યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધના પગલે સમગ્ર વિશ્વમાં મોંઘવારી દર નવી નવી ઉંચાઇએ પહોંચી ગયો હોવાથી વિશ્વભરના શેરબજારોમાં કરેકશનનો દોર જોવા મળ્યો હતો. જેમાં અમેરિકા સહિત વૈશ્વિક મંદીના ઓછાયા દેખાવા લાગ્યા હતા, તેના પગલે વૈશ્વિક બજારોમાં સતત ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. આમ, સેકેન્ડરી બજારમાં કરેકશન રહેતાં અને 10થી 15 ટકા સુધીનું કરેકશન જોવાયું હતું. જેના લીધે સેકેન્ડરી બજારની મંદીની અસર પ્રાયમરી બજાર ઉપર જોવા મળી હતી. પ્રાયમરી બજારમાં નવા આઇપીઓ આવવાનું ટાળી રહી છે.
ઘણી કંપનીઓએ આઇપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર દાખલ કરી ચુકી છે, કંપનીઓને સેબીની આઇપીઓ માટે મંજુરી પણ મળી ચૂકી છે, પરંતુ ખરાબ બજારના કારણે કંપનીઓ આઇપીઓ લાવવાનું ટાળી રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી સેકેન્ડરી બજારમાં ફરીથી તેજી આવી રહી છે, બજારમાં તેજી નહિં પોઝિટિવ ચાલ જોવા મળી રહી છે, પોઝિટિવ નહિં પરંતુ સ્થિરતા જોવા મળી રહી છે અને આ સ્થિરતા સાથે તેજી આગળ વધશે તો સેકેન્ડરી બજારની સાથે પ્રાયમરી બજારમાં પણ તેજીનો દોર જોવા મળી શકે છે.
પ્રાયમરી માર્કેટમાંથી 11 કંપનીઓએ આ વર્ષના પ્રથમ એપ્રિલ-જુલાઇ ત્રિમાસિક દરમ્યાન આઇપીઓ દ્વારા કુલ રૂ. 33254 કરોડનું ભંડોળ એકત્ર કર્યુ છે. આમાં લાઇફ ઇન્સ્યોરેન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પબ્લીક ઇસ્યુ દ્વારા એકત્ર કરેલા રૂ. 20557 કરોડનો પણ સમાવેશ છે. સેબે 28 કંપનીઓને રૂ. 45000 કરોડનું ભંડોળ ઉઘરાવવા માટે મંજુરી આપી હતી. જે કંપનીઓને આઇપીઓ લાવવાની મંજુરી મળી છે, તેમાં લાઇફસ્ટાઇલ રિટેલ બ્રાન્ડ ફેબ ઇન્ડિયા, એફઆઇએચ મોબાઇલ્સ અને ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપની સબસીડીયરી ભારત એફઆઇએચ, ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન જેમાં રોકાણ કર્યુ છે તે આધાર હાઉસીંગ ફાઇનાન્સ, સુપર સ્પેશ્યાલીટી મધર અને બેબીકેર ચેઇન કલાઉડનાઇનનું સંચાલન કરતી મેકલોઇડસ ફાર્માસ્યુટીકલ્સ એન્ડ કિડસ કલીનીક ઇન્ડિયા સહિતનો સમાવેશ છે.
મર્ચન્ટ બેકર્સના જણાવ્યા પ્રમાણે આ કંપનીઓ શેરબજરાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તેમના આઇપીઓની તારીખ જાહેર કરશે. નાણાં બજાર અને મુડીબજારમાં અનિશ્ચિતતનો માહોલ હોવાથી તેઓ આઇપીઓ લાવવા માટેના યોગ્ય સમયની પ્રતિક્ષામાં છે. આનંદ રાઠી ઇન્વેસ્ટમેન્ટના કહેવા અનુસાર અત્યારની સ્થિતિ પડકારજનક છે. જેમને આઇપીઓ લાવવાની મંજુરી મળી છે, તેઓ શેરના વેચાણ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઇ રહી છે.
વર્ષ 2021-22માં બાવન કંપનીઓએ મુડીબજારમાંથી વિક્રમી રૂ. 1.11 લાખ કરોડ મેળવ્યા હતા, પરંતુ આ વર્ષમાં આઇપીઓની વણઝાર ધીમી પડી છે. જિયોજીત ફાઇનાન્સીયલે કહ્યું હતું કે, આ વર્ષે શેરબજારમાં અસ્થિરતાના માહોલના કારણે આઇપીઓ માટેની માગ ઘટી છે. એલઆઇસીના લિસ્ટીંગ પછી શેરના ભાવમાં મોટો ઘટાડો આવ્યો અને પેટીએમ અને ઝોમેટો જેવા નવી ડિજિટલ કપંનીઓના શેરના ભાવમાં પણ ધબકડો થવાતી પ્રાયમરી માર્કેટના સેન્ટીમેન્ટને ખરાબ અસર થઇ છે.
શેરબજારમાં અસ્થિરતા અને કેટલીક કંપનીઓના ભરણાં પછી તેના શેરના ભાવમાં ઘટાડો થવાતી રોકાણકારો નવા ઇસ્યુમાં રોકાણ કરવા બાબત રસાવધ હતા. જોકે, મોતીલાલ ઓશવાલના કહેવા અનુસાર બજારો નીચા સ્તરેથી સુધરી રહ્યા છે. પહેલા ત્રિમિસકમાં સેન્ટીમેન્ટ રહ્યું હતું. તેથી હવે કેટલીક કંપનીઓ પ્રાયમરી બજારમાં આવવાની હિંમત કરશે. આગામી 2-3 મહિનામાં કેટલાક આઇપીઓ તેમની યોગ્યતાના આધારે આવશે. તેથી વર્ષના બાકીના સમયમાં પ્રાયમરી બજારની કામગીરી સારી રહે તેવી ધારણાં છે.
સારા ત્રિમાસિક પરિણામો અને અર્થતંત્રના કેટલાક ક્ષેત્રોની સારી કામગીરી જોતાં એવું લાગે છે કે આ નાણાં વર્ષના બાકીના સમયમાં સારી ગુણવત્તાવાળી કંપનીઓને તેમના આઇપીઓ માટે સારા ભાવ મળશે. છેલ્લા બે મહિનામાં સેબીમાં આઇપીઓની ફાઇલ કરવામાં ઘસારો જોવા મળી રહ્યો છે અને જો બજારમાં એકધારી તેજીનો દોર જળવાઇ રહેશે તો ફરીથી પ્રાયમરી બજારમાં કંપનીઓનો ધસારો જોવા મળી શકે છે. જુન-જુલાઇમાં સુલા વાઇનયાર્ડસ, એલાઇડ બ્લેન્ડર્સ, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, સાંઇ સિલ્ક કલામંદિર સહિતના 15 જેટલી કંપનીઓના આઇપીઓ આવવાની તૈયારી કરી રહ્યા છે.