નરેન્દ્ર જોશી
ડર ગયા, સમઝો મર ગયા’. ઉપખંડમાં આ સંવાદ રાતોરાત પ્રચલિત થવાને આજે 50મું વર્ષ ચાલે છે. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ પોતાના ત્રણ ડરપોક માણસોને ઠાર મારતાં આ વિધાન બોલે છે. ડરની બાબતમાં સદીઓથી જુદા જુદા વિદ્વાવાનો ડર્યા વગર ચિંતન કરે છે અને છતાં ડર પ્રેતના પડછાયાની જેમ ચિંતકોને પોતાનો તાગ નથી પામવા દેતો!
ડરથી માથાના વાળ ઊભા થઇ જાય, પેટમાં ફાળ પડે અને હૃદય ધબકારા ચૂકી જાય. કોઇને ડરતા જોઇને બીજાને રમૂજ પણ થઇ શકે અને છતાં ડર જીવલેણ પણ નીવડી શકે. ડર ભલભલાને થથરાવી શકે પણ મનોવિજ્ઞાનીઓને નહીં કારણ કે તેઓ ડરની પણ ખબર લઇ નાંખવા સતત જાગૃત રહે છે. અને કહે છે કે કેટલીક વાર પરિસ્થિતિના પ્રમાણ કરતાં વધુ પડતો ડર લાગે ત્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં અતાર્કિક ડર લાગે તેને ‘સફોબિયા’ કહે છે અને આ ડરમાં સુંદર સ્ત્રીઓથી લાગતા ડરનો પણ સમાવેશ થાય છે. સ્ત્રી માત્રથી ડરનારા પુરુષો પણ મનોવૈજ્ઞાનિક અભ્યાસને પાત્ર બને છે.
મનોવિજ્ઞાનીઓ ડરનો અભ્યાસ કરવા મગજની આરપાર જાય છે. કેલિફોર્નિયા સાંદિયેગો યુનિવર્સિટીના ન્યૂરો બાયોલોજિસ્ટ ડો. હુઇ કવાન લિની આગેવાની હેઠળની એક ટુકડીએ મનુષ્યને ડર લાગે ત્યારે તેના મગજમાં શું ફેરફાર થાય છે તે જાણવાની કોશિશ ઉંદરો પર પ્રયોગ દ્વારા કરી અને ડો. નિકોલસ સ્પિન્ઝરે કહ્યું કે અમારા પ્રયોગમાં કેટલીક નવી વાત પહેલીવાર જાણવા મળી છે. અમે સૂક્ષ્મ સ્તરે આ પ્રક્રિયાનો અભ્યાસ કરી શકયા છીએ જેથી અમે ખાસ કરીને જેના પાયામાં ડર રહેલો છે તેવી વિવિધ માનસિક બીમારીઓનો વધુ સફળ ઇલાજ કરી શકીશું.
વિજ્ઞાનીઓએ આ પ્રયોગ માટે ઉંદરોના જનીનમાં ફેરફાર કરી મગજની ઉત્તેજનાની ક્ષણોમાં નીકળતા સ્ત્રાવ અને મગજના કોશના કેન્દ્રમાં ચમકદાર પ્રોટન દાખલ કરી તેનો અભ્યાસ કરી જે કંઇ ફેરફાર થાય છે તેની નોંધ કરી હતી.
ઉંદરોને જુદી જુદી ઉગ્રતાના વીજળીના બે આંચકા અપાયા હતા, જે ઉંદરોને પ્રમાણમાં જોરદાર આંચકો અપાયો હતો. તેમને બે સપ્તાહ પછી એ જ આપવામાં આવ્યા હતા તે જુદા પર્યાવરણમાં પાછા લાવતા તેઓ થીજી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. મતલબ કે તેમનો પ્રતિભાવ અસાધારણ હતા. તેઓ કેમ ફફડી ઉઠયા હતા તેની ખબર તેમના મગજની પ્રક્રિયામાં થયેલો ફેરફાર જોતા પડી હતી.
વિજ્ઞાનીઓએ સસ્તન પ્રાણીઓના મગજ અને ધડને જોડતી દાંડીનાં વિસ્તારમાં અભ્યાસ કર્યો. આ વિસ્તાર મિજાજ અને ચિંતા જેવી લાગણી માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ભયને પારખવામાં પણ આ વિસ્તાર ખૂબ મહત્વનો મનાય છે. આ જીવ માત્રની પ્રકૃતિ છે એમ આપણા વિદ્વાનો કહેતા હતા. તેમણે આહાર, નિંદ્રા, ભય અને મૈથુનને જીવનની પ્રકૃતિ ગણાવી હતી. એ પણ ડરના અભ્યાસનો ભાગ જ હતો. પણ કેલીફોર્નિયા સાંદીયેગો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ સંશોધનમાં એવું નિરીક્ષણ કર્યું કે કોઇ વ્યકિતને એકદમ ડર લાગે ત્યારે જ્ઞાનતંતુઓને ઉત્તેજક સ્ત્રાવનો સ્પર્શ થતાં જાણે વીજળીની ચાંપ દાબી હોય તેવો ફેરફાર તેમાં થાય છે.
