કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી હોય છે. વ્યાપ અને વિશાળતા વધુ વ્યસ્તતા લાવતી હોય છે અને એમાંથી વિનમ્રતા નહીં પણ વિમાસણ પેદા થતી હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મતદારોએ ખોબલા ખોબલા મત આપ્યા ને સત્તાવાર કુલ બેઠકોની સંખ્યા ૧૫૬ સુધી પહોંચાડી. આ આંકડો વિશેષ વિક્રમરૂપ છે, જેને આગામી વર્ષોમાં કોઇ તોડી શકશે નહીં એવું અત્યારે લાગે છે. પરંતુ આ વિશાળતા એક પ્રકારની જવાબદારી અને જવાબદેહીતા લઇને આવી છે. પહેલી નજરે તો ભલે એવું લાગે કે બધા વિક્રમો તૂટીને કડડભૂસ થઇ ગયા છે, પણ હકીકતમાં એના કરતાં સવિશેષ જવાબદારીઓ વધી છે.
જે જવાબદારીઓ અદા કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધારી ભાજપને માટે અનિવાર્યતા ઊભી થયેલી છે. એનું મોટું કારણ એ છે કે આટઆટલા મત આપનારાં પ્રજાજનોમાં ભાજપ પ્રત્યેની અપેક્ષાઓ વધી ગઇ છે. ભાજપે જે કોઇ વચનો આપ્યાં છે, તેનાથી પણ વધારે કામોની તેની પાસેથી લોકો અપેક્ષાઓ રાખે તો નવાઇ નહીં. લોકો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણસુધારણા, વહીવટી બાબતો વગેરેમાં ભાજપ પાસેથી બેવડી અપેક્ષાઓ સેવવા લાગ્યા છે. આટઆટલી એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં પ્રચંડ બહુમતી મેળવવામાં ભાજપને કંઇ કરતાં કંઇ નડ્યું નથી એ બતાવે છે કે લોકોમાં ભાજપ પર બરાબરનો ભરોસો પડેલો છે.
એટલે જ એ ભરોસા પર ભાજપે સો ટકા ખરા ઉતરવું પડવાનું છે. કોંગ્રેસ પક્ષ એની પૂરી તાકાતથી આ ચૂંટણી લડ્યો અને આમઆદમી પાર્ટીએ જે રીતે મફત વીજળીથી માંડીને અનેકાનેક વચનોની લહાણી કરી, તેનાથી પણ તેના પર મતદારો ભરોસો મૂકવા તૈયાર થયા નહીં. બંનેની નેતાગીરી પણ ભાજપની નેતાગીરીની તુલનામાં વામણી પુરવાર થઇ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પર્સનાલિટી અને વ્યૂહરચનાઓ થકી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું માઇલેજ મળ્યું છે. વ્યૂહાત્મક રીતે ભાજપની આ નેતાગીરીએ ચૂંટણીના સમગ્ર માહોલને પક્ષની તરફેણમાં ફેરવી નાખવામાં જબરી ભૂમિકા ભજવી છે.
વિશ્વ કક્ષાએ ઉત્તમ ચૂંટણી મેનેજમેન્ટનો આ ઉત્તમ નમૂનો છે. પોલિટિકલ સાયન્સના સંદર્ભે જોઇએ તો ગુજરાતના પોલ મેનેજમેન્ટને એક ટેસ્ટ કેસ તરીકે કન્સીડર કરવાની જરૂર છે, કારણ કે આટલી બધી બેઠકો કોઇ વેવ કે કોઇ થિયરી વિના જીતી શકાઇ છે. ગુજરાતની ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ ૧૨૭ બેઠકો મળી હતી. એ પછી ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓમાં પાર્ટીની બેઠકોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઇ હતી. ૨૦૨૨માં એકાએક આટલો મોટો ઇજાફો આશ્વર્યજનક લાગે છે, પરંતુ ભાજપનું પોલ મેનેજમેન્ટ લાજવાબ રહ્યું. ભલે એવું લાગ્યું કે ઓછું મતદાન થયું છે, પણ જે કંઇ મતદાન થયું, એમાં ભાજપતરફી જ વલણ રહ્યું છે, એ સ્પષ્ટ છે. ૩૫થી ૪૦ જેટલી બેઠકો પર ભાજપવિરોધી વોટ વહેંચાઇ ગયા છે. જેનો સીધો ફાયદો ભાજપને થયો છે.
