વિશ્વાસ કરતા નથી તેનું પણ એક કારણ છે. આપણી કામ કરવાની પણ એક ઉંમર હોય છે. સામાન્ય માણસ વીસ વર્ષથી સાઈંઠ વર્ષની વચ્ચે કામ કરે છે, ત્યાર બાદ નિવૃત્તિ હોય છે, જેઓ સરકારી વ્યવસ્થામાં છે તેમની નિવૃત્તિ એકંદરે સારી રીતે પસાર થાય તેવી વ્યવસ્થા સરકાર કરે છે, જેઓ વ્યવસાય કરે છે તેઓ પોતાની બચતનું આયોજન તેવી રીતે કરે છે કે જયારે તેઓ કામ બંધ કરે ત્યારે તેમનું જીવનધોરણ યથાવત્ રહે. આમ બધા સંપત્તિ એકત્ર કરવામાં લાગી ગયા છે. જો આપણે મૃત્યુ પછી કંઈ જ સાથે લઈ જવાનું નથી તો એકત્ર શું કામ કરીએ છીએ તેવો પ્રશ્ન આપણને કોઈને કયારેય થતો નથી.
ખરું કારણ એવું છે કે આપણને મૃત્યુના ડર કરતાં જીવી જવાનો ડર વધુ લાગે છે. નિવૃત્તિ પણ આપણે કેટલું જીવીશું તેની આપણને ખબર નથી. જો તેની ખબર હોય તો આપણે પૈસા કમાવાની કોઈ મર્યાદા નક્કી કરી હોત. આપણને આપણા મૃત્યુની તારીખની ખબર નથી તે મોટો પ્રશ્ન છે. એટલે જીવીએ ત્યાં સુધી કોઈની સામે હાથ લાંબો કરવો પડે નહીં તેવી સારી ભાવનાને કારણે આપણે સાચી કે ખોટી રીતે સતત પૈસા કમાવાનો વિચાર કરીએ છીએ. તે દિશામાં દોડતાં રહીએ છીએ, આપણને ખબર હોય કે મારું મૃત્યુ નિવૃત્તિનાં દસ વર્ષ પછી થવાનું છે તો મારે વધારાના દસ વર્ષની વ્યવસ્થા જેટલું જ કમાઈ બેસી જવાનું છે, પણ મને ખબર નથી કે હું કયારે મરીશ. મને મારા મૃત્યુની ખબર નથી એટલે મારે જીવતા રહું તેની ચિંતા કરવી પડે છે.મેં પચ્ચીસ વર્ષ પહેલાં એક નાનકડી બચતની શરૂઆત કરી હતી. મને હતું કે હું 60 વર્ષનો થઈશ ત્યારે મને એક ચોક્કસ રકમ મળશે, જેનાથી મારી અને મારી પત્નીનો નિર્વાહ થઈ જશે, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમજાયું કે દેશની આર્થિક સ્થિતિને કારણે મેં કરેલું બચતનું આયોજન ખોટું પડી રહ્યું છે.
માની લઈએ કે મને હજાર રૂપિયાની ચિંતા છે તો કોઈને એક લાખની ચિંતા છે. આમ દરેકનાં જીવનધોરણો અલગ છે,એટલે બધા જ એક જ બોટમાં મુસાફરી કરે છે. દરેકના મનમાં એક સરખી અસલામતીનો ભાવ છે. અહિંયા મૃત્યુનો ડર નથી, કેટલું જીવીશું તો તેનો ડર છે એટલે બધા કમાવાની દોટમાં જોડાઈ ગયા છે. જો બધા જ બે રોટલી ખાય છે તો દેશનાં પાંચ ટકા લોકો તો એવાં છે કે તેઓ આજે કામ બંધ કરે તો પણ એકસો પેઢી સવાર બપોર સાંજ બે રોટલી ખાઈ શકે તેમ છે, છતાં તેઓ પણ કમાવાની દોટમાં આપણા બધા કરતાં આગળ દોડી રહ્યા છે કારણ તેમના મનમાં પણ એક પ્રકારની અસલામતી તેમને દોડવાની ફરજ પાડે છે.નાના માણસને નાની અસલામતી છે. મોટા માણસની અસલામતી તેના કદ જેટલી મોટી છે. આ અસલામતીમાંથી કોઈ પોતાને બાકાત રાખી શકયું નથી. બહુ જૂજ માણસો અપવાદ જેઓ આ દોડમાંથી પોતાને બચાવી શકયા છે.
