Entertainment

ફિલ્મ નહીં તો વેબસિરીઝ, સત્યજીતની સફળતા શોધમાં

અભિનેતા યા અભિનેત્રીઓ સ્વીકારે ન સ્વીકારે પણ તેમણે ફિલ્મોમાં જ કામ કરવું હોય છે. જયાં સુધી એ શકય ન બને ત્યાં સુધી ટી.વી. અને વેબસિરીઝનો તેમને ઇન્કાર નથી હોતો. સત્યજીત દૂબે વિશે પણ તમે એવું કહી શકો. એ ખરું કે તેણે શાહરૂખ ખાન નિર્મિત ‘ઓલવેઝ કભી કભી’ થી શરૂઆત કરેલી પણ ઉંચા આકાશ જોઇને ઉડતા દરેક પંખી ઊંચે સુધી ઉડી શકતા નથી. ધીરે ધીરે તે સ્મોલ સ્ક્રિન પર સેટ થઇ ગયો. ‘મુંબઇ ડાયરીઝ ૨૬-૧૧’ માં તેણે ડો. અહાન મિર્ઝાની ભૂમિકા ભજવી હતી. વેબ સિરીઝમાં કોંકણ સેન, મોહિત રૈના, સોનાલી કુલકર્ણી હતા તો પણ સત્યજીતની ભૂમિકાએ અસર ઊભી કરેલી.

સત્યજીત કોઇ ભ્રમમાં નથી એટલે આવતી તક પ્રમાણે તે વિચારે છે. ‘ઓલવેઝ કભી કભી’ સફળ ગઇ હોત તો વાત જૂદી હોત. એ કહે છે કે ફિલ્મ નિષ્ફળ ગઇ અને ગ્રાઉન્ડ ઝીરો પર પાછો પહોંચી ગયો. પછી ‘બન્ને કી ક્રેમી બારાત’ પણ મોટો ધંધો ન કરી શકી. હા, ‘કેરી ઓન કુત્તો’ જોઇને સંજય દત્ત સામેની ‘પ્રસ્થાનમ’ મળી પણ મોટા સ્ટાર સાથેની ફિલ્મો સફળ જાય તો એ સ્ટાર્સને જ ફાયદો થાય. અને એટલે ‘અગ્નિપથ’ ટી.વી. મુવીમાં કામ કર્યું અને પછી ‘લવ હેન્ડલ્સ’, ‘મહારાજ કી જય હો’ અને ‘મુંબઇ ડાયરી’નો તે હિસ્સો બન્યો. હવે તે ‘બેસ્ટ સેલર’ નામની વેબસિરીઝમાં છે જેમાં મિથુન ચક્રવર્તી, શ્રુતિ હાસન છે.

તેની પાસે ફિલ્મો નથી એવું પણ નથી. ‘સિમુલાકરા’ નામની ફિલ્મમાં તે અક્ષરા હસન, રાજદીપ ચૌધરી કામ કરી રહ્યા છે તો ‘અય ઝિંદગી’માં રેવતી અને શ્રીકાંત વર્મા છે. તે કહે છે કે હજુ સુધી મને અપેક્ષિત સફળતા નથી મળી પણ વેબસિરીઝ અને ફિલ્મોમાં કામ તો મળે છે. અને કામ મળતું રહે તો આવતીકાલે કાંઇ પણ થઇ શકે.  છત્તિસગઢના બિલાસપુરમાં જન્મેલો આ અભિનેતા એ વાતે ખુશ છે કે તેના દાદા સત્યદેવ દૂબે છે જે હિન્દી નાટકો અને બેનેગલની ફિલ્મોના લેખક હતા.

Most Popular

To Top