Business

એ લોકો શાંતિથી ઝઘડે તો ઝઘડો શું ચાલે છે એ તો સમજાય !

દર્શન યાદ નથી તમને ? અહીં હંમેશાં તો ચા પીવા આવે છે!’ ‘બધાના ચહેરા કેવી રીતે યાદ રાખું ?’ મેં ઉકળેલી ચા પ્યાલાઓમાં રેડતા એ ચશ્માવાળા ભાઈને કહ્યું. ‘આ દર્શન તો યાદ રહી જાય એવો છે, પોતાને હોલિવૂડનો સ્ટાર જેવો માને છે પણ દેખાય છે ભોજપુરી ફિલ્મોનો સાઈડ એકટર…’ મેં એ ચશ્માવાળા ભાઈને કહ્યું ‘મારા માટે તો ભાઈ મારો દરેક ગ્રાહક હોલિવૂડનો સ્ટાર જ છે… એટલે આમ નહિ સમજાય. એ જવા દો તમને ચા આપું ?’  ‘હાસ્તો હું કંઈ દર્શનની ગોસીપ કરવા અહીં આવ્યો છું કે ? ચા પીવા જ આવ્યો છું…’ ચશ્માવાળા ભાઈ ચા લઇ એક તરફ બેસી ચા પીવા માંડ્યા. હું ઓર્ડરની ચા આપવા બાજુની નોવેલ્ટી ગૃહ વસ્તુ ભંડાર જતો હતો ત્યારે એ દુકાનના આંગણામાં વડાંપાઉં સ્ટોલ ચલાવતી રૂપાએ ટોક્યો : ‘અમને બી કોઈ દા’ડે ચા આપતા જાવ…’ જવાબમાં ઔપચારિક સ્મિત કરી હું આગળ વધી ગયો.  પણ હું ફરી ચાના બાંકડે આવ્યો ત્યાર સુધીમાં પેલા ચશ્માવાળા ભાઈ પોતાનો મોબાઈલ દેખાડતા બોલ્યાં ‘આ ફોનમાં એ દર્શનનો ફોટો છે તે મને યાદ જ નહિ…’ અને એક ફોટો બતાવતા એમણે કહ્યું ‘આ જુઓ-‘ મને યાદ આવ્યું. મેં કહ્યું ‘હા, આ ભાઈ હંમેશાં વધુ સાકરવાળી ચા પીએ છે ”એ જ તો કહું છું કે આ દર્શન અહીં હંમેશાં આવે છે.”હા તો તેનું શું ?”એક વાત એને સમજાવવાની છે – યારી દોસ્તીમાં!’

હું એ ચશ્માવાળાને જોઈ રહ્યો. ન તો એ મારો દોસ્ત હતો ન તો ફોટામાં દેખાતો દર્શન! ‘બોલો શું વાત ?’ ઉકાળામાં ઘટતો મસાલો નાખતાં મેં પૂછ્યું.  ‘આ દર્શન મારી પાડોશમાં જ રહે છે. અહીં હરિકુંજ સોસાયટી છે ને?’ ‘હા હરિકુંજ સોસાયટી ખબર છે.’ ‘વાત એમ છે કે આ દર્શન અને એની વાઈફ સવાર સવારમાં ઝઘડી પડે છે. સવારના સાત વાગે સોસાયટીના છોકરાઓને લેવા સ્કૂલ બસ આવે ત્યારે..’ ‘અચ્છા.’

ચશ્માવાળા ભાઈ આગળ બોલ્યા ‘એક તરફ બાળકો સ્કૂલે જવા માટે તૈયાર થવા દોડાદોડી કરતાં હોય અને આ લોકો ઝઘડવા માંડે. આ દર્શન ઘરના દરવાજે અગરબત્તી ખોસતાં ખોસતાં એની પત્નીને કંઈ કડવી વાત સંભળાવે અને બાળકો માટે ટિફિન ભરતાં ભરતાં એની પત્ની રસોડામાંથી દર્શનને વધારે કડવી ભાષામાં જવાબ આપે. પછી દર્શન કંઈ સાંભળી લે?’ એમ એ ચશ્માવાળા ભાઈએ મારી સામે જોઈ પૂછ્યું. એટલે મેં જવાબ આપ્યો ‘ન જ સાંભળી લે વળી!’ ‘એ જ તો –એટલે દર્શન પણ સામે જવાબ આપે અને આમ એ લોકોની તડાતડી ચાલે બચ્ચાંઓની બસ આવે ત્યાં સુધી. બસ આવે એટલે દર્શન બચ્ચાંઓને બસમાં મૂકવા નીચે જાય ત્યારે એ લોકોનો ઝઘડો માંડ પતે.’

