Columns

જો હિજબ પર પ્રતિબંધ હોય તો બંગડીની છૂટ કેવી રીતે આપી શકાય?

કર્ણાટકમાં હિજબનો વિવાદ ભારતના બંધારણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સેક્યુલારિઝમના અર્થઘટન પર આવીને અટકી ગયો છે. કર્ણાટક હાઈ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં દલીલ કરતાં સરકારી વકીલે સોઈ ઝાટકીને કહ્યું હતું કે ‘‘શૈક્ષણિક સંસ્થાઓ સેક્યુલર ગણાતી હોવાથી તેમાં કોઈ પણ ધર્મનાં પ્રતીકોની પરવાનગી આપી શકાય નહીં.’’ તરત જ મુસ્લિમ મહિલાઓના વકીલે સવાલ કર્યો હતો કે ‘‘જો શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુ કન્યાઓને બંગડી અને બિંદી પહેરવાની છૂટ આપી શકાતી હોય તો મુસ્લિમ મહિલાઓને હિજબ પહેરવાની છૂટ કેમ આપી શકાય નહીં?’’ ભારતના બંધારણમાં જે સેક્યુલારિઝમની વાત કરવામાં આવી છે તે પશ્ચિમી પદ્ધતિના સેક્યુલારિઝમથી અલગ છે. સેક્યુલારિઝમનો અર્થ એવો નથી થતો કે પ્રજાનો કોઈ ધર્મ નહીં હોય. તેનો અર્થ એટલો જ થાય છે કે સરકાર કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત નહીં કરે.

સરકારનો પોતાનો કોઈ ધર્મ નથી હોતો, તેનો અર્થ એવો નથી થતો કે સરકાર બધા ધર્મો પર પ્રતિબંધ મૂકી દેશે. તેનો અર્થ એવો થાય છે કે સરકાર સર્વ ધર્મ સમભાવમાં માનતી હશે. હિજબના વિવાદમાં સરકારે તે સિદ્ધાંતને નેવે મૂકી દીધો હોવાનું જણાય છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં બંગડી, જનોઈ, બિંદી કે ક્રોસ પહેરવા ઉપર પ્રતિબંધ નથી ફરમાવ્યો, પણ માત્ર હિજબ ઉપર જ પ્રતિબંધ ફરમાવીને ભેદભાવ કર્યો છે. મુસ્લિમ મહિલાઓના વકીલ દ્વારા દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં ચાલેલા કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સોનાલી પિલ્લાઈ નામની ભારતીય કન્યાને સ્કૂલના સંચાલકો દ્વારા નાકમાં રિંગ પહેરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. સોનાલીના માતાપિતા છેક દક્ષિણ આફ્રિકાની સુપ્રિમ કોર્ટ સુધી લડ્યાં હતાં અને જીતી ગયાં હતાં. તેવી જ રીતે કેનેડાના શીખ વિદ્યાર્થીને કિરપાણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવતા તે સુપ્રિમ કોર્ટ સુધી લડીને જીતી ગયો હતો.

કર્ણાટક સરકાર દ્વારા હાઈ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ મહિલાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવાનો આગ્રહ રાખે છે, તેને કારણે તોફાનો થાય છે. તેનો ઉત્તર આપતાં મુસ્લિમ મહિલાઓના વકીલે કહ્યું હતું કે જો કોઈ તોફાની તત્ત્વો વિરોધ કરવાની ધમકી આપતા હોય તો તેને કારણે કોઈ નાગરિકના મૂળભૂત અધિકાર પર પ્રતિબંધ ફરમાવી શકાય નહીં. મુસ્લિમોના વકીલ દ્વારા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ ચંદ્રચૂડનો ચુકાદો ટાંકવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ શાંતિપ્રિય નાગરિક બજારમાં ફરવા નીકળે અને ગુંડાઓ તેને હેરાન કરતા હોય તો સરકારની ફરજ છે કે નાગરિક છૂટથી હરીફરી શકે તેવો માહોલ ઊભો કરવો જોઈએ. તેને બદલે ઝઘડો થવાનો ડર બતાડીને સરકાર નાગરિકની સ્વતંત્રતા ઝૂંટવી શકે નહીં.

તેવી જ રીતે મુસ્લિમ મહિલાઓ હિજબ પહેરતી હોય તેને કારણે કેટલાક લોકો તોફાન કરવાની ધમકી આપતા હોય તો તેવાં તત્ત્વોને સરકારે અંકુશમાં રાખવાં જોઈએ, પણ હિજબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. મુસ્લિમ મહિલાઓના વકીલે દલીલ કરી હતી કે તેઓ ગણવેશ બદલવાની માગણી નથી કરી રહ્યા, પણ ગણવેશમાં નાનકડો અપવાદ ધાર્મિક કારણે આપવાની માગણી કરી રહ્યા છે.v સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જો મુસ્લિમ મહિલાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આ રીતે તેમના ધાર્મિક અધિકારો પ્રસ્થાપિત કરવામાં આવશે તો પછી હિન્દુ વિદ્યાર્થીઓ પણ સભાન બની જશે અને તેમનાં ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરવાની માગણી કરશે. તેના જવાબમાં મુસ્લિમ મહિલાઓના વકીલે કહ્યું હતું કે તેની તો ઉજવણી કરવી જોઈએ. તેમાં વાંધો શું છે? ભારત સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો દેશ છે.

