નવી દિલ્હી,: ઓડિટ ફર્મ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સની આંતરિક તપાસમાં ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીનું આચરણ તપાસના ઘેરામાં આવતા તેમને રજા પર ઉતારી દેવાયા છે અને એવું મામવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાનો કાર્યકાળ પુરો થાય તે પહેલા પોતાના પદેથી રાજીનામુ આપી દેશે. મનુ સાહનીને 2019ના વર્લ્ડકપ પછી ડેવ રિચર્ડસનના સ્થાને 2022 સુધી સીઇઓ બનાવાયા હતા.
એવી માહિતી મળી છે કે નીતિઓ સંદર્ભે વિવિધ નિર્ણયો બાબતે કેટલાક પ્રભાવક ક્રિકેટ બોર્ડ સાથે તેમના સંબંધ સારા નહોતા. કથિત રૂપે સાથી કર્મચારીઓ સાથે આકરી વર્તણૂંકને કારણે તેઓ સમિક્ષાના દાયરામાં આવ્યા હતા. આઇસીસી બોર્ડની નજીકના એક સીનિયર અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે તેમના આકરા વર્તાવ બાબતે આઇસીસીના ઘણાં કર્મચારીઓએ પુરાવા આપ્યા છે, જે કર્મચારીઓના મનોબળ માટે સારું નહોતું.
સાહની છેલ્લા કેટલાક સમયથી ઓફિસે આવતા નહોતા અને મંગળવારે તેમને રજા પર ઉતરી જવા માટે કહેવાયું હતું. સૂત્રોએ માહિતી આપી હતી કે બોર્ડ ઓફ ડાયરેક્ટર સાહની રાજીનામુ આપીને ગરિમા સાથે પોતાનું પદ છોડે એવા સમાધાનકારી ફોર્મ્યુલાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષે નવા ચેરમેનની પસંદગી પ્રક્રિયા શરૂ થયા પછી સાહની પ્રેશરમાં હતા. એવા આરોપ મુકવામાં આવી રહ્યા છે કે સાહનીની પ્રભુત્વ જમાવીને કામ કરવાની પદ્ધતિ કેટલાક કર્મચારીઓને ગમી નહોતી.
મનુ સાહનીના કેટલાક વિચારો સામે બીસીસીઆઇ, ઇસીબી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નાખુશ હતા
આઇસીસીમાં ચાલી રહેલા ઘટનાક્રમની માહિતી ધરાવતા બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ઘણાં ક્રિકેટ બોર્ડ માટે પસંદગીના વ્યક્તિ રહ્યા નથી. શંશાંક મનોહરના સ્થાને જ્યારે ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે અને સિંગાપોરના ઇમરાન ખ્વાજાની દાવેદારી દરમિયાન તેમણે જે પરોક્ષ સામેલગીરી દાખવી તે ઘણાંને પસંદ પડી નહોતી. બોર્ડે આગામી સાયકલ દરમિયાન આઇસીસી સ્પર્ધાની યજમાની માટે બોલી લગાવવા અને ફીની ચુકવણી કરવ માટે વિવિધ બોર્ડને કહેવાયું તે વિચારનું તેમણે સમર્થન કર્યું તેનાથી પણ બીસીસીઆઇ, ઇસીબી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ બોર્ડ નારાજ થયા હતા.
મનુ સાહની રાજીનામુ નહીં આપે તો તેમને હટાવવા માટે લાંબી પ્રક્રિયા શરૂ થશે
આઇસીસીના સીઇઓ મનુ સાહનીને રજા પર ઉતારી દેવાયા પછી હવે તેઓ રાજીનામુ આપીને ગરિમાપૂર્વક પોતાનું પદ છોડે તેવું સમાધાનકારી વલણ આઇસીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અપનાવાયું છે, જો તેઓ રાજીનામુ ન આપવાનો નિર્ણય કરે તો બોર્ડ ઓફ ડિરેક્ટર તેમને હટાવાની પ્રક્રિયા શરૂ કરશે અને તે લાંબી ચાલી શકે છે. એવું કહેવામા આવે છે કે સાહનીને બોર્ડમાંથી સમર્થન છે. આઇસીસીનું બોર્ડ 9 અને 8 સભ્યોના બે જૂથમાં વહેંચાયેલું છે. સાહનીને હટાવવા માટે 17માંથી 12 વોટની જરૂર પડશે તેના કારણે આ પ્રક્રિયા લાંબી ચાલી શકે છે.