રસ્તામાં સામાન્ય અકસ્માત થાય અથવા સામાન્ય ચોરી કરતાં ચોરને લોકો પકડી પાડે તો સાદી સમજ એવી છે કે આ મામલે પોલીસને જાણ કરી મામલો પોલીસને સોંપવો જોઈએ, પણ મોટા ભાગના કિસ્સામાં લોકો જ તેને જાહેરમાં ફટકારવા લાગે છે. આવી અનેક ઘટનાનો હું સાક્ષી રહ્યો છું અને અણસમજને કારણે હિસ્સો પણ બન્યો છું, પણ આપણે આવું કેમ કરીએ છીએ તે અંગે વિચાર કરતા નથી. મને લાગે છે જયારે જાહેરમાં આપણને જે ઘટના સાથે વ્યકિતગત નિસ્બત નથી છતાં કૂદી પડીએ છીએ તેની પાછળ માત્ર તે ઘટના કારણભૂત નથી. આપણા મનમાં ચાલતા અનેક પ્રકારના દ્વંદ્વ અને ગુસ્સાની તે પ્રતિક્રિયા છે. આપણે ઘણી બધી ઘટનાઓથી નારાજ છીએ, જેમાં આપણી નોકરીની સમસ્યા, આર્થિક તંગી, સહિત ઘરના વિવિધ પ્રશ્નો છે. આપણને લાગે છે આપણા પ્રશ્નનો અંત જ આવતો નથી. આ બધી સ્થિતિમાંથી આપણે જયારે પસાર થતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈને અકસ્માત નડી જાય અથવા કોઈ નાનો ચોર પકડાઈ જાય ત્યારે આપણે પણ તેને મારતા ટોળામાં જોડાઈ આપણો વ્યકિતગત ગુસ્સો તેની ઉપર ઉતારી દઈએ છીએ.
બીજું કારણ એવું છે કોઈ અકસ્માત કરે, કોઈ ચોરી કરે અથવા કોઈ પણ પ્રકારનો કાયદો તોડે ત્યારે તેને પકડી તેની સામે કોર્ટની કાર્યવાહી કરવાનું કામ પોલીસ અને કોર્ટનું છે, પરંતુ આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ તેની એટલી માનસિક અસર આપણને થઈ છે કે આપણા આ જાગૃત મને સ્વીકારી લીધું છે. પોલીસ અને કોર્ટ ગુનેગારને સજા કરી શકતી નથી, જયારે સમાજનો મોટો વર્ગ આવું માનવા લાગે ત્યારે જંગલનો કાયદો અસ્તિત્વમાં આવે જાતે ન્યાય તોળવા બેસી જાય છે. ગુજરાતમાં 2002 માં જે કોમી તોફાનો થયાં ત્યાર બાદ ઈન્ડિયન મુઝાહીદીન દ્વારા 2002 નાં તોફાનનો બદલો લેવા 2008 માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કર્યા તેની પાછળ તેમની પણ આ જ માનસિકતા હતી કે કોર્ટ 2002 ના તોફાન માટે જવાબદારને સજા આપી શકશે નહીં જેના કારણે તેમણે કાયદો હાથમાં લીધો અને બ્લાસ્ટ કર્યા.
આમ કોર્ટમાં ન્યાય મળતો નથી અથવા ન્યાય મેળવવામાં વર્ષો નીકળી જાય છે તેવી માનસિકતા કાયદો તોડવાની બાબતને પ્રોત્સાહન આપે છે. ગુજરાત હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલ અને ગરીબોના મસીહા સ્વર્ગસ્થ ગિરીશ પટેલ સાથે 2014 માં એક વ્યકિતગત કારણસર હાઈકોર્ટમાં મુલાકાત થઈ. થોડા મહિના તેમની નજીક રહેવાનું સદ્દનસીબ મળ્યું. વર્ષોની પ્રેકટીસ પછી તેઓ એવું દ્રઢપણે માનવા લાગ્યા હતા કે દેશની અદાલતમાં ન્યાય મેળવવામાં એટલો વિલંબ થાય છે કે જયારે ન્યાય મળે ત્યારે તે ન્યાયનો અર્થ રહેતો નથી. ગિરીશ પટેલની પ્રેકટીસ દરમિયાન તેમણે પોતાના કુલ કેસમાંથી 80 ટકા કેસ મફત લડી આપ્યા છે એટલે તેમને ત્યાં વંચિતો, શોષિતો અને પછાતોની ન્યાયની અપેક્ષાએ કતાર લાગી રહેતી હતી.
