Comments

હિંદુ એકતા સધાશે તો હિંદુ વિજયી નિવડશે

હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય અને ટકાવવું હોય તો હિંદુ એક્તા રચાવી જોઈએ અને ટકવી પણ જોઈએ. આ પહેલી અને અનિવાર્ય શરત છે. ભારતના ઇતિહાસમાં હિન્દુઓ કયારેય એક નહોતા એટલે વિદેશીઓનાં અને વિધર્મીઓનાં આક્રમણ સામે હિન્દુઓનો પરાજય થયો હતો. માટે દયાનંદ સરસ્વતીથી લઈને ગોલવલકર જેવાઓએ હિંદુ એક્તા પર ભાર મૂક્યો હતો. હિંદુ એકતા સધાશે તો હિંદુ વિજયી નિવડશે.

પણ શા માટે હિન્દુએક્તા નથી સધાતી? એવાં કયાં હિંદુ-વિભાજક પરિબળો છે અને છે તો તેનો ઉપાય શો? એક કારણ છે હિંદુ ધર્મનું સ્વરૂપ. પશ્ચિમના ધર્મોની જેમ હિંદુ ધર્મ સંગઠિત નથી. પશ્ચિમના ધર્મો એક ધર્મપ્રવર્તક, એક ધર્મગ્રંથ અને એક ઈશ્વર દ્વારા ચુસ્તપણે ગંઠાયેલા છે, જ્યારે હિંદુ ધર્મ અનેક ઈશ્વર, પંથ, ગ્રંથ અને ફિરકાઓમાં વહેંચાયેલો છે. બીજું અને વધારે મોટું કારણ છે જ્ઞાતિઓ અને સેંકડોની સંખ્યામાં પેટા જ્ઞાતિઓ. ઉચ્ચ-નીચના ભેદ અને અધિકારભેદને કારણે હિંદુએકતા નથી સધાતી.

આ હિંદુઓની મર્યાદા છે તો તેની તાકાત પણ છે. આ લખનાર સહિત અનેક રાજકીય સમીક્ષકો, સમાજશાસ્ત્રીઓ, રાજકારણીઓ એમ માનતા હતા કે હિન્દુઓમાં આંતરિક વિભાજન હોવાને કારણે હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદ અર્થાત્ ફાસીવાદથી ડરવાની જરૂર નથી. હિન્દુ એકતા અસંભવ છે અને એવી એકતાની કોઈ જરૂર પણ નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ આ વાતની જાણ હતી. તેને પણ એ વાતની ચિંતા હતી કે જ્ઞાતિગ્રસ્ત અને ફિરકાગ્રસ્ત હિંદુ સમાજને રાજકીય રીતે એક કઈ રીતે કરવો? સંસદીય લોકશાહીમાં હિંદુઓની અંદર રાજકીય એકતા સ્થપાય તો જ સત્તા સુધી પહોંચી શકાય અને હિંદુરાષ્ટ્ર સ્થાપી શકાય.

એમાં વળી આધુનિક શિક્ષણનો વિસ્તાર થતાં ૧૯૭૦ પછીથી પછાત જાતિઓ જાગૃત થવા માંડી ત્યારે સંઘ સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે જાગૃત થઈ રહેલી જ્ઞાતિચેતના હિન્દુચેતનાનો છેદ ઉડાડશે અને હિન્દુએકતા હજુ વધુ મુશ્કેલ બનશે. આના ઉપાયરૂપે સંઘે જ્ઞાતિચેતનાનો રણનીતિના ભાગરૂપે સ્વીકાર કર્યો. જે તે પછાત જાતિઓની સામાજિક ન્યાયની માગણીઓને ટેકો આપ્યો અને એ જ્ઞાતિઓમાં પ્રવેશ મેળવીને તેમાં અસ્તિત્વમાં આવી રહેલા અને વિકસી રહેલા મધ્યમ વર્ગને મુસલમાનોનો ડર બતાવીને પોતાની પાંખમાં લીધા. મોટી અને પ્રમાણમાં વગદાર પછાત જાતિઓ (યાદવ, કુર્મી વગેરે) સામે હજુ વધુ પછાત જાતિઓને સાચા સામાજિક ન્યાયના નામે ઊભી કરી.

આ જ્ઞાતિઓમાં અસ્તિત્વમાં આવી રહેલા મધ્યમ વર્ગને પણ મુસ્લિમવિરોધી હિંદુ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. રમત એવી હતી કે જો અનામતવિરોધી આંદોલન થાય તો આંદોલકારીઓને પાછળથી ટેકો આપવાનો. ૧૯૮૦ અને ૧૯૮૫માં ગુજરાતમાં અને ૧૯૯૦માં દિલ્હી તેમ જ દેશભરમાં આ જોવા મળ્યું હતું. અનામત વિરોધીઓને સંઘપરિવારનો ટેકો હતો. બીજી બાજુ એ પણ જોવા મળ્યું કે ૨૦૦૨ના ગુજરાતમાં થયેલાં દંગલોમાં મુસલમાનોને મારવામાં દલિત અને આદિવાસી સહિત પછાત અને અતિ પછાત કોમોએ આગળ પડતો હોય ભજવ્યો હતો. સંઘે બ્રાહ્મણો સામેની નફરતને સિફતથી મુસલમાનો સામે વાળી હતી.

