Columns

ઈધર-ઉધરકી

રાવનો દાવ સમજો
ભારતના રાષ્ટ્રપ્રમુખના પદની ચૂંટણીમાં વિરોધ પક્ષના સંયુકત ઉમેદવારની પસંદગી થઇ શકે તે માટે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ મધમાખીની જેમ ઊડયા કરે છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવતા મહિને જુલાઇમાં છે પણ છેલ્લા એક અઠવાડિયામાં તો કે. ચંદ્રશેખર રાવ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યા. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવને મળ્યા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને મળ્યા અને ખેડૂત નેતા રાકેશ ટિકાયતને અને ભારતીય જનતા પક્ષના રાજયસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને પણ મળ્યા. હવે બંગાળ જઇને મમતા બેનરજી અને ઓડિશા જઇને નવીન પટનાયકને મળશે. આ બધાને મળવા ઉછળકૂદ કરી રહેલા કે. ચંદ્રશેખર રાવનો કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવાની વાત આવે એટલે ઉત્સાહ પડી ભાંગે છે.

વિરોધ પક્ષો તરફથી સંયુકત ઉમેદવાર મૂકવો હોય તો કોંગ્રેસના ટેકાની જરૂર પડે જ અને કોંગ્રેસ રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં રાજ ચલાવે છે અને મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ગઠબંધન સરકારનો એક હિસ્સો છે, તેમ જ અન્ય રાજયોમાં પણ ગણનાપાત્ર પ્રમાણમાં તેના ધારાસભ્યો છે જ પણ કે. ચંદ્રશેખર રાવ કોંગ્રેસના એટલા કટ્ટર વિરોધી છે કે વ્યકિતગત રીતે તેમને સોનિયા ગાંધી પાસે નથી જવું. બધા કહે છે કે કે. ચંદ્રશેખર રાવ કોંગ્રેસ સાથે મંત્રણા કરવા મમતા બેનરજી જેવા કોઇ અગ્રણીને મોકલી આપશે એવી સંભાવના છે. જો કે રાવનો દાવ કેટલો સફળ થશે એ બાબતમાં રાજકીય વર્તુળો શંકાશીલ છે.

ઉત્તર પ્રદેશમાં ઝળહળતો વિજય મેળવ્યા પછી ભારતીય જનતા પક્ષ કેફમાં આવી ગયો છે અને વિરોધ પક્ષના સંયુકત ઉમેદવારને જીતવા માટે ફાંફાં તો પડશે જ. આમ છતાં રાવના દાવ પાછળનો હેતુ 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી અને ભારતીય જનતા પક્ષને પડકારવામાં સંયુકત વિરોધ પક્ષનું કેટલું પાણી છે તે માપવાનો છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં વિરોધ પક્ષનો ઉમેદવાર જીતી પણ જશે તો ય ભારતીય જનતા પક્ષ સિવાયના પક્ષો એક જ મેદાન પર યુદ્ધ માટે ભેગા તો થશે. રાવ 2024ની ચૂંટણી પહેલાં આ જ દાવ રમવા માંગે છે.

હાર્દિકના અલ્પેશ જેવા હાલ થશે?
આખરે હાર્દિક પટેલ ભારતીય જનતા પક્ષની પંગતમાં બેઠો ત્યારે પક્ષમાં અટકળો તેજ બની છે કે અલ્પેશના હાલ જેવા જ તેના હાલ થશે. અલ્પેશ ઠાકોર અન્ય પછાત વર્ગનો એ નેતા હતો કે જે હાર્દિક અને જિજ્ઞેશ માવાણી સાથે 2017માં કોંગ્રેસ પક્ષના વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો એક સ્થંભ હતો અને તેને રાધનપુરમાંથી કોંગ્રેસની ટિકિટ મળી પણ હતી, પણ 2019માં તે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પક્ષમાં ગયો અને તેને રાધનપુરમાંથી જ ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર બનાવાયો. પણ તે હારી ગયો અને તે કયા અંધારામાં છુપાઇ ગયો છે તેની કોઇને ખબર નથી. દિલ્હીમાં ભારતીય જનતા પક્ષના વર્તુળો હાર્દિક પણ એ જ રસ્તે જશે એમ માને છે.

તેમને તો એમ પણ લાગે છે કે પક્ષ હાર્દિકને વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઇ મત વિસ્તારની ટિકિટ પણ નહીં આપે. હા, હાર્દિક પટેલ સામેના હાલના ફોજદારી દાવાઓ પડતા મુકાય તો ય તે તેને માટે પૂરતું ઇનામ ગણાય. તર્ક એવો છે કે ભારતીય જનતા પક્ષને પટેલોના મત માટે હાર્દિક પટેલની જરૂર જ નથી. હા, 2015માં પાટીદાર આંદોલને પક્ષના કડવા અને લેઉવા પાટીદાર વચ્ચે ફાચર મારી હતી અને 2017માં આ વિભાજન સ્પષ્ટ હતું પણ હવે તો કડવા અને લેઉવા પાટીદારો ભારતીય જનતા પક્ષની બરાબર સાથે છે. હાર્દિકને તેના ધારાસભ્ય બનવાના અને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ભારતીય જનતા પક્ષની મદદથી વિસ્તારવાનાં સ્વપ્નાં પણ દેખાતાં હશે તો ય તેણે છળીને ઊભા પણ થઇ જવું પડશે કારણ કે અલ્પેશના હાલ તેની નજર સમક્ષ છે.

પાઠયપુસ્તક લેખકોનો બળવો
સમાજવિજ્ઞાનના પાઠયપુસ્તકો નવેસરથી લખવાના કર્ણાટકની ભારતીય જનતા પક્ષની સરકારના પ્રયાસોનો પાઠયપુસ્તકોનો જ એક ભાગ જેના લખાણ બની રહ્યા, તેવા જ લેખકો જોરદાર વિરોધ કરી રહ્યા છે. કન્નડ અને સમાજવિજ્ઞાનના અભ્યાસક્રમ સુધારવા રાજય સરકારે સ્થાપેલી પાઠય પુસ્તક સમિતિની ભલામણથી પ્રસિધ્ધ થનાર નવા પાઠયપુસ્તકોમાં પોતાના લખાણોનો ઉપયોગ કરવા સામે કમસેકમ 7 જાણીતા લેખકોએ પોતાની પરવાનગી પાછી ખેંચી લીધી છે.

સરકાર સામે બાંયો ચડાવનારાઓમાં કવિઓ રૂપા હસન અને ચંદ્રશેખર તાલ્યા તેમ જ લેખકો મુદનાકુડુ ચિન્નાસ્વામી અને સરજી કાટકર વગેરેનો સમાવેશ થાય છે. આ 4 લેખકો ખૂબ આદરણીય કન્નડ લેખક ગણાય છે. તેમણે પાઠયપુસ્તક સુધારણા સમિતિ પર્સનની ભલામણથી પાઠયપુસ્તકોનું કેસરીકરણ કરવાનો તેમ જ કન્નડ સંસ્કૃતિ પર આક્રમણ કરવાનો આક્ષેપ કર્યો છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ કફોડી હાલતમાં મુકાઇ ગયો છે. આ લેખકો કર્ણાટકના બહુવિશ્વ સમાજમાં ભારે વર્ચસ્વ ધરાવે છે, ત્યારે ભારતીય જનતા પક્ષને તેમની અવગણના કરવાનું પરવડશે?

Most Popular

To Top