Columns

પ્રેમ હોય તો ઊડવા દો

એક દંપતી કિંજલ અને કેયુરના લગ્નનાં દસ વર્ષ બાદ એક દીકરી જન્મી, નામ પડ્યું કિયા. આટલા વર્ષે બાળક થયું એટલે સ્વાભાવિક જ મમ્મી પપ્પા વધારે ધ્યાન રાખવાનાં જ.કેયુર અને કિંજલે નક્કી કર્યું કે તેઓ લાઇફમાં કિયાને બધું જ એકદમ બેસ્ટ આપશે.કયારેય કોઈ તકલીફ નહિ પડવા દે અને નક્કી કર્યા મુજબ કેયુર અને કિંજલ, કિયાને પલકો પર રાખતા. તેને ખૂબ પ્રેમ કરતા અને તેની દરેક ઇચ્છા પૂરી કરતાં. કિયા માટે કેયુર બેસ્ટ રમકડાં, બેસ્ટ બુક્સ, બેસ્ટ કપડાં, બેસ્ટ શુઝ લઇ આવતો.કિંજલ એક ઘડી પણ કિયાને પોતાનાથી દૂર થવા દેતી નહિ, તેની સાથે રમતી, તેને પોતાના હાથે જમાડતી.આમ વર્ષો વીતતાં રહ્યાં. કિયા મોટી થઇ. બેસ્ટ સ્કૂલમાં એડમિશન લીધું.

સ્કૂલમાં લેવા મૂકવા માટે ખાસ ગાડી અને ડ્રાઈવરની વ્યવસ્થા કરી. કિંજલ કિયાને મૂકવા સાથે જતી.હજી કિયા નાની હતી અને બધું મમ્મી પપ્પાએ તેના માટે એકદમ બેસ્ટ પસંદ કર્યું હતું.હજી થોડાં વર્ષો વીત્યાં. કિયા મોટી થઇ. તેને સ્કૂલ બસમાં આવવું જવું હતું પણ પપ્પાની ના.કિયાને ટીફીન બધા સાથે શેર કરવું હતું, પણ મમ્મી કહે, ‘હું ટીફીન લઈને આવીશ. મારી સામે જ જમવાનું.’કિયાને બર્થ ડે પર વ્હાઈટ ફ્રોક લેવું હતું, પણ પપ્પાએ કહ્યું, ‘આ તો સાવ સિમ્પલ છે. મારી પ્રિન્સેસ તો આ પિંક ગાઉન પહેરશે.’ આવું હંમેશા થવા લાગ્યું. કેયુર અને કિંજલ દીકરીનું ધ્યાન રાખવામાં અને તેને બધું બેસ્ટ આપવાની ઘેલછામાં ભૂલી ગયા કે કિયાની પણ પોતાની ઇચ્છા અને પસંદ હોય.કિયા ગુસ્સે થતી રીસાતી.

તે મમ્મી પપ્પા ઓર વધુ તેનું ધ્યાન રાખતાં. તેને સમજાવતાં, ‘અમે જે પસંદ કરીશું તારા માટે તે બેસ્ટ જ હશે ને. અમે તારાં મમ્મી પપ્પા છીએ. તને અત્યાર સુધી બધું બેસ્ટ આપ્યું છે અને આપીશું.’કિયા દુઃખી થતી, પણ સમજી પણ જતી. કિયાએ દસમીની પરીક્ષા આપી.તેને આગળ આર્ટસ લઈને હિસ્ટ્રી ભણવું હતું.પણ પપ્પા કહે, મારી કિયા તો કોમર્સ લઈને બિઝનેસ મેનેજમેન્ટ શીખશે અને પપ્પાનો બિઝનેસ સંભાળશે. મમ્મીએ કહ્યું, ‘કિયા, પપ્પા તારા માટે જે બેસ્ટ હોય તે જ કોર્સ પસંદ કરે ને.’કિયાએ ના પાડી અને રીસાઈને દાદા દાદી પાસે જતી રહી.

દાદાએ બધી વાત જાણી અને સમજી.કિંજલ અને કેયુર કિયાને લેવા આવ્યા.દાદાએ કહ્યું, ‘તમે બહુ પસંદગીઓ કરી. હવે મારી કિયા જાતે પસંદ કરશે.તેણે નક્કી કર્યું છે તે અમારી પાસે રહેશે અને નજીકની કોલેજમાં આર્ટસ ભણશે.તમે બંને જણ પ્રેમમાં પાગલ બની તેના માટે પિંજરું ન બનાવો. તેને ઊડવા દો.પ્રેમ છે, સારી વાત છે, પણ યાદ રાખો, તમે હંમેશા તેના માટે બધું પસંદ ન કરી શકો.તે ખોટી પસંદગી કરે તો તેને સાચો રસ્તો દેખાડી શકો, પણ તમારો નિર્ણય તેની પર થોપી ન શકો.તેને તમે જીવનમાં આગળ વધતાં રોકી ન શકો અને આગળ દોડવામાં કયાંક પડે તો તમે બચાવી પણ ન શકો.હા, તમે તેને પ્રેમ આપી શકો અને સાથે તેને પ્રેમભર્યો વિશ્વાસ આપી શકો કે અમે તારી સાથે છીએ.જયારે જરૂર પડે, તું અમારી પાસે આવી શકે છે.તમે માતા પિતા છો. તમે તેને જીવનનો માર્ગ દેખાડી શકો, પણ તેના બદલી ચાલી ન શકો અને તેની જીવનસફર તેણે પૂરી કરવાની છે. માટે જો સાચો પ્રેમ હોય તો તેને ઊડવા દો.’કેયુર અને કિંજલ પોતાની ભૂલ સમજી ગયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top