પછાત કોમોને મુસલમાનો સામે ડરાવવાનું અને રડાવવાનું સુપેરે ચાલતું હતું એવામાં જનગણનાનો પ્રશ્ન આવ્યો. અત્યારે દેશભરનાં રાજકીય પક્ષો માગણી કરી રહ્યા છે કે જ્ઞાતિઓની અને જ્ઞાતિનાં સભ્યોની પણ ગણના કરવામાં આવે. બિહારે તો કેન્દ્ર સરકારની અવગણના કરીને જ્ઞાતિઆધારિત જનગણના કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પક્ષ આનો વિરોધ કરે છે. કારણ એ છે કે જો જ્ઞાતિઆધારિત જનગણના કરવામાં આવે તો લોકોને ખબર પડી જાય કે હિંદુ રાષ્ટ્રમાં શાસન કોનું છે? કોણ લાભ લઇ રહ્યા છે?

હિંદુઓનું રાજ છે, પણ કયા હિંદુઓનું? ન્યાયતંત્રમાં, ઉચ્ચ સ્તરની સરકારી નોકરીઓમાં, મીડિયામાં, શાળા-કોલેજોમાં ભણાવનારાઓમાં, અન્ય પ્રોફેશનલોમાં, કોર્પોરેટ કંપનીઓમાં પછાત જ્ઞાતિઓ ક્યાં છે અને કેટલા પ્રમાણમાં છે? બીજી બાજુ હિંદુ રાષ્ટ્રની રક્ષા કરનારાઓ કોણ છે એની પણ જાણ થાય? લશ્કરમાં, અર્ધ લશ્કરી દળોમાં, પોલીસખાતામાં કોણ છે? કેટલા બ્રાહ્મણ વાણિયાઓ છે અને કેટલા લોકો પછાત કોમના છે? હિંદુ રાષ્ટ્ર કોનું છે અને કોણ કેટલા ભાગીદાર છે એની જાણ થવી જોઈએ. અઢી ટકાવાળાઓનો કેટલો હિસ્સો છે અને ૩૫ ટકાવાળાઓનો કેટલો હિસ્સો છે એની જાણ થવી જોઈએ.

બીજેપીને સ્વાભાવિકપણે આની સામે વાંધો છે. હિંદુ શાસનમાં ભાગીદારીના સ્વરૂપની પછાત કોમોને ખબર પડી જાય અને કદાચ તેની વિરુદ્ધ પણ જાય. બીજેપીની આ દુખતી નસ વિરોધપક્ષોએ પકડી લીધી છે. થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોલાર ખાતે એક જનસભાને સંબોધતાં જ્ઞાતિઆધારિત જનગણના થવી જોઈએ તેવી માગણી કરી હતી અને અનામત બેઠકો ઉપર ૪૯ ટકાની ઉચ્ચતમ મર્યાદા (કેપ) છે તેને દૂર કરવાની માગણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો આ બે કામ કરશે. રાહુલ ગાંધીને અનુસરીને બીજા વિરોધ પક્ષોએ પણ આ વાત પકડી લીધી છે. હિંદુ એકતામાં જ્ઞાતિઓ બાધારૂપ છે એ સેંકડો વરસ જૂની હકીકતને ફરી વાર અજમાવવામાં આવી રહી છે. હિંદુ એકતામાં સમાનતા ન હોય, ન્યાય ન હોય તો એકતા શાની અને શા માટે? કોના લાભાર્થે? આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. અમે ક્યાં કાંઈ માગીએ છીએ અમે તો માત્ર જાણકારી માગીએ છીએ કે અમે છીએ કેટલા અને અમને શું મળે છે.

સંઘપરિવાર ખરેખર હિંદુ એકતાને વરેલો હોય તો જ્ઞાતિઆધારિત વસ્તીગણતરી કરાવવી જોઈએ અને તેમાં જેવી અને જેટલી અસમાનતા નજરે પડે તેનો સ્વીકાર કરવો જોઈએ. અસમાનતાનો ઈલાજ કરવો જોઈએ અને બ્રાહ્મણો અને અન્ય સવર્ણોને તેમની સંખ્યા બતાવીને કહેવું જોઈએ શુદ્ર ભારતનો સ્વીકાર કરો. આર્યાવર્ત બહુમતી શુદ્રોનું બનેલું છે. હિન્દુત્વવાદીઓ માટે શુદ્રોની બહુમતીવાળું આર્યાવર્ત સ્વીકારવું અઘરું પડી રહ્યું છે, માટે જ્ઞાતિઆધારિત વસ્તીગણતરીથી ભાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top