ગુજરાતનાં મતદારોએ ભાજપને વોટ આપ્યા તેની પાછળ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ સૌથી મોટા કારણરૂપ રહ્યું છે. ભાજપ પર ભરોસો વધ્યો છે. ભાજપનું હિન્દુત્વનું કાર્ડ લોકોએ બરાબર ઝીલ્યું છે. વિકાસની વાતો સાંભળી છે, મોંઘવારીને માથે ચડાવી છે અને સાથે રાષ્ટ્રવાદને પણ પસંદ કર્યો છે. મોદીની આ જીત હિન્દુત્વની અને રાષ્ટ્રવાદની વિચારધારાની જીત છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને તેમણે ગુજરાતમાં તેનો સફળ પ્રયોગ કરી દેખાડ્યો છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતનું મોડલ લઇને નરેન્દ્ર મોદીએ દેશભરમાં ડંકો વગાડ્યો હતો એ રીતે હવે ૨૦૨૪ની લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની જીતના મોડલને લઇ જવામાં આવે એવી પૂરી સંભાવના છે.
ગુજરાતમાં તો વિધાનસભા જાણે સમરસ થઇ હોય એવી સ્થિતિ સર્જાઇ છે. વિરોધ પક્ષની જાણે હસ્તી જ રહી નથી. ભલે આ બાબત તંદુરસ્ત લોકશાહીને માટે ઇચ્છનીય નથી, પરંતુ ભાજપ માટે તો મોટી સિદ્ધિ છે. જે રીતે ભાજપે ગુજરાતમાં મતોનું સફળતાપૂર્વક ધ્રુવીકરણ કર્યું એવું કદાચ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બધાં રાજ્યોમાં ન કરી શકે, પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે જેવાં રાજ્યોમાં કરી શકે તો જરૂર વિજયપતાકા લહેરાવી શકાય એમ છે.
હવે ગુજરાતની આટલી વિરાટ જીત પછીના તંત્ર માટેની વાત કરીએ. ભૂપેન્દ્રભાઇ પટેલની બીજી ઇનિંગ શરૂ થઇ છે. બીજી ટર્મમાં મુખ્યમંત્રીએ મહેસુલ, શહેરીવિકાસ, ખાણખનિજ, માર્ગમકાન જેવાં મહત્ત્વનાં અનેક વિભાગો પોતાની હસ્તક રાખ્યાં છે. જો કે પ્રધાનમંડળમાં બહુ ઓછા ચહેરા એવા છે, જે વધુ વિભાગો હેન્ડલ કરી શકે. સામાન્ય રીતે મુખ્યમંત્રી ગૃહ, સામાન્ય વહીવટ, નીતિઓ, જેવા વિભાગો પોતાના હસ્તક રાખતા હોય છે, પણ આ વખતે ભાજપને જેટલી વધુ બેઠકો મળી છે, તેટલી વધુ કંજુસાઇ પ્રધાનમંડળના સભ્યોની સંખ્યામાં કરાઇ છે.
૧૭ સભ્યોનું પ્રધાનમંડળ ઘણું નાનું અને અપૂરતું લાગે છે, કારણકે અનેક વિસ્તારો, સમુદાયોને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આગામી સમયમાં આ બાબત અસંતોષરૂપે બહાર આવી શકે છે. વળી મુખ્યમંત્રી પોતાની હસ્તકના આટલા બધા વિભાગોને કઇ રીતે ન્યાય આપી શકશે એ સવાલ છે. આનો જવાબ એવો છે કે મંત્રીઓને બદલે અધિકારીઓ જ વહીવટ ચલાવે એવી સ્થિતિ સર્જાય એમ છે. આ સ્થિતિમાં લોકોનાં કામોને કેટલો ન્યાય મળી શકશે તે સવાલ છે. સામે લોકોની અપેક્ષાઓ તો વધી જ ગયેલી છે.
-નિરજ વકીલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.