Columns

ગળાના સોગંદ ખાઈને કહું છું કે…!

ટેણિયાં…હતાં ત્યારે ન્યાય માટે વકીલ રોકવાની જરૂર નહિ પડતી, ‘ખા, મારા ગળાના સોગંદ’કહેતાં એટલે મામલો ઠાર થઇ જતો! ભગવાનને બદલે ગળાના સોગંદ વધારે ખાતાં. ગળું જ અમારા ઇષ્ટદેવ હોય એમ ગળાને દાવ ઉપર મૂકી દેતાં..! ગળાના સોગંદ ખાધાં એટલે ઝઘડા ચત્તાપાટ..! . સોગંદ ખાવામાં જેટલું ગળું ઉપયોગી નીવડ્યું છે, એટલાં અમારા હાથ-પગ-કાન-નાક-જઠર કે કીડની ક્યારેય કામમાં આવ્યાં નથી અને સોગંદ ખાવામાં આડા પણ આવ્યા નથી.

દરજીએ (ખમીસ બનાવવા) ગળું કાપવાની ધૃષ્ટતા ઘણી વાર કરી હોવા છતાં, ક્યારેય અમે એમના માટે દ્વેષભાવ રાખ્યો નથી. સંસ્કારી છીએ ને યાર..! બાકી તાકાત શું કે, આપણી મિલકત ઉપર દરજી ડોળા ફેરવી જાય..! પેટ છૂટી વાત કરું તો, ગળાનાં મૂળભૂત કાર્યો વિષે આજે પણ હું અંગુઠા છાપ! ભણવા ગયો ત્યારે ખબર પડેલી કે બોચી અને ગળા વચ્ચેનો ફરક શું છે..? શિક્ષકોની અનેક થપ્પડો ખાધા પછી, ભાન લાધેલું કે, ગળાના પાછલા પ્રદેશને ‘બોચી’કહેવાય ને આગલો મુલક ગળું કહેવાય..! બાકી ધડ અને માથા વચ્ચેના આ પ્રદેશ વિષે બંદાને સાંધાની સૂઝ મુદ્દલે નહિ. એક વાત તો કહેવી પડે કે, ભગવાનના જેવો દુનિયાનો કોઈ શ્રેષ્ઠ ‘પ્લમ્બર’નહિ..! દરેકના ગાળાની ડીઝાઈન અલગ..! હરામ્મ બરાબર જો કોઈનું ગળું લીકેજ થતું હોય તો..?

જેમ દરેક ભેંસનાં શીંગડાં સરખાં ના હોય એમ, દરેકનાં ગળાં અલગ અલગ..! અમુકની ડોક બગલા જેવી, અમુકની જિરાફ જેવી, તો અમુકનાં ધડ ઉપર ભગવાન ગળું મૂકવાનું ભૂલી ગયો હોય એમ, ગળા વગર જ મોંઢાનું સ્ટેશન આવી જાય..! ગળાનું ગરનાળું શરીરની બધી ચરબી ગળી ગયું હોય એમ, ગળું દેખાય જ નહિ, ચરબીના વાવેતર જ દેખાય..! ધડ અને માથા વચ્ચે કોઈ ઢંગ-ધડો જ નહિ. અમુકના ગળાને તો ગળું કહેવું કે, ‘ગટર લાઈન’એ જ નહિ સમજાય. તંઈઈઈ..! અમુકનાં ગળાઓ એવાં વૃંદાવન જેવાં કે, ગળાની ફરતે ત્રણ તાલ્લીના ગરબા ગાવાનું મન થાય. પ્રથમ દૃષ્ટિએ તો એમ જ લાગે કે, ગળાનું કામ માત્ર માથાના ટેકેદાર બનીને રહેવાનું જ છે. જેથી માણસ ‘માથાભારે’નહિ લાગે..!

શરીરનાં બધાં અંગોમાં ગળાનો ઝામો વધારે..! એટલે તો ફુલફટાક વિકાસમાં પણ લોકો બીજાના ગળે પડતાં ખંચકાય નહિ..! ને બીજાની બોચી ઝાલવામાં પારંગત..! ચરણ ગમે એટલાં રૂપાળાં હોય છતાં, કોઈએ પગના માટે નેકલેસ કે મંગળસૂત્ર ખરીદ્યું હોય એવું સાંભળવામાં આવ્યું નથી, એનો અધિકાર આદિકાળથી ગળા પાસે. કહેવાય છે કે, બહુ અવાજ કરે તેનું સ્થાન ચરણોમાં હોય ને શાંત ચાંદલાનું સ્થાન કપાળ ઉપર હોય..! જેમ નેકલેસ ધારણ કરવાનો અધિકાર ગળા પાસે છે એમ, ટાંટિયામાં દોરડું નાંખીને કોઈને ફાંસી આપી હોય એવું સંભળાયું નથી, એ અધિકાર પણ ગળાનો જ છે, સલામત છે..!

ગળાનાં મૂળભૂત કાર્યો, ચીહાડા પાડવા, રાગ-રાગણી છેડવી, લવારીએ ચઢવું વગેરે વગેરે..! પેટ ભલે દુંદાળું હોય, પણ પેટ રાગડા તાણી શકતું નથી. ગળું ગાવાના ખપમાં પણ આવે. શરીરનાં બીજાં અંગ-ઉપાંગોને હું છાશવારે ગળે પડ્યો હોઈશ, બાકી ગાવા માટે ગળાને ક્યારેય ગળે પડ્યો ન હતો. ગાવાની વાતમાં એવું પણ ખરું ને કે, કૂવામાં જ નહિ હોય તો હવાડામાં આવે ક્યાંથી .? જેમ ખેડૂત થવા માટે ગુંઠાભર જમીન જોઈએ એમ, સંગીતનો સા નીકળતો જ ના હોય તો, સુરાવલિ પ્રગટે ક્યાંથી..? એના માટે કોયલના માળા જેવું ગળું જોઈએ.

