Charchapatra

‘મહાભારત’ પર રાજામૌલી ફિલ્મ બનાવશે તો ભારતનો વિશ્વમાં જયકાર થશે

બાહુબલી તથા આર.આર.આર. જેવી સુપરહીટ ફિલ્મો બનાવનારા રાજામૌલી કેટલાય સમયથી ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે જેથી દેશની વાર્તાઓને વિશ્વ ફલક પર પહોંચાડી શકાય. મહાભારતની વાર્તાઓમાં તમામ ઘટકો મોજૂદ છે. રાજમૌલી બે ફિલ્મો વચ્ચે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લે છે તે જોતાં મહાભારતનો પ્રોજેકટ અત્યારથી હાથ ધરે તો તેમાં દસ વર્ષનો સમય લાગી શકે. રાજામૌલીનું મહાભારત જેવી વિશાળ ફિલ્મ બનાવ્યાનું સપનું જલ્દી પૂરું થાય તેવી આશા રાખીએ. વિશ્વવિખ્યાત નાટયકાર અને ફિલ્મ ડિરેકટર પિટર બ્રુકનું 97 વર્ષે તાજેતરમાં પેરિસમાં નિધન થયું. વર્ષ 1980 અને 1990 ના દાયકામાં પીટર બ્રુકે ભારતીય સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવતા મહાકાવ્ય ‘મહાભારત’ને સ્ટેજ પર રજૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પીટર બ્રુકે ‘મહાભારત’ને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવીને આપણી ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં નામ રોશન કરેલ હતું. પીટરબ્રુકનું ‘મહાભારત’ નાટક સ્ટેજ પર 9 કલાક સુધી ભજવાતું અને ઇન્ટરવલ સાથે કુલ 11 કલાક ચાલતું હતું. દર્શકો પણ આવા સુંદર નાટકને 11 કલાક જેટલો લાંબો સમય બેસીને માણતાં હતાં. આપણા દેશમાં ઘણા મહાન નાટયકારો થઇ ગયા પણ પિટર બ્રુક જેવું ‘મહાભારત’ નાટક ભજવવાની કોઇએ હિંમત કરી નહોતી. આવા નોંધપાત્ર નાટયકાર પીટર બ્રુકને તેમની  જિંદગીમાં આપણા દેશની નરેન્દ્ર મોદીની સરકારે યાદ કરીને વર્ષ 2021 માં પદ્મ એવોર્ડ આપીને સન્માન્યા હતા, જે આવકાર્ય ગણી શકાય. વિશ્વની આજની સ્થિતિ અને મહાભારતનો પ્લોટ એક સમાન છે. અર્જુનની સમસ્યા હતી કે યુધ્ધ કેવી રીતે કરવું અને તેનું શું પરિણામ આવશે. વિશ્વના આજના રાજકારણમાં પણ આ જ સમસ્યા છે એટલે વિવિધ દેશો પોતાના હિતને વધારે મહત્ત્વ આપીને સંબંધ મજબૂત કરવાના પ્રયાસો કરે છે. દેશના કર્મઠ, દૃઢનિશ્ચયી અને ભારતીય સંસ્કૃતિના ઉપકારક વિચારોને વિશ્વમાં હિંમતથી આગળ વધારનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વમાં આગવું પ્રભાવી નેતૃત્વ દેખાય છે. આવા સમયમાં જો રાજમૌલી ‘મહાભારત’નું ચલચિત્ર વિના વિલંબે બનાવશે તો કરોડો દર્શકો તેને ચોક્કસ આવકારશે અને પિટર બ્રુક જેવું નામ વિશ્વમાં રોશન કરી શકશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડબલ એન્જિન સરકાર
આજથી ત્રણેક મહિના પહેલાં એક ચોપાનિયાના છેલ્લા પાને પહેલી વાર ડબલ એંજિન સરકારનું સૂત્ર મારી નજરે ચઢ્યું.મારું બાળપણ ,પિતાશ્રી સ્ટેશન માસ્ટર હોવાથી રેલવેના પાટા પર ઘડાયું.પરિણામે આજે પણ ઢળતી ઉંમરે એનું આકર્ષણ જળવાઇ રહ્યું છે.એટલે ડબલ એન્જિનની રાજકીય ક્ષેત્રમાં બોલબોલા જાણી મારું કુતૂહલ પણ બેવડાયું.પછી તો વખત જતાં ભીંતે ભીંતે અને અખબારને પાને પાને ‘ડબલ એન્જિન સરકાર’ સૂત્ર આજે છવાઈ ગયું છે.આના પર કલમ ચલાવાય ? બસ, લેખક પાસે શબ્દ આવે એટલે વિચારનું સ્વરૂપ જ બદલાઈ જાય.આમ તો ગુજરાત પાસે અગિયાર વર્ષથી પાવરદાર એન્જિન હતું જ.પણ લોકશાહી રૂપી ભારતની ટ્રેનને વધુ ગતિશીલ અને આરામદાયક બનાવવાની જરૂરિયાત ઊભી થઇ.એટલે 2014 થી રાજધાનીને એ જોડવામાં આવેલ છે અને લોકશાહીને વધુ ગતિશીલ અને વેગવાન બનાવવામાં ગાંધીનગરથી બીજું પાવરફુલ એન્જિન ઉપલબ્ધ થતાં આઠેક વર્ષથી ડબલ એન્જિન સાથે આ ટ્રેન બે ત્રણ નબળા કોચને બાજુએ મૂકી છવ્વીસેક કોચ સાથે પૂરપાટ દોડી રહી છે એ ઓછા આનંદની વાત છે?
સુરત     -પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top