જેઓ ભ્રષ્ટાચાર કરે છે, પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી પૈસા કમાય છે તેમની સ્થિતિ પણ આવી છે. તેમની પાસે કરોડો રૂપિયા આવી ગયા પછી પણ તેમના મનમાં રહેલી અસલામતી તેમનો પીછો છોડતી નથી, એટલે પહેલાં તો પોતાની ચિંતામાં અને પછી પોતાનાં સંતાનોની ચિંતામાં કમાવા પોતાને આત્માને પણ બાજુ ઉપર કમાવા દોડી રહ્યા છે. જો આ લોકોને પણ પોતાના મૃત્યુની તારીખની ખબર હોત તો કદાચ તેઓ ધીમા પડી ગયા હોત, કારણ કમાયા પછી વાપરવા માટે પણ સમય જોઈએ. મોટા ભાગના લોકોની હાલત પેલી દંતકથા જેવી છે. સૂર્ય આથમે ત્યાં સુધી દોડતાં રહેવાનું અને જયાં અટકે ત્યાં સુધીની જમીન તારી માલિકીની થશે. આમ આપણે બધા સૂર્ય આથમે ત્યાં સુધી દોડતાં રહીએ છીએ. આખરે બે ગજ જમીનની માલિકી પણ આપણી થતી નથી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મથાળું તમને જરા વિચિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી. બધાં માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે, પણ બીજું એક સત્ય એવું પણ છે, આપણે જયારે મૃત્યુનો વિચાર કરતાં હોઈએ છીએ ત્યારે મૃત્યુનો ડર નહીં, પણ જીવવાનો ડર લાગતો હોય છે. આ વાત ઉદાહરણ આપ્યા વગર સમજાવી શકાય તેમ નથી, એટલે થોડી વિસ્તારથી આ વાત મૂકવી જોઈએ. આપણે ત્યાં તમામ માણસો કોઈ ને કોઈ ધંધો રોજગાર કરતા હોય છે. જેમનાં રજવાડાંઓ હતાં તેમનો પરિવાર પણ કોઈ ને કોઈ વ્યવસાયમાં છે. તેમાં પણ બે પ્રકાર છે, એક વર્ગ એવો છે કે પોતાનું કામ પ્રામાણિકપણે કરે છે અને પ્રામાણિક રીતે આવકના સ્રોત ઊભા કરે છે. આમ તેમની જિંદગી સીધી લીટીમાં પસાર થાય છે. બીજો વર્ગ એવો છે કે તેઓ પ્રામાણિકપણે કામ કરે તો પણ તેમના જીવનનિર્વાહનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી છતાં તેઓ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરી બુલડોઝરની જેમ પૈસા કમાય છે. આમ બંન્ને વર્ગનાં લોકોનો હેતુ તો પૈસા કમાવાનો છે.
આપણે બોલવા ખાતર તો બોલીએ છીએ કે આપણે હોઈએ કે અંબાણી આખરે તો બધા બે રોટલી જ ખાય છે, પછી પૈસા કમાવા માટે શું કામ દોડવાનું, આપણે કોઈ આપણી સાથે કશું જ લઈ જતા નથી તો પણ આટલા ઉધામા કેમ, આ ઝૂંપડામાં રહેનાર કોઈ ગરીબ માણસથી લઈ અંબાણી, અદાણી અને ટાટા સહિત બધાને ખબર છે, છતાં આપણે કોઈ આ ફિલોસોફીમાં કેમ વિશ્વાસ કરતા નથી તેનું પણ એક કારણ છે. આપણી કામ કરવાની પણ એક ઉંમર હોય છે. સામાન્ય માણસ વીસ વર્ષથી સાઈંઠ વર્ષની વચ્ચે કામ કરે છે, ત્યાર બાદ નિવૃત્તિ હોય છે, જેઓ સરકારી વ્યવસ્થામાં છે તેમની નિવૃત્તિ એકંદરે સારી રીતે પસાર થાય તેવી વ્યવસ્થા સરકાર કરે છે, જેઓ વ્યવસાય કરે છે તેઓ પોતાની બચતનું આયોજન તેવી રીતે કરે છે કે જયારે તેઓ કામ બંધ કરે ત્યારે તેમનું જીવનધોરણ યથાવત્ રહે. આમ બધા સંપત્તિ એકત્ર કરવામાં લાગી ગયા છે. જો આપણે મૃત્યુ પછી કંઈ જ સાથે લઈ જવાનું નથી તો એકત્ર શું કામ કરીએ છીએ તેવો પ્રશ્ન આપણને કોઈને કયારેય થતો નથી.
