કાકાસાહેબ કાલેલકર દેશભક્ત તો ખરા જ, પણ સાથે સાથે આધ્યત્મિક જીવ પણ હતા. તેમણે એક સમય હિમાલય પ્રવાસ જવાનું નક્કી કર્યું. આ ઘટના ઇ.સ. 1916ની છે. એ દરમિયાન કોઇક પેપરમાં ગાંધીજીનું ટૂંકુ લખાણ એમના વાંચવામાં આવ્યું. એમાં લખ્યું હતું. ‘સાચી આધ્યાત્મિકતા હિમાલયમાં નહીં, પણ ગરીબોના ઝૂંપડામાં છે.’ આ નાનકડી લીટીએ તેમનું મન ફેરવી નાંખ્યું. તેમણે હિમાલયનો પ્રવાસ પડતો મૂક્યો. ગાંધીજી તે સમયે બર્મામાં હતા અને ત્યાંથી પાછા ફરતી વખતે રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન આશ્રમ જવાના હતા. કાકાસાહેબ શાંતિનિકેતનના વિદ્યાર્થી હતા. તેમણે વિચાર્યું, ચાલો, બે મહાન વિભૂતિઓને મળાશે.
એક સત્યના પૂજારી, બીજા શિવના પૂજારી. ગાંધીજીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેઓ અમદાવાદ આવી ગાંધી આશ્રમમાં રહેવા લાગ્યા. એક સભા સમયે તેમણે ગાંધીજીને કહ્યું. ‘બાપુ! હું ઇતિહાસનો પ્રોફેસર છું. ઇતિહાસનાં અનેક પુસ્તકો મેં વાંચ્યાં છે અને જગતને ઇતિહાસ જણાવું છું. પણ મેં કોઇ પુસ્તકમાં વાંચ્યું નથી કે અહિંસા દ્વારા દેશને આઝાદી મળી હોય.’ ત્યારે બાપુએ સૌમ્ય વાણી દ્વારા જવાબ આપ્યો. ‘કાકાસાહેબ! આપ ભલે ઇતિહાસના પ્રાધ્યાપક છો. પણ હું ઇતિહાસનો રચનાર છું. હું અહિંસાથી આઝાદી મેળવીશ અને પ્રોફેસર તરીકે તમે એ ઇતિહાસ ભણાવશો.
સુરત – રેખા એમ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોને ચાર્જ કરશો?
એક સરસ મઝાનું ઘર. એમાં વસે એક નારી અને નર. એકબીજાને હસે, હસાવે, જીવે મસ્તીમાં, દુનિયાથી રહે પર, ત્યાં ઓચિંતું એક દિવસ હાથ લાગ્યું એક યંત્ર, હવે ના કોઇ હસે, ના કોઇ રમે! છિન્ન-ભિન્ન થયું ઘરનું તંત્ર, ના કોઈ સાંભળે, ના કોઇ બોલાવે, બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર! રહે એક જ ઘરમાં તોય જાણે જોજન દૂર. થયા એકબીજાના અંતર લાગણી પ્રેમ મરતા રહ્યા. સંબંધોમાં વધતું રહ્યું અંતર! એપ્સ ફેરવે, ટાઈપીંગ કરે, ઢગલાબંધ ઇમોજી મોકલ્યા કરે. આખો દિવસ અજાણ્યા ચેહરાને રિકવેસ્ટ મોકલ્યા કરે, એક બીજા સામે રમત રમ્યા કરે, ખોટું-ખોટું હસ્યા કરે. હવે ના કોઇ હાસ્ય કે ના કોઇ કલરવ, ના કોઇ મસ્તી કે ના કોઈ ગુંજારવ, બેટરી ખતમ થતી રહી, સંબંધો ખોખલા થતા રહ્યા! શું લાગે છે? ચાર્જ કરવાની જરૂર કોને છે? મોબાઈલને કે સંબંધોને?
અમરોલી –પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.