અને એમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ થઈ જાય છે. જોકે, અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી 2020માં પીએમ મોદીએ એક સંમેલનમાં વન નેશન, વન ઇલેક્શનને ભારતની જરૂરિયાત ગણાવી હતી. હવે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સરકારે આ મુદ્દે એક સમિતિ બનાવવાનું નક્કી કર્યું છે, જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે. આ સમિતિ તમામ હિતધારકોના અભિપ્રાય લીધા બાદ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે. એટલે કે, હવે નક્કર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, સમજીએ છીએ એટલું ઇઝી નથી. સરકારે ચોક્કસપણે ગણતરી કરી હશે કે આટલાં વિશાળ દેશમાં વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવું કેટલું મુશ્કેલ છે. પહેલા તો સંસદમાં આ અંગે બિલ લાવતાં જ તમામ વિપક્ષી દળો એનો વિરોધ કરશે. જોકે, મોદીની સ્ટાઇલ મુજબ, જો વિપક્ષો આ વાતનો વિરોધ કરશે તો ચેકમેટ થઈ શકે છે. ભાજપ આને લોકસભા ચૂંટણીનો મુદ્દો બનાવીને લોકો વચ્ચે લઈ જઈ શકે છે. ભાજપ એવું કહેશે કે અમે દેશના પૈસા બચાવવા માટે આવું કરવા માગતા હતા, પરંતુ વિરોધપક્ષોએ અમને આમ કરતા અટકાવ્યા છે.
મોદીના વિરોધીઓ અને ટીકાકારો પણ એવું માને છે કે પીએમ મોદી જે પણ કામ કરે છે એમાં તેઓ ફૂલપ્રુફ પ્લાન તૈયાર કરે છે. ભલે બંધારણની કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં કંઈ બદલાયું નથી, પરંતુ પીએમ મોદીએ દેશમાં પોતાનો પ્રભાવ તો સ્થાપિત કરી દીધો છે. તેમણે જનતામાં એવો મેસેજ આપી દીધો કે, કાશ્મીરમાં આવું કામ તો છપ્પનની છાતી ધરાવતી મોદી સરકાર જ કરી શકે. દેશમાં મોટા ભાગની વસતિ મધ્યમવર્ગની છે, તેમને ખર્ચ બચાવવાનું કહેવાથી સરકારની લોકપ્રિયતા વધશે. જોકે, સમીક્ષકો કહે છે, કેન્દ્ર સરકાર ખરેખર આ દિશામાં કામ કરવા માગતી હોય તો લોકસભાની ચૂંટણીની સાથે તેણે એવાં રાજ્યોમાં ચૂંટણી કરાવવી જોઈએ, જ્યાં ભાજપની સરકાર છે. આ રીતે ભાજપ પોતાની સરકારને બરખાસ્ત કરીને આવો નિર્ણય લઈને અન્ય પક્ષો પર દબાણ બનાવી શકે છે.
દલીલો તો એવી પણ કરવામાં આવી રહી છે કે, એકસાથે ચૂંટણી યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. કારણ કે, રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દા અલગ-અલગ હોય છે. 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થઈ જશે. ઉપરાંત રાજકીય પક્ષોમાં ડર નીકળી જશે, કારણ કે અત્યારે તો લોકસભાની ચૂંટણી જીતનારા પક્ષોને પણ ડર રહે છે કે તેઓ સારી કામગીરી નહીં કરે તો વિધાનસભામાં મુશ્કેલી ઊભી થશે. આ ઉપરાંત કદાચ એવું બને કે લોકસભા 5 વર્ષ પહેલાં ભંગ થઈ જાય તો શું થશે? કારણ કે દેશનો ઇતિહાસ જણાવે છે કે પોતાનો કાર્યકાલ પૂરો કરતા પહેલા 6 વખત લોકસભા ભંગ કરવામાં આવી છે, જ્યારે એક વખત એનો કાર્યકાળ 10 મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં શું થશે? આપણે હતા ત્યાંને ત્યાં આવી જઈશું? સવાલો ઘણા છે.
‘વન નેશન વન ઇલેક્શન’ માત્ર ડિબેટનો વિષય નથી, દેશની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે વિકાસકાર્યોને અસર થાય છે, આવું પીએમ નરેન્દ્ર મોદી નવેમ્બર 2020માં 80મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે બોલ્યાં હતા. મતલબ કે, મોદી બોલ્યાં એટલે ઈશારો કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે, આવું કંઈક આવશે ખરું. હવે મોદીના આ નિવેદનના 3 વર્ષ પછી 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સરકારે વન નેશન વન ઇલેક્શન પર એક સમિતિની રચના કરી છે. સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. મજાની વાત તો એ છે કે, હજુ આગળ દિવસે સરકારે આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું અને આજે આ રીતે વન નેશન વન ઇલેક્શન માટેની સમિતિ રાચતા એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, 18થી 22 સપ્ટેમ્બરના વિશેષ સત્રમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
વિશેષ સત્રમાં જે કોઈ નિર્ણય લેવામાં આવે એ ખરો, પણ આજે મુદ્દો ઉઠ્યો છે તો આપણે જાણી લઈએ કે, વન નેશન વન ઇલેક્શન છે શું? પહેલેથી વાત કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન મોદી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના વિચાર પર ભાર આપી રહ્યા છે. હવે આ કાર્ય પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે તે બાબત આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં સરકાર ગંભીર હોવાનું દર્શાવે છે. આમ તો, 2017માં રાષ્ટ્રપતિ બન્યા પછી કોવિંદ પણ મોદીના વિચારો સાથે સંમત થયા હતા અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનું સમર્થન તેમણે કર્યું હતું. 2018માં સંસદને સંબોધતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે, વારંવાર થતી ચૂંટણીઓ માત્ર માનવ સંસાધન પર બોજ જ નથી વધારતી, પરંતુ આચારસંહિતાનો અમલ પણ વિકાસની પ્રક્રિયામાં અવરોધે છે.