ખરું કારણ એવું છે કે આપણને મૃત્યુના ડર કરતાં જીવી જવાનો ડર વધુ લાગે છે. નિવૃત્તિ પણ આપણે કેટલું જીવીશું તેની આપણને ખબર નથી. જો તેની ખબર હોય તો આપણે પૈસા કમાવાની કોઈ મર્યાદા નક્કી કરી હોત. આપણને આપણા મૃત્યુની તારીખની ખબર નથી તે મોટો પ્રશ્ન છે. એટલે જીવીએ ત્યાં સુધી કોઈની સામે હાથ લાંબો કરવો પડે નહીં તેવી સારી ભાવનાને કારણે આપણે સાચી કે ખોટી રીતે સતત પૈસા કમાવાનો વિચાર કરીએ છીએ. તે દિશામાં દોડતાં રહીએ છીએ, આપણને ખબર હોય કે મારું મૃત્યુ નિવૃત્તિનાં દસ વર્ષ પછી થવાનું છે તો મારે વધારાના દસ વર્ષની વ્યવસ્થા જેટલું જ કમાઈ બેસી જવાનું છે, પણ મને ખબર નથી કે હું કયારે મરીશ. મને મારા મૃત્યુની ખબર નથી એટલે મારે જીવતા રહું તેની ચિંતા કરવી પડે છે.મેં પચ્ચીસ વર્ષ પહેલાં એક નાનકડી બચતની શરૂઆત કરી હતી. મને હતું કે હું 60 વર્ષનો થઈશ ત્યારે મને એક ચોક્કસ રકમ મળશે, જેનાથી મારી અને મારી પત્નીનો નિર્વાહ થઈ જશે, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમજાયું કે દેશની આર્થિક સ્થિતિને કારણે મેં કરેલું બચતનું આયોજન ખોટું પડી રહ્યું છે.
માની લઈએ કે મને હજાર રૂપિયાની ચિંતા છે તો કોઈને એક લાખની ચિંતા છે. આમ દરેકનાં જીવનધોરણો અલગ છે,એટલે બધા જ એક જ બોટમાં મુસાફરી કરે છે. દરેકના મનમાં એક સરખી અસલામતીનો ભાવ છે. અહિંયા મૃત્યુનો ડર નથી, કેટલું જીવીશું તો તેનો ડર છે એટલે બધા કમાવાની દોટમાં જોડાઈ ગયા છે. જો બધા જ બે રોટલી ખાય છે તો દેશનાં પાંચ ટકા લોકો તો એવાં છે કે તેઓ આજે કામ બંધ કરે તો પણ એકસો પેઢી સવાર બપોર સાંજ બે રોટલી ખાઈ શકે તેમ છે, છતાં તેઓ પણ કમાવાની દોટમાં આપણા બધા કરતાં આગળ દોડી રહ્યા છે કારણ તેમના મનમાં પણ એક પ્રકારની અસલામતી તેમને દોડવાની ફરજ પાડે છે.નાના માણસને નાની અસલામતી છે. મોટા માણસની અસલામતી તેના કદ જેટલી મોટી છે. આ અસલામતીમાંથી કોઈ પોતાને બાકાત રાખી શકયું નથી. બહુ જૂજ માણસો અપવાદ જેઓ આ દોડમાંથી પોતાને બચાવી શકયા છે.
જેઓ ભ્રષ્ટાચાર કરે છે, પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી પૈસા કમાય છે તેમની સ્થિતિ પણ આવી છે. તેમની પાસે કરોડો રૂપિયા આવી ગયા પછી પણ તેમના મનમાં રહેલી અસલામતી તેમનો પીછો છોડતી નથી, એટલે પહેલાં તો પોતાની ચિંતામાં અને પછી પોતાનાં સંતાનોની ચિંતામાં કમાવા પોતાને આત્માને પણ બાજુ ઉપર કમાવા દોડી રહ્યા છે. જો આ લોકોને પણ પોતાના મૃત્યુની તારીખની ખબર હોત તો કદાચ તેઓ ધીમા પડી ગયા હોત, કારણ કમાયા પછી વાપરવા માટે પણ સમય જોઈએ. મોટા ભાગના લોકોની હાલત પેલી દંતકથા જેવી છે. સૂર્ય આથમે ત્યાં સુધી દોડતાં રહેવાનું અને જયાં અટકે ત્યાં સુધીની જમીન તારી માલિકીની થશે. આમ આપણે બધા સૂર્ય આથમે ત્યાં સુધી દોડતાં રહીએ છીએ. આખરે બે ગજ જમીનની માલિકી પણ આપણી થતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.