વડોદરા : શહેર નજીક આવેલા કરચીયા ગામમાં રહેતા પરમાર બંધુઓએ જુની અદાવતમાં આજે તને પતાવી નાંખવો છે. તેવી બુમો સાથે બાજવાના યુવાન મિત્રના માથામાં લોખંડની પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાજવામાં કમકમાટી મચાવી મુકનાર આ બનાવ અંગે પોલીસે હત્યારા ભાઇઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા બંધુઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક આવેલા જ્વાહરનગરના ઉંડેરા ગામમાં અમરસિંહની ચાલીમાં પરિવાર સાથે રહેતા અને જી.એસ.એફ.સી.માં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો ઇરફાન મહેમુદભાઇ દીવાન તા.14 ઓગષ્ટના રોજ સાંજના સમયે નોકરી ઉપરથી છૂટીને ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે તેના સેફ્ટી બુટ ખરાબ થઇ ગયો હોવાથી બાજવા બેંક ઓફ બરોડાની સામે આવેલી ખરીમાં બુટ ધોઇ રહ્યો હતો. તે સમયે બાજવાનો રહેવાસી અને છૂટક મજૂરી કામ કરતો પ્રતિક સતીષભાઇ પટેલ (ઉં.28) ત્યાં બેસી રહ્યો હતો.
દરમિયાન કરચીયા ગામમાં રહેતા પરમાર બંધુ શૈલેષ ઉર્ફ અક્કી ભલાભાઇ અને ચંદુ ભલાભાઇ પરમાર લોખંડની પાઇપ લઇને ખરીમાં ધસી આવ્યા હતા. અને ખરીમાં બેઠેલા પ્રતિક પટેલને જણાવ્યું કે, તે અમારી સાથે ગઈકાલે ઝઘડો કેમ કર્યો હતો. આજે તને પતાવી નાંખવો છે. તેમ જણાવી ચંદુ પરમારે પ્રતિકને પકડી રાખ્યો હતો. અને શૈલેષ ઉર્ફ અક્કીએ માથામાં જીવલેણ લોખંડના ફટકા મારી બંને ભાઇઓ ફરાર થઇ ગયા હતા.
માથામાં લોખંડના પાઇપના ફટકા વાગતા જ પ્રતિક પટેલ સ્થળ પર લોહીના ખાબોચીયામાં ફસાડાઇ પડ્યો હતો. બીજી બાજુ પ્રતિક ઉપર થઇ રહેલા હુમલાને જોઇ ઇરફાન દીવાન તુરતજ તેની પાસે દોડી ગયો હતો. તે બુમાબુમ થતા અન્ય લોકો પણ દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઇજા પામેલા પ્રતિકને 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
બાજવા ગામમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે જવાહરનગર પોલીસ મથકના પીઆઇ એસ. એસ આનંદે જણાવ્યું હતું કે, મોતને ઘાટ ઉતરાયેલ પ્રતિક પટેલ છૂટક મજૂરી કામ કરતો હતો. શુક્રવારે પરમાર બંધુ શૈલેસ ઉર્ફ અક્કી અને ચંદુએ પ્રતિક પટેલને મજૂરી કામ માટે આવવા માટે જણાવ્યું હતું. પરંતુ, તેને જવાનો ઇન્કાર કરી દેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પ્રતિકે તે દિવસે પરમાર બંધુઓને માર માર્યો હતો.
જેની અદાવતમાં શનિવારે સાંજે પરમાર બંધુઓએ પ્રતિક પટેલ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવમાં ઇરફાન દીવાનની ફરિયાદના આધારે કરચીયા ગામના રહેવાસી શૈલેષ ઉર્ફ અક્કી પરમાર અને તેના ભાઇ ચંદુ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બંને ભાઇઓની અટકાયત કરી લેવામાં આવી છે. તેઓના કોવિડ-19 કોરોનાના ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.