Columns

ઓળખ સ્વર્ગ અને નરકની

એક ઝેન ગુરુની ખ્યાતિ સાંભળીને જાપાનના સમ્રાટ તેમને મળવા ગયા.ઝેન ગુરુને જોઇને તેમણે પ્રણામ કરતાંની સાથે જ પ્રશ્ન કર્યો, ‘ગુરુજી, મારે સ્વર્ગ એટલે શું અને નરક એટલે શું તે જાણવું છે. સ્વર્ગ અને નરકની ઓળખ મને સમજાવો.’

ઝેન ગુરુએ સમ્રાટની સામે જોયું અને તરત બોલ્યા, ‘તું સમજે શું તારી જાતને …અરીસામાં મોઢું જોયું છે કે તારી કોઈ હેસિયત નથી કે તું મને પ્રશ્ન પૂછી શકે.તારા જેવો મૂર્ખ માણસ મેં આજ સુધી જોયો નથી.’ ઝેન ગુરુ ખૂબ જ કડવાં વચન બોલ્યા અને તેમના આટલાં કડવાં વેણ સાંભળીને સમ્રાટ હેબતાઈ ગયા.

તેમણે આટલા મોટા સંત પાસેથી આવા શબ્દોની આશા રાખી ન હતી.ઝેન ગુરુ બોલ્યા, ‘તું મહાન સંતને જાણતો નથી લાગતો. આજ સુધી માત્ર નાના અને નામના સંતોને મળ્યો હોઈશ.મહાન સંત એક સિંહ સમાન હોય છે, જે કોઇથી ડરતો નથી.’

ઝેન ગુરુના આટલા અભિમાનભર્યાં વચનો સાંભળીને હવે સમ્રાટ એટલા ગુસ્સે થઇ ગયા કે પોતાના અપમાનનો બદલો લેવા તેમણે મ્યાનમાંથી સીધી તલવાર જ કાઢી અને આટલેથી ન અટકતાં સીધો ઝેન ગુરુનું મસ્તક કાપી નાખવા આગળ વધ્યા.બરાબર તલવાર ઝેન  ગુરુના ગળા નજીક પહોંચી ત્યારે ઝેન ગુરુ ધીમેથી બોલ્યા, ‘સાવધાન સમ્રાટ…!!! તમે નરકમાં પ્રવેશી રહ્યા છો….ગુસ્સો, ક્રોધ,અપમાનનો બદલો,અભિમાન, વેર,હિંસા વગેરે નરકનાં દ્વાર છે.’

જે મક્કમતાથી ઝેન ગુરુ સાવધાન સમ્રાટ બોલ્યા તે શબ્દોમાં એટલી તાકાત હતી કે તલવાર ઉગામેલો સમ્રાટનો હાથ હવામાં જ્યાં હતો ત્યાં જ અટકી ગયો…તેમને ફરી ફરી ઝેન ગુરુના શબ્દો કાન પર અથડાવા લાગ્યા.ગુસ્સો ઓગળી ગયો અને સમજાયું કે, ‘બરાબર છે, આને જ નરક કહેવાય..’ તરત તેમના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને નીચે પડી ગઈ.

સમ્રાટ ઝેન ગુરુનાં ચરણોમાં બેસી ગયા અને બોલ્યા, ‘ગુરુજી, મને માફ કરો ..ગુરુજી, મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો.’ ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘સમ્રાટ આ સ્વર્ગ છે…જાતને ભૂલીને સમર્પણ, અભિમાનનો ત્યાગ.સાચા ગુરુનો સ્વીકાર, બધા પ્રત્યે પ્રેમ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે અને હમણાં જ અત્યારે જ ઘડીભરમાં તમે નરક અને સ્વર્ગ બન્નેનો અનુભવ કર્યો, માટે યાદ રાખો સ્વર્ગ અને નરક વચ્ચે બહુ અંતર નથી.બંને અહીં જ છે…

જયારે જીવનમાં સ્વાર્થ, અહંકાર, ક્રોધ, મોહ, લાલચ અગ્રિમ રહે છે ત્યારે તમે નરકમાં છો અને જયારે તમે સાચું સમર્પણ કરો છો, જયારે તમે વિશ્વાસ, પ્રેમ, આનંદ, લાગણી, ઉત્સવ, પ્રાર્થના, સેવાસભર જીવન જીવો છો ત્યારે યાદ રાખજો, તમે સ્વર્ગમાં જ છો.    

          – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top