સામાન્ય સંજોગોમાં ડર લાગે ત્યારે ડરનું કારણ દૂર થતાં મગજનું તંત્ર સ્વસ્થ થઇ જાય છે પણ જયારે અતિશય ડર લાગે ત્યારે ડરનું કારણ દૂર થવા છતાં મગજ વધુ પડતું સક્રિય અને ભયભીત રહેતું હોય છે.
સામાન્ય સંજોગોમાં ભયભીત પ્રાણી લડવા અથવા ભાગી જવાની વૃત્તિ ધરાવે છે અને એ સ્વભાવિક ગણાય છે પણ ભયનું કારણ દૂર થતાં તે સ્વસ્થ થઇ જાય છે પણ આવું નથી થતું તે જીવનું ભયને કારણે મૃત્યુ પણ નીવડી શકે છે અને અભ્યાસ એમ કહે છે કે મૃત્યુ પછી પણ તેના મગજમાં ઉત્તેજક સ્ત્રાવની હાજરી વર્તાય છે. ડરને કાબૂમાં લેવાની દિશામાં આ પહેલું પગથિયું હતું. વિજ્ઞાનીઓએ ઉંદરોને ઉત્તેજક સ્ત્રાવને કાબૂમાં લેવા માટે વાઇરલયુકત ઇંજેકશન આપ્યા. પરિણામે એકદમ ભયભીત થઇ જવાથી મગજ કામ કરતું બંધ થઇ જાય. તેને બદલે સામાન્ય સ્થિતિમાં ડર લાગે અને મનુષ્ય જે પ્રતિભાવ આપી પ્રતિકાર કરવાનું આયોજન કરે તે પધ્ધતિ ચાલુ રહે.
વિજ્ઞાનીઓએ કહ્યું કે અમારે ભય મગજની બીમારી બને ત્યારે મગજ કઇ રીતે વર્તે છે તે જાણવાનું જરૂરી હતું જેથી કારણ ખબર પડે તો મારણ શોધી શકાય.
તેમણે કહ્યું કે આ સફળતા પછી અમે શોધી કાઢયું છે કે મનુષ્ય ભયભીત થઇ જાય પછી તરત જ હતાશા વિરોધી દવા ફલોકઝેટાઇન અપાય તો ડરની લાગણીને કાબૂમાં લઇ શકાય છે. પણ આ ઉપાય અત્યંત ડરના લક્ષણો દેખાય અને તરત જ અજમાવાય તો જ કામ લાગે. આ હજી સચોટ ઉપાય નથી પણ હતાશા વિરોધી દવાઓ ઘણીવાર કેમ કામ નથી લાગતી તેનું કારણ સમજાવે છે અને અસરકારક સારવારનો માર્ગ મળે છે.
ડો. સ્મિત્ઝરે કહ્યું કે તનાવથી જે ભય લાગે તે કઇ રીતે હાથ ધરવો તેની ચાવી મળી ગઇ છે એટલે સચોટ ઉપાય પણ મળી આવશે એમાં કોઇ શંકા નથી. અતાર્કિક કારણોથી લગભગ વધુ પડતા ડરનાં કારણમાં બંધિયાર જગ્યા, જીવજંતુ, ઉંચાઇ, બોગદા, પૂલ, સોય, સામાજિક બહિષ્કાર મંચ, કસોટી, એકલતા, વિદૂષક, લાગણી, લોકો વગેરે અનેક પ્રકારના કારણ જવાબદાર છે. અજાણી ચીજવસ્તુઓનો પણ ડર લાગે છે. કંઇ નવું સામે આવે તો ય ડર લાગે છે.
ડરના અનેક પ્રકાર છે અને કયારે, કેવો ડર પ્રાણ ઘાતક બની શકે તેના કારણો સાથે તેનું મૂળ કારણ શોધવાના વિજ્ઞાનીઓના પ્રયોગો આજે નહીં તો કાલે આ વાકય ખોટું પાડી શકશે.
‘જો ડર ગયા, સમઝો મર ગયા’