અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ત્રણ દેશોના રાજદ્વારી પ્રવાસે છે. તેઓ આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન કતારની રાજધાની દોહા ખાતે ઇંધણ ભરવા માટે રોકાયું હતું. આ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની અને વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસિમ અલ થાની પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સ્વાગત દરમિયાન બનેલી એક રસપ્રદ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ. આ મુલાકાત દરમિયાન અમીરે હસતાં હસતાં કહ્યું હતું કે “જ્યારે મને ખબર પડી કે ટ્રમ્પનું વિમાન અહીં ઉતરશે, ત્યારે મેં કહ્યું જ્યાં સુધી હું તેમને મળું નહીં, ત્યાં સુધી હું તેમને ઉડવા નહીં દઉં.” આ વાત સાંભળીને હાજર બધા લોકો હસવા લાગ્યા અને માહોલ હળવો બન્યો હતો.
ટ્રમ્પે પણ કતારના નેતાઓની પ્રશંસા કરતાં કહ્યું કે “કતારના અમીર વિશ્વના સૌથી બુદ્ધિશાળી અને શક્તિશાળી નેતાઓમાંના એક છે. વડા પ્રધાન પણ મારા લાંબા સમયના મિત્ર છે. અમે સાથે મળીને મધ્ય પૂર્વમાં વાસ્તવિક શાંતિ લાવી શક્યા છીએ.”
ટ્રમ્પે આ મુલાકાત દરમિયાન કહ્યું કે અમેરિકા અને કતાર વચ્ચેનો સહકાર હવે પહેલા કરતાં વધુ મજબૂત બન્યો છે. તેમના મતે “આ બંને દેશોએ છેલ્લા કેટલાક વર્ષોમાં જે કાર્ય કર્યું છે તે ઐતિહાસિક છે.”
ટ્રમ્પે વધુમાં કહ્યું કે મધ્ય પૂર્વમાં હવે પહેલાં કરતાં વધુ સ્થિરતા અને શાંતિ જોવા મળી રહી છે. અને તેનો મોટો ભાગ કતારના સહકારને મળે છે.
આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે પણ નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે “અમેરિકાએ ઈરાનની પરમાણુ શક્તિને ખતમ કરી છે” જેના કારણે આખા મધ્ય પૂર્વમાં શાંતિનો માર્ગ ખુલ્લો થયો છે. ટ્રમ્પે કહ્યું કે “આ હવે સ્વપ્ન નહીં પરંતુ વાસ્તવિકતા છે. મધ્ય પૂર્વ હવે વધુ સુરક્ષિત છે.”
આ બેઠક અલ-ઉદેદ એરબેઝ પર યોજાઈ હતી. જ્યાં ટ્રમ્પનું વિમાન ઇંધણ ભરવા માટે અટક્યું હતું. આ ટૂંકી મુલાકાત છતા કતાર અને અમેરિકાના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનવાના સંકેતો મળ્યા છે.
ટ્રમ્પે અંતમાં કહ્યું કે “મધ્ય પૂર્વમાં શાંતિ લાવવી હવે માત્ર ચર્ચાનો વિષય નથી પરંતુ તે હવે સાકાર સ્વરૂપ લઈ રહી છે.”
દોહામાં થયેલી આ મુલાકાતે સાબિત કર્યું કે રાજકીય અને રાજદ્વારી મંચ પર ક્યારેક હાસ્ય પણ મિત્રતા વધારવાનું સાધન બની શકે છે.