અમદાવાદ: બોર્ડર ગવાસ્કર સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે શુભમન ગિલની સદીની મદદથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો મક્કમતાથી જવાબ આપી રહી છે, પરંતુ જે રીતે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બે દિવસ બેટિંગ કરી 488 રનનો ઢગલો કર્યો અને હવે ભારતીય બેટ્સમેનો બેટિંગ કરી રહ્યાં છે તે જોતાં આ હાઈસ્કોરીંગ ટેસ્ટ મેચ ડ્રો થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. ડબ્લ્યુટીસીની ફાઈનલમાં પહોંચવા માટે આ ટેસ્ટ મેચ જીતવી ભારત માટે અત્યંત આવશ્યક હોય ત્યારે જો મેચ ડ્રો થાય તો શું ભારત ફાઈનલમાં પહોંચશે? તેની ચિંતા ચાહકોને સતાવવા લાગી છે. તો ચાલો જાણીએ અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થાય તો શું થશે…
અમદાવાદ ટેસ્ટ મેચમાં હજુ રમતના બે દિવસ બાકી છે અને વધુ બે ઇનિંગ્સ રમવાની છે. આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાની પૂરી સંભાવના છે. કે અમદાવાદની આ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે WTCની ફાઇનલમાં પ્રવેશ કરશે.
WTC ફાઇનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જો કે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. હવે બીજી ફાઇનલિસ્ટ ટીમની રાહ જોવાઇ રહી છે. બીજા ફાઇનલિસ્ટના દાવેદારીમાં ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા પણ છે.
ફાઈનલ માટે ભારત-શ્રીલંકા વચ્ચે જંગ
બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સિઝન છે. હવે આ ચેમ્પિયનશિપમાં માત્ર 4 મેચ બાકી છે. જેમાં, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચથી કોઈ ફરક પડતો નથી. કારણ કે બંને ટીમો રેસમાંથી બહાર છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે અથવા ભારતીય ટીમ તેમાં હારશે તો સમગ્ર મામલો શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી તરફ વળી જશે. તે સ્થિતિમાં, શ્રીલંકાને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ સાથે જીતવી પડશે. આ શ્રેણી ન્યુઝીલેન્ડમાં રમાઈ રહી છે. જો આ શ્રેણીની એક પણ મેચ ડ્રો થાય છે અથવા શ્રીલંકા હારી જાય છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ હાર્યા બાદ પણ WTCની ફાઇનલમાં પહોંચી જશે.
અમદાવાદ ટેસ્ટ ડ્રો કે ભારતની હાર પર WTCનું અંતિમ સમીકરણ
જો શ્રીલંકા બે ટેસ્ટ મેચની સિરીઝમાં ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કરશે તો તે ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. જો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરીઝની એક મેચ પણ ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. જો શ્રીલંકા ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી જશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.