ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે અને તે મુજબ તેમના ભાડુઆત કાયદામાં સુધારો કરી શકશે. જો કે રાજય સરકારો માટે આ કાયદો સ્વીકારવો ફરજીયાત નથી. પ્રસ્તુત કાયદામાં મકાનમાલિક અને ભાડુઆતના હિતોના રક્ષણ માટેની જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત કાયદા મુજબ, રહેણાંક મકાનો માટે સિકયુરિટી ડિપોઝિટ તરીકે મહત્તમ ૦૨ માસનું અને બિનરહેણાંક મકાનો માટે મહત્તમ ૦૬ માસનું એડવાન્સ ભાડું લઇ શકાશે.
જો નિયત ભાડું ન મળે કે પછી ભાડુઆત મકાન ખાલી ન કરે તો, મકાનમાલિક નિયત કરેલ માસિક ભાડાનું ૦૨ થી ૦૪ ગણું ભાડું વસૂલી શકશે. મકાન ખાલી કરાવવાના મામલે એવી જોગવાઇ છે કે, ભાડુઆતને અપાયેલ નોટિસ છતાં પણ તે નોટિસદર્શિત તારીખ સુધીમાં મકાન ખાલી ન કરે તો મકાનમાલિક પ્રથમ ૦૨ માસનું બમણું અને તે પછીના મહિનાઓનું ૦૪ ગણું ભાડું વસૂલી શકશે. તદુપરાંત મકાનમાલિક મકાન મરામત કરાવવા માગે તો તેણે ભાડુઆતને ૨૪ કલાક અગાઉ નોટિસ આપવાની રહેશે અને નોટિસ આપ્યા અગાઉ તે ભાડે આપેલા મકાનમાં પ્રવેશ કરી શકશે નહીં. મકાનમાલિકની પૂર્વ મંજૂરી વિના, ભાડુઆત ભાડે મકાનનો સંપૂર્ણ કે તેનો એક ભાગ પેટા ભાડે આપી શકશે નહીં. વિશેષ, મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદોના સંદર્ભે મકાનમાલિક પાણી અને વીજ પુરવઠો બંધ કરી શકશે નહીં. તેમની વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવા, અલગ ભાડા પ્રાધિકારી, ભાડા અદાલત કે ભાડા ન્યાયપંચનું સ્થાપન કરવાનો અને ૬૦ દિવસની મુદતમાં તેનો ઉકેલ લાવવાનો પ્રસ્તાવ પણ પ્રસ્તુત કાયદામાં છે.
આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેની જવાબદારી સ્પષ્ટ કરવાનો અને બન્ને વચ્ચે કાયમી ધોરણે વિશ્વાસ જાળવી રાખવાનો છે. તદુપરાંત દેશમાં એક જીવંત અને ટકાઉ આવાસી અને વાણિજિયક ‘ભાડુઆતી મકાન બજાર’ ઊભું કરવાનો છે. તે દેશમાં ખાલી પડેલાં આશરે ૦૧.૧૧ કરોડ મકાનો, તમામ આવકજૂથનાં નાગરિકો માટે ભાડા પેટે ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એટલું જ નહીં પણ ભાડા વ્યવસાય સંબંધિત ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ ભાડા મકાન બાંધકામ બાબતે આગળ આવશે. પરિણામે બેઘર લોકોની સમસ્યાઓનો અંત આવશે.
સુરત-પ્રા. જે.આર. વઘાશિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.