ગાયકી ગળામાંથી નીકળે, ગરનાળામાંથી થોડી નીકળે..? મારા ગળાની ડીઝાઈન ભગવાને એવી આપેલી કે, એમાંથી સિસોટી પણ નહિ વાગે..! ઘણાં લોકોને કલાસિકલ રાગમાં છીંક ખાતાં જોઉં ત્યારે જીવ બળે દાદૂ..! મારામાં તો સ્વરપેટીને બદલે પેટારો ગોઠવ્યો એમ, ગાવા બેસું તો ભાંભરતો હોય તેવું વધારે લાગે..! એના કપાળમાં કાંદા ફોડું એવો માંજરપાટ જેવો જાડો અવાજ નીકળે કે, ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ગાઉં ત્યારે કૂતરીને બદલે પાડો ભાંભરતો હોય તેવું વધારે લાગે. નાલ્લો હતો ત્યારે, ‘વહ કૌન થી ફિલ્મમાં, સાધનાએ મનોજકુમાર માટે ગાયેલું ગીત, “લગ જા ગલે કી, ફિર યે હસીં રાત હો ન હો, શાયદ ફિર ઇસ જનમમેં મુલાકાત હો ન હો..!’ગાવા માટે પેલા મહેનતુ કરોળિયા જેટલાં ફાંફા મારેલાં.

કાનમાં કાનખજૂરો ઘૂસી ગયો હોય એમ એ ગીત હજી પણ ગળામાંથી નીકળવા સળવળે છે બોલ્લો..! મનોજકુમારે આ ગીત સાંભળીને કેટલાં પાપડ તોડેલાં એની ખબર નથી, પણ આ ગીતમાં અમને ઝામો પડી ગયેલો. ‘પ્રેક્ટીકલી’પરિણામની પરવાહ કર્યા વગર, આ ગીત લલકારવામાં અમે રીતસરના ગળાને ગળે જ પડી ગયેલા. ભલે ગાવા કરતાં, વધારે બફાયેલા, પણ ફિલમને ફાયદો થઇ ગયેલો. આ ગીત ખૂબ ઉપડ્યું એના કારણમાં મારી ગાયકીનો ફાળો છે..! મેં ખરાબમાં ખરાબ ગાયું તો એ ખીલ્યું ને..?

અમુક અમુકનાં ગીતોના તો શબ્દો જ સાથિયા જેવા સુંદર. આપણને સાલ્લી પૂરી બારાખડી બોલવાનાં ફાંફાં, ત્યારે ગુજરાતી કવિવરોએ તો ગવાય એવાં ગીતો આપેલાં. એવાં એવાં ગીત લખી ગયેલાં કે, દાયકાઓ વીત્યા છતાં, મગજમાંથી હજી Delete થયાં નથી. પછી એ મેઘાણીસાહેબ હોય, પદ્મશ્રી અવિનાશભાઈ હોય, પદ્મશ્રી કવિ દાદ હોય કે, રમેશ પારેખ હોય..! મેઘાણી સાહેબનું પેલું ગીત ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે..! પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસનું રચેલું ગીત, ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે..!’અને કવિ દાદનું ગીત, ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો’સાંભળીએ તો આજે પણ એ કવિઓ પડખે બેઠાં હોય તેવો અહેસાસ થાય.

એના શબ્દો જ એટલા પ્રભાવી કે, કર્ણો એને સાંભળવામાં ગળાડૂબ થઇ જાય, લખવું-ગાવું અને ગાયકીમાં ડોલતાં કરવાં એ કુદરતની બક્ષિસ છે. ડામર રોડ ઉપર ક્યારેય ખેતી થતી નથી, એટલે મારા જેવાના ગળામાંથી તો શરદી અને સળેખમ જ નીકળે. પણ ગળું ખંખેરવાની આઝાદી એળે જવા દઈએ તો બૂચા કહેવાઈએ, એટલે આવડે એવું ઠોકમઠોક કર્યા કરીએ. બાકી ગાડી ચલાવતાં ભલે આવડતી હોય, પણ કયું ગીયર ક્યાં અને ક્યારે બદલવાનું પણ આવડવું જોઈએ..! નહિ તો માઈક ઉપર ભમરો ચોંટી ગયો હોય એવો અવાજ નીકળે. બકરી વનરાજ જેવી દહાડ બોલાવી શકતી નથી, હાથી ઘોડાની જેમ હણહણી શકતો નથી, મરઘી ગાયની માફક ભાંભરી શકતી નથી, પણ ગળા પાસે એવી કમાલ કે, સબ બંદરકા વેપારી..! ધાંધલ પણ કરાવે ને શ્રોતાઓને પાગલ પણ કરાવે..! ખોટી વાત હોય તો ખાવ મારા ગળાના સમ..!

લાસ્ટ ધ બોલ
ડોક્ટર સાહેબ, ‘મારી વાઈફના ગળા માટે હું તમારી પાસેથી દવા લઇ ગયેલો, પણ કામ નહિ આવી. એટલે બીજા એક ડોકટરને બતાવ્યું. તેમણે જે ગોળી આપી એનાથી મારી વાઈફનો અવાજ સાવ બેસી ગયો..! બોલી જ શકતી નથી.
શું વાત કરો છો..? મને એ ડોકટરનું નામ સરનામું આપશો?
કેમ..?
મારે મારી વાઈફનો ઈલાજ કરાવવો છે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top