સુરત : (Surat) સુરતના નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કેમ્પસમાં આવેલી ટ્રોમા (Troma) હોસ્પિ.ની હાલત હાલમાં અત્યંત જર્જરિત છે. આ ટ્રોમા હોસ્પિટલના એકશન પ્લાનની વાતો છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, કાગળ પર આ કામગીરી અત્યંત ધીમી ગતિએ છે ત્યારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલાને ગંભીરતાથી લેવા માટે સિવિલ સત્તાધીશોને આડે હાથ લીધા હતા.
ગૃહ મંત્રી (Home Minister) હર્ષ સંઘવીએ (HarshSanghvi) જણાવ્યું હતું કે, હાલમાં દોઢથી બે કરોડનો આ બિલ્ડિંગની મરામતનો પ્લાન છે. પરંતુ ટ્રોમા હોસ્પિટલ અને તે સિવાય કઇ વસ્તુઓ જોઇએ છે તે માટે આખી યાદી મીટિંગ કરીને તૈયાર કરીને આપવા જણાવાયું છે. સુરત સિવિલમાં જે કોઇ આધુનિક સવલત જોઇતી હશે તે આપવા માટે ગૃહમંત્રીએ તૈયારી બતાવી છે. પરંતુ સિવિલ સત્તાધીશોને આ કામગીરી ગોકળગાય ગતિએ નહી કરીએ એક સપ્તાહમાં કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને અન્ય ઇમારતોને મલ્ટિસ્ટોરી બનાવવા માટે રાજય સરકાર તૈયાર છે પરંતુ તે માટે જરૂરી પ્લાન આપવા માટે સ્થાનિક અધિકારીઓને સંઘવીએ કડકાઇથી જણાવ્યું હતું.
ગંદા ટોયલેટ અને તૂટેલી ટાઇલ્સ મામલે બેદરકારી ચલાવી લેવાશે નહીં: હર્ષ સંઘવી
સિવિલ હોસ્પિટલમાં પૂરતો સાફ સફાઇનો સ્ટાફ છે પરંતુ ટોયલેટ અત્યંત ગંદા છે. આ ઉપરાંત તૂટેલી ટાઇલ્સો અને બિલ્ડીંગોની કોઇ મરામત નહી થતી હોવાની નોંધ હર્ષ સંઘવીએ લીધી હતી. તેઓએ સત્તાધીશોને આ મામલે વોર્નીંગ આપીને જણાવ્યુંકે આ મામલે કોઇ બેદરકારી ચલાવી લેવાશે નહી.