એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો. AI દ્વારા કમ્પ્યુટર અને એવી ટેકનોલોજી ઊભી થઇ છે કે જે માણસની જેમ વિચારી શકે છે અને જુદા જુદા ક્ષેત્રે ઊભા થતા અનેક પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે. આનો સૌથી ઉત્તમ દાખલો ટેસ્લા નામની કાર છે. એમાં ડ્રાઇવરની જરૂર નથી. કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા જેમ જેમ કાર આગળ વધતી જાય તેમ તેમ એને ખબર છે કે કયાં બ્રેક મારવી, કયાં ગેસ પેડલ ઉપર દબાણ લાવી ગાડીની સ્પીડ વધારવી કે ઘટાડવી, કયાં વળાંક લેવો, એકિસડન્ટ થાય ત્યારે શું કરવું?
AIનો બીજો દાખલો: સિરી (Siri). આ ટેકનોલોજી એપલ કંપનીના આઇ ફોન તેમજ આઇ પેડમાં સમાવાઇ છે. જાણે સિરી આપણી સેક્રેટરી હોય એમ એ બધું કામ કરવા હાજરાહજૂરછે. આપણે ખાલી એને કહેવાનું કે શું કરવું. આપણે એને કહી શકીએ કે કોને ફોન કરવાનો છે, કયો રસ્તો લેવાનો છે. કોને વોઇસ મેલ કરવાનો છે – આ બધા હુકમોનું એ કોઇ આજ્ઞાંકિત સેક્રેટરી તરીકે સામું બોલ્યા વગર પાલન કરે! આગળ વધીએ તો હવે ડ્રોનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલિટરી ઓફિસરો ઘરે બેઠા બેઠા દૂરના કોઇ અભાગિયા દેશ ઉપર બોમ્બ ફેંકી શકે છે.
મૂળમાં જે કામ આપણે કરતા હતા તે બધું હવે મશીન કરી શકે છે. આ કારણે જોબ માર્કેટમાં મોટા મોટા ફેરફાર થવા માંડયા છે. દાખલા તરીકે બુકકીપિંગ, ડેટા એન્ટ્રી, રિસેપ્શનિસ્ટ, પ્રૂફરીડિંગ, મેન્યુફેકચરિંગ, કુરિયર સર્વિસ વગેરે કામો AI કરી શકે છે. આવા જોબ્સ જો મશીન કરવા માંડશે તો એ બધું કામ કરતા લોકોનું શું? ચિંતાનો વિષય એ છે કે આવતા દાયકામાં લગભગ 70 % જોબ્સ માણસો નહીં પણ AI કરશે! તો પછી એમની રોજગારીનું શું? નવા કામધંધા કરવા માટે એમણે નવી સ્કિલ શીખવી પડશે. એ પાકા ઘડે નવા કાંઠા કેમ ચડે? આ છે 21મી સદીનો ત્રીજો મોટો પડકાર.
ગ્લોબલાઇઝેશન (Globalization):
ગ્લોબલાઇઝેશનએ માનવજાતિ માટે 21મી સદીનો ચોથો મોટો પડકાર છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી ટેકનોલોજીને કારણે આગળ જોયું તેમ આપણને AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) મળ્યું. તેમ જ હવે ઇન્ફર્મેશન હાઇવે મળ્યા. આ બન્નેને લીધે દુનિયાની કોઇ પણ પ્રજા દૂર કે નજીકની બીજી પ્રજાથી અલગ રહી શકતી નથી. આપણને ગમે કે ન ગમે પણ આપણું સમગ્ર અસ્તિત્વ અન્ય દેશો અને અન્ય પ્રજાઓ સાથે ગૂંથાઇ ગયું છે. આપણા ખોરાક, પોશાક, ગીત સંગીત, બોલચાલ, ભણતર, આચારવિચાર, કામધંધા, વેપાર, આયાત – નિકાસ વગેરે બધું જ ટેકનોલોજીને કારણે દેશ-વિદેશની અસર નીચે થાય છે.
આજે દેશના કોઇ પણ ખૂણેથી મોબાઇલ દ્વારા કોઇ પણ માણસ દુનિયાના કોઇ પણ દેશમાં વસતા લોકો સાથે ફટ કરીને ચોખ્ખેચોખ્ખી વાતચીત કરી શકે છે. ટેકનોલોજીની આ અજાયબીથી જ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આજે લાખો અને કરોડોનો નાણાંકીય વ્યવહાર મોબાઇલ ઉપરથી તત્કાલ કરી શકે છે. ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશો પણ આ આંતરરાષ્ટ્રીય આવનજાવન કે લેણદેણમાંથી બાકાત નથી. યુક્રેન ઉપર કરેલા આક્રમણ માટે રશિયા ઉપર પગલાં લેવા માટે અમેરિકા અને પશ્ચિમના દેશોએ લશ્કરના કોઇ ધીંગાણાં કર્યાં નથી. માત્ર એની સાથેનો નાણાંકીય અને અન્ય વ્યવહાર બંધ કરી દીધો અને તેની આર્થિક પરિસ્થિતિ જોતજોતામાં એકદમ નબળી કરી નાખી.
બાઇબલમાં મહાવિનાશના 4 ઘોડેસવારો (the four horsemen of the apocalypse) ની કલ્પના થઇ છે. આ ઘોડેસવારો એમની સાથે મહાન યુદ્ધ, ભયંકર દુષ્કાળ, ભયાનક મહામૃત્યુ કે પરાજય જેવા વિનાશ લાવે છે. અહીં આપણે જેની ચર્ચા કરી છે તે ચારે પડકારો – અણુવિગ્રહ, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલાઇઝેશન – તે 21મી સદીના મહાવિનાશના ઘોડેસવારો જેવા છે. એમનાથી બચવા માટે આપણે ઉકેલ શોધવો જ રહ્યો. એમાં જો આપણે પાછા પડયા તો એમાં મને માનવજાતિના મહાવિનાશના ભણકારા સંભળાય છે.
– નટવર ગાંધી