ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાયરસના જોખમને ધ્યાને લઇને રદ કરી દીધો છે અને આ સીરિઝ રદ થવાનો સીધો ફાયદો ન્યુઝીલેન્ડની ટીમને મળ્યો છે અને તે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ સીરિઝ રદ કરવાને કારણે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાંથી લગભગ આઉટ થઇ ગયું છે અને તેના ફાઇનલમાં પ્રવેશની શક્યતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝના એવા પરિણામ પર નિર્ભર કરે છે કે જે લગભગ અશક્ય છે.
ઓસ્ટ્રેલિયન ટીમે આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું હતુ પણ હાલની સ્થિતિને ધ્યાને લઇને તેણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન દક્ષિણ આફ્રિકામાં બંને દેશ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝ રમાવાની હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ટ્વિટર પેજ પર એક સત્તવાર મેસેજમાં આ બાબતે જણાવ્યું હતું કે કોરોનાના સતત વધી રહેલા જોખમને ધ્યાને લઇને આ સીરિઝ રદ કરી દેવાઇ છે. તેમાં લખાયું હતું કે અમે ક્રિકેટ સાઉથ આફ્રિકાને આ બાબતે માહિતગાર કરી દીધા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી અધ્યક્ષ નિક હોકલેએ કહ્યું હતું કે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઓસ્ટ્રેલિયાથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ હાલની સ્થિતિમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સમુદાયના આરોગ્ય તેમજ સુરક્ષાની દૃષ્ટિએ જોખમી છે.
ફાઇનલમાં ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્વોલિફાઇ થઇ શકે તેવા સંજોગ
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ રદ કરતાં ન્યુઝીલેન્ડની ટીમ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે ભારત, ઇંગ્લેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયા એ ત્રણ ટીમ છે જે ફાઇનલમાં બીજી ટીમ તરીકે પ્રવેશ કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી સીરિઝના કેટલાક પરિણામોને આધારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી ટીમ નક્કી થઇ શકે છે. જેના સમીકરણો નીચે ત્રણેય ટીમને ધ્યાને લઇને આપવામાં આવ્યા છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા માટેના જે સમીકરણો છે તે લગભગ અશક્ય કહી શકાય તેવા છે.
ભારત આ રીતે ક્વોલિફાઇ થઇ શકે
ભારત 2-0
ભારત 2-1
ભારત 3-0
ભારત 3-1
ભારત 4-0
ઇંગ્લેન્ડ આ રીતે ક્વોલિફાઇ થઇ શકે
ઇંગ્લેન્ડ 3-0
ઇંગ્લેન્ડ 3-1
ઇંગ્લેન્ડ 4-0
ઓસ્ટ્રેલિયા આ રીતે ક્વોલિફાઇ થઇ શકે
ભારત 1-0
ઇંગ્લેન્ડ 1-0
ઇંગ્લેન્ડ 2-0
ઇંગ્લેન્ડ 2-1
સીરિઝ ડ્રો 0-0
સીરિઝ 1-1
સીરિઝ 2-2