જયા બચ્ચનને એકદમ ‘ખડૂસ’ માનનારા ઘણા લોકો છે પણ એ માનનારાઓએ માનવું જોઇએ કે અમિતાભને તેમના અંગત જીવનમાં જે આદર માતા-પિતા માટે રહ્યો છે એવો જ એક વિશિષ્ટ આદર જયા બચ્ચન માટે રહ્યો છે. આ જયા બચ્ચનને કારણે જ રેખા સાથેના પ્રણય સંબંધમાં અટકી જવું પડયું તેનો અફસોસ અમિતાભને અંદરોદંર જરૂર છે પણ એ અટકી જવો જરૂરી હતો તે સમજાવનાર જયા બચ્ચન જ હતા. મોટા ફિલ્મસ્ટાર્સના પત્ની હોવાની જવાબદારી પણ મોટી હોય છે. અમિતાભની ઓળખ એક સંસ્કારી વ્યકિત તરીકેની પણ છે. જયારે તેમાં સ્ખલન આવ્યું ત્યારે જયા ઊભા રહ્યા છે. આ એ જ જયા છે જે તે વખતે ઊભા થયેલા પ્રણય ત્રિકોણને બરાબર જાણતા હતા અને છતાં ‘સિલસિલા’માં રેખા – અમિતાભ – જયા બચ્ચન વચ્ચેનો પરદા પર રચાતો જાહેર ત્રિકોણ માન્ય રાખી અભિનય કરેલો.
સહુ જાણે છે કે જયા ભાદુરી એક ટ્રેન્ડ સેટર અભિનેત્રી હતા અને અમિતાભની ‘ઝંઝીર’ સફળ થઇ તે પહેલાં તો ‘મહાનગર’, ‘ગુડ્ડી’, ‘ઉપહાર’ ‘પિયા કા ઘર’, ‘બાવર્ચી’, ‘એક નજર’, ‘પરિચય’, ‘કોશિષ’, ‘સમાધી’, ‘અન્નદાતા’, જેવી ફિલ્મો આપી ચુકયા હતા. ‘ઝંઝીર’માં અમિતાભ સાથે ત્યારની કોઇ અન્ય ટોપની એકટ્રેસ કામ કરવા તૈયાર નહતી તો જયા ભાદુરીએ કામ કરેલું. એ વર્ષે જ જયાજીની સલાહથી અમિતાભે ઋષિકેશ મુખરજીના દિગ્દર્શનમાં ‘અભિમાન’ ફિલ્મ બનાવડાવેલી. આ ૧૯૭૩ ના વર્ષની જ અન્ય ફિલ્મો છે. ‘ફાગુન’, ‘અનામિકા’ અને ૧૯૭૪ ની ‘કોરા કાગઝ’. અમિતાભનું સ્ટારડમ નવા શિખરે ચડતું ગયું તો પોતે ઉત્તમ અભિનેત્રી અને તેમની ડિમાંડ છતાં જયા બચ્ચને ફિલ્મો ઓછી કરવા માંડી. એમના લગ્નના આરંભિક વર્ષોમાં ‘ચૂપકે ચૂપકે’, ‘મિલી’ અને ‘શોલે’ જેવી ફિલ્મો આવી છે. ‘શોલે’ માટે અમિતાભને લેવા જોઇએ તેવું રમેશ સીપ્પીને કહેનાર ધર્મેન્દ્ર છે. જયા બચ્ચન માટે કોઇએ એવું કહેવું નથી પડયું. જયા બચ્ચને સ્વયં અમિતભના કહેવાથી એકેય ફિલ્મ મેળવી નથી. જયા તેમના પતિ અમિતાભના સ્ટારડમની વચ્ચે કયારેય આવી નથી. નિર્માતા – દિગ્દર્શકો અમિતાભ માટે જે હીરોઇન નકકી કરે તે જયાએ કદી કહ્યું નથી કે પરવીનબાબી, રાખી, રેખા કે હેમામાલિની સાથે કામ કરવું યા ન કરવું. જયા બચ્ચન ચૂપચાપ ગૃહિણી અને અભિષેક – શ્વેતાની મા તરીકે જ પોતાને મર્યાદિત કરીને રહ્યા. અમિતાભના જીવનની બે કટોકટીમાં જયા બચ્ચન જ સાથે હતા એક તો ‘કુલી’ વેળા જીવન-મરણ વચ્ચે અમિતાભ અને ત્યારબાદ અમિતાભે એસીબીએલ સ્થાપી તેમાં મળેલી પ્રચંડ નિષ્ફળતા વખતે.
રાજીવ ગાંધી સમયે અમિતાભના રાજકારણમાં જવાને પણ પછી પાછા વાળનાર એક સલાહકાર જયા બચ્ચન છે.
જયારે લાગ્યું કે સંતાનો મોટા થઇ ગયા ને અમિતાભ ફરી પોતાના સ્ટારપદે પાછો વળ્યો ત્યારે જયા બચ્ચન રાજકારણ તરફ વળ્યા અને એક સક્રિય રાજકારણી તરીકે સંસદ ભવનમાં પણ કામ કરતા રહ્યા છે. જયા બચ્ચનનાં કમિટમેન્ટ વિશે કોઇ ખોટી ટિપ્પણ ન કરી શકે એવા તે ગૌરવશાળી છે. અમિતાભ તો કોઇ દિવસ આત્મકથા ન જ લખે ને જયા બચ્ચન પણ ન જ લખે. લખે તો આ બન્ને આત્મકથા સેન્સેશન પૂરવાર થાય. જયા બચ્ચન વિશે જેા કોઇ ઊંડી સમજથી જીવનચરિત્ર લખે તો સમજાશે કે બચ્ચન કુટુંબમાં તેમનું શું પ્રદાન છે. પુત્રવધુ ઐશ્વર્યા રાયને પણ માપમાં રાખનારા તેઓ જ છે, બાકી અભિષેકના લગ્નજીવનમાં તોફાન સર્જાયા હોત. ૯મી એપ્રિલે જેમનો જન્મદિન છે તે જયા બચ્ચનને સમજો જરા.