પાકિસ્તાનના કબજા હેઠળનુ઼ં કાશ્મીર, જે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના ટૂંકાક્ષરો (POK)થી વધુ ઓળખાય છે તેને ભારત સાથે ફરીથી જોડી શકાય તે માટેની વાતો લાંબા સમયથી ચાલે છે પરંતુ આ પીઓકેમાં હાલ છેલ્લા કેટલાક સમયથી ત્યાંની સ્થાનિક સરકાર અને પાકિસ્તાનની કેન્દ્ર સરકાર સામેનો લોક રોષ અને વિરોધ પ્રદર્શનો જોતા તો એમ લાગે છે કે એક સમય આવશે કે જ્યારે આ પીઓકે કોઇ પણ વધુ મહેનત અને પ્રયાસો કર્યા વિના ભારતને સરળતાથી મળી જશે.
થોડા સમયની શાંતિ પછી હાલમાં એવા અહેવાલો ફરીથી આવ્યા છે કે પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગુસ્સે ભરાયેલા રહેવાસીઓ શાહબાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની કેન્દ્ર સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે, અને ચીન અને પાકિસ્તાનને જોડતા CPECના અતિ મહત્વના કારાકોરમ હાઇવેને છેલ્લા કેટલાક દિવસથી અવરોધિત કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ના ભાગ એવા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કારાકોરમ હાઇવેની નાકાબંધી રવિવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહી, જેના કારણે મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થિત આયાતકારો અને નિકાસકારો વડાપ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની વેપાર નીતિઓનો વિરોધ કરી રહ્યા છે, જેને તેઓ શોષણકારી અને આર્થિક હત્યા તરીકે વર્ણવે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગુલમત નગર ખાતે ધરણા પ્રદર્શનમાં તમામ ક્ષેત્રોના હજારો વિરોધ પ્રદર્શનકારીઓ જોવા મળ્યા હતા જેમણે તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન અને ચીનને જોડતા હાઇવેને ટ્રાફિક માટે બંધ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
એમ પણ કહેવાય છે કે ખુદ વડાપ્રધાન શાહબાઝ શરીફના પક્ષ પીએમએલ(એન)ના સ્થાનિક નેતાઓનો પણ આ વિરોધ પ્રદર્શનોને ટેકો છે. શરીફની પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે જ્યારે સરકાર આતંકવાદીઓને વળતર આપી રહી છે, ત્યારે તે વેપારીઓને મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે. વિરોધ પ્રદર્શનકારીઓમાં હુન્ઝા, ગિલગિટ અને અન્ય નજીકના નગરોના વેપારીઓ, વિદ્વાનો અને નાગરિક સમાજના સભ્યો પણ જોડાયા હતા.
આમ પણ ઇસ્લામાબાદ દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરની અવગણનાને કારણે નિયમિત અંતરાલે વિરોધ પ્રદર્શનો થયા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રસ્તાવિત બિલને લઈને વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાના એક મહિના પછી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, એક સૂચિત ખરડા સામે પણ વિરોધ છે જેના અંગે લોકો કહે છે કે તે જમીન અને ખનિજ કબજાને મંજૂરી આપશે, અને લાંબા સમય સુધી વીજળી બંધ રહેશે. ઓક્ટોબર 2023 માં, ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રહેવાસીઓએ ભારતમાં કારગિલ જવાનો રસ્તો ખોલવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કર્યા હતા, કારણ કે આ પ્રદેશમાં ચીજવસ્તુઓની અછત અને મોંઘવારી વધી રહી હતી. આ રીતે ત્યાં ભારત તરફી પ્રદર્શનો પણ થઇ જ ચુક્યા છે.
હાલમાં સોસ્ટ ડ્રાય પોર્ટ પર ચીનથી આયાતી માલ માટે કસ્ટમ ક્લિયરન્સ સ્થગિત કરવાથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જે પોર્ટ છેલ્લા છ મહિનાથી બંધ છે. પ્રદર્શન કરી રહેલા વેપારીઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરથી બંદર પર ઓછામાં ઓછા 257 કન્સાઇન્મેન્ટો અટવાયા છે, જેના કારણે દૈનિક પોર્ટ ચાર્જ અને અન્ય ખર્ચાઓને કારણે મોટા પાયે નાણાકીય નુકસાન થયું છે. વેપારીઓનો દાવો છે કે ક્લિયરન્સ સ્થગિત કરવાથી તેમના વ્યવસાયો ખોરવાઈ ગયા છે. તેઓ એક વખતની માફી યોજના દ્વારા ફસાયેલા માલને તાત્કાલિક ક્લિયર કરવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તેઓ હવે ખૂબ વધી ગયેલ સંચિત ખર્ચ ભોગવી શકે તેમ નથી.
તેથી આ ખર્ચમાંથી તેમને એક સમયની માફી આપવી જોઇએ. ગિલગિટ-બાલ્ટિસ્તાન ઇમ્પોર્ટર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન, નગર ચેમ્બર ઓફ કોમર્સ અને નગર, હુંઝા અને ગિલગિટના નાના વેપાર સંગઠનોનો સમાવેશ કરતા બેનર હેઠળ પાકિસ્તાન-ચાઇના ટ્રેડર્સ એક્શન કમિટી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ, શુક્રવારે અનિશ્ચિત સમય માટે નાકાબંધી શરૂ થયા પછી, કારાકોરમ હાઇવે પર હજારો મુસાફરો અને પર્યટકો ફસાયેલા રહ્યા છે, રવિવારે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પ્રદર્શનો કરનારાઓએ પાકિસ્તાન કસ્ટમ્સ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્થાનિક પ્રશાસન સામે પણ સૂત્રોચ્ચાર કર્યા, જે ઇમરાન ખાનના પીટીઆઈના નેતાઓ દ્વારા નિયંત્રિત છે. પ્રદર્શનો કરનારાઓએ ભાર મૂક્યો કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઔદ્યોગિક અને ખાનગી ક્ષેત્રની નોકરીની તકોનો અભાવ છે. તેઓએ નોંધ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનો વેપાર સ્થાનિક વસ્તી માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) અને કસ્ટમ્સ વિભાગની નીતિઓએ સ્થાનિક લોકોની આર્થિક રીતે હત્યા કરી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરો, દુકાનદારો, મજૂરો, કસ્ટમ ક્લિયરન્સ એજન્ટો, હોટેલ માલિકો અને નાના વેપારીઓ મહિનાઓથી બેરોજગાર છે, કારણ કે તેઓ ચીન સાથેના વેપાર પર આધાર રાખે છે.
વડાપ્રધાન શરીફના પીએમએલ(એન)ના સ્થાનિક નેતા જાવેદ હુસૈને સ્વીકાર્યું કે તેમની પોતાની પાર્ટીના નેતૃત્વ હેઠળની ફેડરલ સરકાર વિરોધકર્તાઓની માંગણીઓને સંબોધવા માટે ગંભીર નથી. ગિલગિટ-બાલ્ટિસ્તાન એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય હુસૈને આરોપ લગાવ્યો કે સંસદમાં પ્રતિનિધિત્વના અભાવે પીઓકે પ્રદેશ ભેદભાવનો સામનો કરી રહ્યો છે. જો પીઓકેના લોકોમાં પાકિસ્તાન સરકાર સામે આવી જ લાગણી પ્રવર્તતી રહી, તો લાગે છે કે પીઓકે ફરીથી મેળવવા માટે ભારતે બહુ મહેનત નહીં કરવી પડે.