મેં ઉકાળો પ્યાલામાં રેડી કહ્યું ‘ હમણાં આવું..’ કહી ઉકાળો લઇ હું ઝડપથી રૂપા પાસે ગયો. કમ્પાઉન્ડ વોલ ઉપરથી એને ઉકાળો આપ્યો, રૂપા તૂટેલો દાંત દેખાડતું સ્મિત કરતાં બોલી ‘મેં તો મજાક કરેલી…ચાના નામે..’ ‘ચા નથી..’ કહી હું પાછો ઝડપથી મારા બાંકડે આવી ગયો અને મારી રાહ જોઈ રહેલ પેલા ચશ્માવાળા ભાઈને કહ્યું ‘હં પછી ?’  ‘–મારું કહેવું એમ છે કે આમ રોજ સવારે બાળકો સામે માબાપ ઝઘડે એ બરાબર નથી– તમે એ દર્શનને જો આ વાત સમજાવી શકો…’ છોકરાઓ સામે મા-બાપે ન જ ઝઘડવું જોઈએ. આ ચશ્માવાળા ભાઈ મને આવી સલાહ આપવાનું કામ આપે છે! મને ગર્વ જેવું પણ થયું. મેં કહ્યું ‘ચોક્કસ હું વાત કરીશ . બાળકો પર ઝઘડાની ખરાબ અસર પડે’  ‘એ જ તો! હું પોતે એ હરિકુંજ સોસાયટીનો સેક્રેટરી છું પણ ગમે તેમ તો ય આ એ લોકોની અંગત વાત કહેવાય – હું કશું બોલું એ બરાબર ન કહેવાય…’ ‘એમ તો એક ચાવાળો કોઈની ફેમિલી મેટરમાં માથું મારે એ પણ બરાબર ન કહેવાય પણ હું કોઈક રીતે દર્શનભાઈના કાને આ વાત નાખીશ કેમ કે બાળકોના મન બહુ કોમળ હોય…’ મેં કહ્યું.ચશ્માવાળા ભાઈએ સહમત થઇ જતાં કહ્યું, ‘તમે દર્શનને સમજાવો કે બાળકો સ્કૂલ ચાલ્યાં જાય પછી નિરાંતે ડ્રોઈંગરૂમમાં બેસી ભલે પતિપત્ની ઝઘડ્યા કરે!’

મેં અચકાઈને કહ્યું ‘પણ પછી કે પહેલા ઝઘડવું જ શું કામ જોઈએ? બાળકોને બહાને એમને ઝઘડતાં જ અટકાવીએ તો સારું ને !’ ‘ના ભાઈ ના..’ ચશ્માવાળા ભાઈએ મક્કમતાથી કહ્યું ‘ઝઘડવું એમનો હક છે, ભલે ઝઘડતા! આ તો એ લોકો ઝઘડે ત્યારે દર્શનની વાત મને સંભળાય કેમકે એ દરવાજે અગરબત્તી ખોસતાં ખોસતાં બોલતો હોય પણ એની પત્ની રસોડામાંથી જવાબ આપે એ કેવી રીતે સંભળાય ? સાલું આપણે એક તરફી પ્રેમની જેમ એક તરફી ઝઘડો સાંભળી કામ ચલાવવું પડે….’ હું અચરજથી એમને તાકી રહ્યો. એ ચાના પૈસા ચૂકવતા બોલ્યાં ‘બાળકો સ્કૂલે જાય પછી એની પત્ની રસોડામાંથી ફ્રી થઇ બહાર આવે ત્યારે એ લોકો શાંતિથી ઝઘડે તો ઝઘડો શું ચાલે છે એ તો સમજાય ! ચાન્સ મળે તો દર્શનને સમજાવજો… અને જોજો મારું નામ ક્યાંય ન આવે..’ કહી એ ચશ્માવાળા ભાઈ ચાલતા થયા.