અનેક વખત એવું થતું કે કોઈ ખેડૂતનો કેસ તેમણે મફતમાં લડી આપ્યો તો કેસ જીત્યા પછી ખેડૂત પાસે ફી આપવાના પૈસા તો ના હોય, પણ પોતાના ખેતરમાં થયેલી શેરડીનો ભારો તેમના ઘરે મૂકી જતો. ગિરીશ પટેલે કહેલો એક કિસ્સો મને યાદ છે. તેઓ એક ગરીબ મજૂરે કંપની સામે કરેલો કેસ લડી રહ્યા હતા. ફી નો તો પ્રશ્ન જ ન્હોતો, કેસ વર્ષો સુધી હાઈકોર્ટમાં ચાલ્યો અને મજૂરની તરફેણમાં ચુકાદો આવ્યો, ગિરીશ પટેલે એટલે ફાઈલ ઉપર મજૂરનો જે ફોન નંબર લખેલો હતો તેની ઉપર ફોન કર્યો અને કેસ જીતી ગયા તેવી જાણકારી આપી, પણ સામે છેડે રહેલી વ્યકિત એટલી ગુસ્સામાં હતી તેમણે ગિરીશ પટેલને ગાળો ભાંડી, આખરે જયારે તેમણે પૂછયું કે ભાઈ કેમ ગાળો બોલો છો તો જવાબ મળ્યો તમે જેનો કેસ લડતા હતા તે મારા બાપા હતા. તે તો દસ વર્ષ પહેલાં મરી ગયા. હવે કોર્ટે ન્યાય કર્યો તેનો શું અર્થ છે?
આમ ન્યાય મેળવવામાં વિલંબ થાય છે તેમાં કોઈ શંકા નથી. 2008 માં થયેલા બોમ્બધડાકાનો ચુકાદો આવતા 14 વર્ષ પસાર થઈ ગયાં, જેમણે બોમ્બધડાકા કર્યા તેમને મહત્તમ સજા થવી જોઈએ તેની કોઈ જ ચર્ચાને અવકાશ નથી, પણ 14 જેલમાં રહ્યા પછી 29 આરોપીઓ સામે કોર્ટ પુરાવા નથી તેમ કહી કોર્ટે તેમને છોડી મૂકવાનો આદેશ કર્યો. આમ ન્યાય મેળવવામાં તો વિલંબ થયો, પણ જેઓ નિર્દોષ છે અથવા તેમની સામે પુરાવા નથી તે નક્કી કરવા માટે પણ કોર્ટે 14 વર્ષ લીધાં. આમ જેઓ નિર્દોષ છૂટયા તેમની જિંદગીનાં 14 વર્ષ કોણ પાછાં આપી શકશે અથવા તેમનાં આ વર્ષોની કેવી રીતે ભરપાઈ થશે તે અંગે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. ગુનેગારને પણ તેના ગુનાની તરત સજા મળવી જોઈએ અને જેઓ નિર્દોષ છે તેમને પણ કારણ વગર જેલમાં રહેવું પડે નહીં તેવી વ્યવસ્થાની આપણને જરૂર છે. તે અંગે આપણે વિચાર સુધ્ધાં કર્યો નથી.
મેં જોયુ છે કે જયારે કોઈ પણ ઘટનામાં ન્યાયની માંગણી ઊઠે છે તે ન્યાયની ચીચીયારીઓની પાછળ છૂપી બદલાની ભાવના પણ હોય છે, જેની કયારેય આપણે નોટીસ કરતા નથી. ન્યાય અને બદલો બન્ને અલગ બાબત છે છતાં ન્યાયની માગણી થાય ત્યારે તેમાં અજાણતાં તેમાં બદલાનું મિશ્રણ થાય છે. આપણે જે ન્યાયની વ્યવસ્થા સ્વીકારી છે તેમાં બદલાને કોઈ સ્થાન નથી. કાયદામાં દરેક ગુના માટે અલગ અલગ સજાની જોગવાઈ છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં જયારે ન્યાયની માગણી બુંલદ બને છે ત્યારે ત્યારે મેં સાંભળ્યું છે આરોપીને ફાંસી આપો ના નારા લાગે છે. આમ ન્યાય બાજુ ઉપર રહી જાય છે તેનું સ્થાન બદલો લઈ લે છે. જો કોઈએ ફાંસીલાયક ગુનો કર્યો છે તો અચૂક ફાંસીની સજા થવી જોઈએ પરંતુ આપણે મોટા ભાગના કિસ્સામાં ફાંસીની સજાની માગણી કરીએ છીએ.
મહાત્મા ગાંધીની નથ્થુરામ ગોડસેએ હત્યા કરી ત્યાર બાદ દેશભરમાં ફાંસીની સજા કરો તેવી માગણી ઊઠી હતી, પરંતુ ગાંધીનાં સંતાનોએ પોતાના પિતાની હત્યાને ફાંસી થવી જોઈએ નહીં તેવો મત વ્યકત કર્યો હતો. તેઓ ન્યાય ઈચ્છતા હતા, પણ તેમની ન્યાયની માગણીમાં બદલાની ભાવના ન્હોતી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.