તેનું પ્રતિબિંધ વર્ગખંડમાં પડતું હોય તો તેમાં કાંઈ ખોટું નથી. જો સેક્યુલારિઝમનો અર્થ એવો થતો હોય કે કોઈ પણ જાહેર સ્થાનોમાં કોઈ પણ ધર્મનાં પ્રતીકો દેખાવાં ન જોઈએ, તો પછી જાહેર માર્ગો પર ધાર્મિક વરઘોડા પણ કાઢી શકાય નહીં. જાહેર માર્ગો પર ગણપતિ વિસર્જન કે તાજિયાના સરઘસ કાઢવામાં આવે છે, તેની છૂટ પણ આપી શકાય નહીં. જો મુસ્લિમ મહિલાઓ જાહેરમાં બુરખો પહેરીને નીકળી ન શકતી હોય તો હિન્દુ મહિલાઓને જાહેરમાં ઘુંઘટ કાઢીને ચાલવાની છૂટ પણ આપી શકાય નહીં. ભારતનું બંધારણ બન્યું તેની મૂળ કોપીમાં રામાયણ અને મહાભારતનાં ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં. સેક્યુલર દેશના બંધારણમાં આવાં ચિત્રો કેમ આવી શકે? લગભગ તમામ સરકારી સંસ્થાઓનાં સૂત્રો સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યાં છે. મુસ્લિમો કેમ આગ્રહ ન રાખે કે આ સૂત્રો અરબી કે ફારસીમાં લખવાં જોઈએ?

કર્ણાટકનાં મુસ્લિમ મહિલા વિદ્યાર્થીઓને શિક્ષણ કે ધર્મ વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. હકીકતમાં તેમના માટે બંને જરૂરી છે. કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજબ ઊતારવાની ના પાડતાં તેમને પરીક્ષામાં પણ બેસવા દેવાની મનાઇ કરવામાં આવી હતી. સરકારી તંત્ર ઝનૂનમાં આવી ગયું છે. અત્યાર સુધી જે સ્કૂલોમાં હિજબનો ક્યારેય વિરોધ નહોતો કરવામાં આવતો ત્યાં પણ હવે હિજબ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કેટલીક ઉર્દૂ સ્કુલોમાં પણ સરકારી કર્મચારીઓ પહોંચી જાય છે અને મુસ્લિમ કન્યાઓને હિજબ ઊતારવાની ફરજ પાડવામાં આવે છે.

મુસ્લિમ મહિલાઓ દ્વારા જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લેવામાં આવ્યો ત્યારે તેમને કહેવામાં નહોતું આવ્યું કે તેઓ હિજબ પહેરીને આવશે તો તેમને ભણવા દેવામાં નહીં આવે. હવે શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે કાયદો લાવવાને કારણે તેમનું ભવિષ્ય ધૂંધળું બની ગયું છે. આ લડાઇ હિજબ વિરુદ્ધ યુનિફોર્મની નથી, પણ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની છે. ભાજપ પોતાની હિન્દુ મતબેન્ક મજબૂત બનાવવા હિજબનો વિરોધ કરી રહ્યો છે તો કોંગ્રેસ પોતાની મુસ્લિમ મતબેન્ક સાબુત રાખવા હિજબની તરફેણ કરી રહ્યો છે. છેલ્લા દાયકાઓમાં કોંગ્રેસની મુસ્લિમ મતબેન્ક તૂટીને જુદા જુદા પ્રાદેશિક પક્ષો તરફ વળી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે તેની મુસ્લિમ મતબેન્ક પડાવી લીધી છે તો બિહારમાં નીતીશકુમારે અને લાલુપ્રસાદ યાદવે તેના પર કબજો  જમાવ્યો છે. આ પક્ષો હવે હિન્દુઓને રીઝવવામાં પડ્યા હોવાથી મુસ્લિમોનો કોઈ તારણહાર રહ્યો નથી. આ શૂન્યાવકાશ ભરી દેવા કોંગ્રેસ વિવાદ ચગાવી રહી છે.

રાજકારણીઓ મુસ્લિમ વિદ્યાર્થીઓનો ઉપયોગ પોતાનાં પ્યાદાં તરીકે કરી રહ્યા છે. જે મુસ્લિમ મહિલાઓ ક્યારેય સ્કૂલમાં હિજબ પહેરીને નહોતી આવતી તેઓ પણ હવે હિજબ પહેરવાનો આગ્રહ રાખી રહી છે. મુસ્લિમો દ્વારા હિજબને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દેવાયો છે. હકીકતમાં ઈસ્લામના જે પાયાના નિયમો છે, તેમાં હિજબનો ક્રમ બહુ પાછળ આવે છે. જો મુસ્લિમો હિજબ ન પહેરે તો તેઓ મુસ્લિમ ન ગણાય, તેવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. કર્ણાટક હાઈ કોર્ટે નક્કી કરવાનું છે  કે હિજબ ઈસ્લામની અનિવાર્ય જરૂરિયાત છે કે કેમ? જો તેવું નક્કી થઈ જાય તો પણ ૨૫ મી કલમ મુજબ જાહેર શાંતિ, આરોગ્ય અને નીતિમત્તાનો હવાલો દઈને હાઈ કોર્ટ હિજબ પર પ્રતિબંધ મૂકી શકે છે. જો કોર્ટ તેવો ચુકાદો આપશે તો તે દરેક ધર્મ પર કુઠરાઘાત હશે. જાહેર શાંતિનાં બહાનાં હેઠળ સરકારને ધાર્મિક અધિકાર પર પ્રતિબંધ મૂકવાની છૂટ આપી શકાય નહીં.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top