એટલામાં ઉકાળાનો ખાલી પ્યાલો આપવા રૂપા આવી અને મને વિચારમાં પડેલો જોઈ પૂછવા માંડી કે શું થયું? મેં એને આખી વાત જણાવી કહ્યું કે લોકોની આવી પણ ઈચ્છા હોય કે કોઈનો ઝઘડો વ્યવસ્થિત સંભળાવવો જોઈએ! રૂપાએ કહ્યું ‘લોકો તો હત્તર જાતની વાત કરે પણ તમારે એ ભાઈને કે’વું જોયે કે આમ નાલ્લા પોયરા હામ્ભે લડાયા નીં કરે…’ એટલામાં દર્શનને આવતો જોઈ મેં રૂપાને કહ્યું ‘એ જ ભાઈ આવે છે, વાત બંધ કરો..’ દર્શન બાંકડા પર બેસતા બોલ્યો ‘તમે કંઈ ખાવાનું નથી રાખતાં ને? ખાલી ચા?’ હું કંઈ બોલું એ પહેલા રૂપાએ લાગલું કહ્યું ‘છે ને વડાંપાઉં.. લાવું?’ દર્શને હામાં માથું ધુણાવતા રૂપા વડાંપાઉં લેવા ગઈ. મેં ચા મૂકતા આડીઅવળી વાતોને બહાને ‘ઘરમાં કંકાસ તો થાય પણ બાળકો સામે ટાળવો જોઈએ…’ મતલબની વાત કરી. દર્શન મારી સામે જોઈ રહ્યો અને બોલ્યો ‘પ્રકાશ આવેલો કે અહીં ?’

‘કોણ પ્રકાશ ? હું નથી ઓળખતો.’ મેં કહ્યું . એટલામાં રૂપા વડાંપાઉં લઇ આવી એ ખાવાની શરૂઆત કરતાં દર્શને કહ્યું ‘પેલો ચશ્માવાળો –અમારી સોસાયટીનો સેક્રેટરી?’ દર્શનની શંકા સાચી હતી! મને આ વાત કરી હતી તે એની સોસાયટીના સેક્રેટરીએ જ ! પણ વાત ખોટી દિશામાં વકરે નહીં એટલે મેં કહ્યું ‘ના ભાઈ ના.. હું કોઈ પ્રકાશને નથી જાણતો અને હું ક્યાં તમને કશું કહું છું! હું તો આમ જ વાત કરું છું કે નાનાં બાળકો સામે માબાપ ઝગડે એ બરાબર નહિ…’ વડાંપાંઉનું બટકું ભરતાં દર્શને કહ્યું ‘ખબર છે…એ પ્રકાશને અમારો ઝઘડો આખો સંભળાતો નથી એટલે અહીં ત્યાં દરેક ઠેકાણે આમ વાત કરીને ફાંફાં મારે છે – એ સાલો ચાહે છે કે મારી પત્ની બહારની રૂમમાં આવી ઝઘડો કરે જેથી એને બરાબર સંભળાય!’

આ સાંભળી હું ડઘાઈ ગયો. રૂપા પણ સ્તબ્ધ થઇ જોઈ રહી. દર્શન બોલ્યો ‘સેક્રેટરી છે અમારો! એને કહેજો અમારું મેઈન્ટેનન્સ બિલ અડધું ઘટાડી દે તો મારી પત્ની બહારની રૂમમાં આવી ઝઘડો કરશે…પણ નહિ એ એવું નહિ કરે! બધાને મફતમાં જ મનોરંજન જોઈએ છે!’ આ સાંભળી હું કંઈ બોલી ન શક્યો. રૂપા બોલી ‘બરાબર કહ્યું તમે…મફતમાં કંઈ ની કરવું જોઈએ. અહીં તો ચા માંગે તો ઉકાળો આપે એવા ભોળા લોકો પડ્યા છે.’  એમ બોલી સ્મિત કરતી રૂપા તો પોતાના સ્ટોલ પર ચાલી ગઈ. પણ હું દર્શનને જોતો જ રહી ગયો. આખરે એણે કહ્યું ‘ચા તો આપો મને !’

Most Popular

To Top