વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ એટલો સમૃદ્ધ નથી. ભારત દેશમાં ગરીબોની સંખ્યા કરોડોમાં છે. સૌથી મોટો મધ્યમવર્ગ છે અને ત્યારબાદ ધનિક વર્ગનો નંબર આવે છે. ભારતમાં માથાદીઠ આવક રૂપિયા 1.97 લાખ છે. જે અન્ય દેશની સરખામણીમાં ઘણી ઓછી છે. ભારતમાં 140 કરોડ લોકો રહે છે અને તેને કારણે ભારતમાં માથાદીઠ આવક ખૂબ ઓછી છે. જો કે તેની સામે ભારતમાં લોકસભાની ચૂંટણી માટે વિશ્વમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. આમ તો ભારતમાં 9લોકશાહી છે અને લોકશાહી લોકો માટે જ છે પરંતુ ભારતની લોકશાહી નેતાઓ માટે છે અને નેતાઓએ કેટલી વખત ચૂંટાવવું તેના માટે કોઈ અંકુશો નહીં હોવાને કારણે આ લોકશાહીનો સૌથી વધુ લાભ નેતાઓ જ લઈ રહ્યા છે.
પહેલાના સમયમાં ચૂંટણી માટે એટલો ખર્ચ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતો નહોતો. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે લોકસભાની પ્રથમ ચૂંટણીનો ખર્ચ માત્ર 10 કરોડ રૂપિયા જ થયો હતો પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીનો સરકારી ખર્ચ જ 24 હજાર કરોડ સુધી પહોંચવાની ધારણા છે. જ્યારે સરકારી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચનો આંકડો આ વખતની ચૂંટણીમાં 1.20 લાખ કરોડ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ભારત જેવા દેશને આટલો મોટો ચૂંટણી ખર્ચ પરવડી શકે તેમ નથી પરંતુ નેતાઓના લાભાર્થે આવું કરવું પડી રહ્યું છે તે ભારતીયોની કમનસીબી છે.
ભારતમાં ચૂંટણીને લોકશાહીના પર્વની જેમ ઉજવવામાં આવે છે. પહેલાના સમયમાં જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે નેતાઓ માટે પ્રચારના સાધનોમાં ડોર ટુ ડોર અને સભા જ રહેતી હતી પરંતુ હાલના સમયમાં પ્રચારના સાધનો બદલાઈ ગયા છે. આજે રેડિયો-ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલમાં પ્રચાર કરવામાં આવે છે. મોબાઈલ પ્રત્યેક મતદારોના હાથવગો હોવાને કારણે દરેક નેતાઓ, ઉમેદવારો મતદારોના મન સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે અને તેને કારણે ચૂંટણીનો ખર્ચ વધી રહ્યો છે.
ભૂતકાળમાં ચૂંટણીમાં ગરીબ નેતાઓ પણ ઊભા રહેતા હતા અને જીતતા હતા પરંતુ હાલના સમયમાં લોકસભાની ચૂંટણીમાં ગરીબ ઉમેદવારોનું કશું જ કામ નથી. જે ઉમેદવાર કરોડપતિ નથી તે લોકસભા લડીને જીતી શકે તેવી કોઈ જ શક્યતા નથી. જે તે ઉમેદવાર પણ લોકસભાની બેઠક જીતીને બાદમાં નાણાં જ કમાતો હોય છે. દેશનો મતદાર આ સમજી ચૂક્યો છે અને તેને કારણે હવે મતદાર પણ ચૂંટણી આવે તો નેતાઓ પાસેથી નાણાં ખંખેરવાના મૂડમાં હોય છે. બીજી તરફ કાર્યકરોની અપેક્ષાઓ પણ ચૂંટણી સમયે વધી જાય છે અને તેને કારણે જ ચૂંટણી માટેનો રાજકીય પક્ષો અને ઉમેદવારોનો ખર્ચ માઝા મૂકી રહ્યો છે.
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અને એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં 1.20 લાખ કરોડનો ખર્ચ થશે. જે ચૂંટણી થશેો તેમાં રાજકીય પક્ષો દ્વારા 80 ટકા રકમ ખર્ચવામાં આવશે. અગાઉ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે 30 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2019માં 60 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2004માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીનો સરકારી ખર્ચ 1000 કરોડનો પાર થયો હતો.
2009માં આ ખર્ચનો આંક વધીને 1115 કરોડ થયો હતો. 2014 બાદ લોકસભાની ચૂંટણી માટેના ખર્ચમાં બમણી ગતિએ વધારો થયો છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવાર માટે 95 લાખના ખર્ચની જ મર્યાદા છે પરંતુ તેની સામે ઉમેદવારો દ્વારા કરોડો રૂપિયાનો કર્ચ કરવામાં આવે છે. ગત ચૂંટણીની જ જો વાત કરવામાં આવે તો તેમાં ભાજપે 1142 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસે 626 કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપને 303 બેઠક મળી. જ્યારે કોંગ્રેસને 56 બેઠક મળી હતી. આ પ્રમાણે ભાજપને એક બેઠક પોણા ચાર કરોડ અને કોંગ્રેસને એક બેઠસક 11 કરોડમાં પડી હતી.
જે રીતે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ખર્ચ થઈ રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ભારત જેવા દેશ માટે ખર્ચનું પર્વ બની રહે તેવી સંભાવના છે. ખરેખર ચૂંટણી તંત્રએ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર અંકુશ મુકીને માત્ર ચૂંટણી તંત્રના પ્લેટફોર્મ પરથી જ ચૂંટણી લડવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલનો ચૂંટણીનો ખર્ચ જોતાં તે દેશના જીડીપીનો 30 ટકા છે. જો ચૂંટણી તંત્ર તેના પર નિયંત્રણ લાવી નહીં શકે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનો ખર્ચ અને ભારતની ઈકોનોમી બંનેના આંકડા સરખા થઈ જાય તો નવાઈ નહીં હોય.