Entertainment

ફિલ્મો અટકી તો મનોજ કુદરત વચ્ચે મોજ કરે છે

નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા છે ને સમય છે તો તેઓ એવી જગ્યાએ જાય છે જયાં કોરોનાનો ડર ઓછો છે. જયાં પ્રકૃતિનો અનુભવ સઘન હોય ત્યાં મહામારીનો પ્રભાવ ઓછો હોય શકે છે. માલદીવ્સ નહીં એવું આપણા દેશનાંય અનેક સ્થળો પર જઇ શકાય પણ સ્ટાર બહુ વિખ્યાત હોય તો પરેશાની ઉભી થઇ શકે. બાકી વિકલ્પો છે અને પોતાની રીતે તે પસંદ કરી શકો છો.

આપણા મનોજ જોશી નામના અભિનેતા વિત્યા એકાદ મહિનાથી મુંબઇથી પોણા બસો કિલોમીટર દૂર કોંકણમાં રહે છે. ત્યાં તેમનું ઘર છે. ગામનું નામ ગોરેગાંવ છે પણ મૂળ તેનું નામ ઘોડેગામ હતું. અંગ્રેજોને કેટલાંક ઉચ્ચાર ન ફાવે એટલે તેમણે ગોરેગામ કરી નાંખ્યું. રાયગઢની તળેટીમાં આવેલા આ ગામમાં ચારે તરફ વૃક્ષો, પહાડો જ છે. મનોજ જોશીને આ ગામ સાથે જૂનો સંબંધ છે. થોડા વર્ષ પહેલાં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો પછી તેમણે વિચાર કર્યો કે અહીં ઇકોટુરીઝમ વિકસાવવું. તેમણે સવા લાખ જેટલા વૃક્ષો ઉગાડવાની યોજના બનાવી અને એસ.એસ.સી.માં હતા ત્યારના મિત્રો સાથે આ પ્રોજેકટ પર કામ કરે છે. વિત્યા વર્ષમાં વાવાઝોડું આવતા હજારો વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયેલા. એ વૃક્ષોમાં કેટલાંય તો ઔષધી વૃક્ષો હતા. અર્જૂન વૃક્ષ હતા.

મનોજ જોષી અહીંની પ્રકૃતિને પામવા રોજ રોજ કયાંક નીકળી પડે છે. જેમકે હમણાં તેઓ કેવડાના વન જોવા ગયેલા. આ વિસ્તારમાં એક પ્રેમસાગર મિસ્ત્રી છે જે ગીધોને બચાવવાનું કામ કરે છે. ગીધોની સંખ્યા ઓછી થવાથી તે ચિંતિત છે. ગીધો નિસર્ગના સ્વચ્છતા અભિયાનના પ્રતિક સમા છે. ગામડાઓમાં પશુ મૃત્યુ પામે તો ગીધો આવીને જ તેણે ખાય જાય. ગીધોમાં એક રાજા ગીધ હોય છે જે પશુની આંખ અને દિલનો ભાગ કોરે ને માંસ ખાય. તેના પછી બીજા ગીધ અને જીવો આવી પેલા પશુ શરીરના બાકીના હિસ્સાને પૂરો કરે. આ ગીધોનો વૃક્ષ પર આશરો હોય. વાવાઝોડાના કારણે વૃક્ષો મર્યા એટલે તેમનો આશરો ગયો હતો.

મનોજ જોષી કહે છે કે આ ગીધો નાળિયેરના ઝાડ પર પણ માળા બનાવે. એ માળામાં તેમના બચ્ચ જન્મે ને આઠેક કિલોના થાય પછી પહેલી ઉડાન ભરે. મનોજ જોષીએ બીજી પણ વાત કહી કે ગીધ નર-નારી આખા જીવનમાં પોતાના સાથી બદલતા નથી. તેમને અચાનક જટાયુનો મહિમા સમજાયો છે. મનોજ જોષી હમણાં ફિલ્મ કે ટીવી શ્રેણીની કોઇ વાત કરતા નથી. અરે, ટીવી જોવાથી પણ મુકત રહે છે. કહે છે કે જેવું ટી.વી. ઓન કરો કે દેશભરની નકારાત્મકતા ઠલવાવા માંડે. કોંકણની જે જગ્યાએ તેઓ છે ત્યાં કોરોનાનો જરા પણ ભય નથી.

સવાર થાય એટલે થેલી લઇ શાકભાજી લેવા નીકળે. સરસ મઝાના વન-ડૂંગરની માટીના શાકો લઇ આવે અને સાથે મા છે તેમણે રોટલા બનાવ્યા હોય. આ વિસ્તારમાં અનેક લોકોએ ડૂંગર ખરીદયા છે. મનોજ જોશીએ પણ વૃક્ષો ઉગાડવા એવો ડૂંગર ખરીદ્યો છે. અહીં નિરાંતમાં સમય વિતાવવા તેમણે વાંચ્યુ કે શિવાજી છત્રપતિ મહારાજે આજથી ૪૦૦ વર્ષ પહેલાં એવો આદેશ બહાર પાડેલો કે કોઇએ સાગ, સીસમ, ખેરના વૃક્ષો કાપવા નહીં. કાપશે તેના હાથ કાપી નંખાશે, એક રાજાની જવાબદારી લોકો પ્રત્યે જ નહીં પોતાના પરિસરની પ્રકૃતિ, પહાડ, જંગલ, તેના વૃક્ષો, નદી-ઝરણા પ્રત્યે પણ હોય.

મનોજ જોશી પાસે અત્યારે ‘પૃથ્વીરાજ’, ‘દેહાતી ડિસ્કો’, ‘દેખા જાયેગા’, ‘હંગામા-2’, ‘ક્ષિતિજ’લ ‘મેનિયાક ૨. હેલ ઇઝ બેક’, ‘સોલીડ પટેલ્સ’, ‘વાહ ઝિંદગી’ સહિતની ફિલ્મો છે. તેઓ કહે છે કે અત્યારે હું એ બધું વિચારતો જ નથી. શૂટિંગ શરૂ થશે ત્યારે પહોંચી જઇશ. હમણાં તો બસ આ નિસર્ગને માણુ છું. અહીં આવ્યા પછી યાદ પણ નથી કરતો કે હું એકટર છું. હું તો આ પ્રકૃતિનો એક અંશ છું. કોરોનાને કારણે હું આટલો લાંબો સમય અહીં રહી શકું એ જ મોટું સુખ છે. આૅન સ્ક્રિન લાઇફથી જૂદી છે આૅફ સ્ક્રિન લાઇફ. પ્રકૃતિમાં ભય નથી, જીવન છે.

Most Popular

To Top