Comments

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા..!

કોઈને યાદ કરવા માટે અટકડીની રાહ જુએ, તેને આળસુ કહીએ તો, અભદ્ર વ્યવહાર નહિ કહેવાય. સહનશીલતાની પણ સાલ્લી હદ હોય કે ના હોય..? મેઘરાજા વરસે ને ચોમેર પાન લીલાં થાય ને પીળાં પાનવાળાએ બળતરા જ ખમવાની..? મેઘરાજા થયેલા કામના શું..? આ તો એક ચચરાટ..! બાકી, અમને પણ ખબર કે, ઋતુ અને ઉંમરના ભરોસા નહિ રખાય..! ક્યારે કેવો ભીંડો કાઢે નક્કી નહિ. ગ્રહણમાં પણ સાપોલિયાં બતાવે..! એની જાતને કહું તે, ઋતુ અને ઉંમર ક્યારેય લાઈનદોરીમાં બાંધછોડ કરતી નથી. આઈ મીન..‘એને વાઈડ બોલ’ રમવાની આદત નથી. દુ:ખ એ વાતનું છે કે, ઘરની બહાર વરસાદના છાંટણાં થતાં હોય ને ખખડી ગયેલું ભાભું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ જેવું લલકારે ત્યારે તો એમ જ થાય કે, ભાઈને ખરજવું ક્યાં છે ને મલમ ક્યાં લગાવે છે..? પછી કહે મને બળતરા બહુ થાય..! એના કપાળમાં કાંદા ફોડું..!

 ચોમાસું આવે એટલે વાછંટ પણ આપણી ભેગું રહેવા આવે એ નિર્વિવાદ છે. ક્યારેક ઘર માણસ કરતાં વાછંટથી વધારે ઉભરાઈ જાય..! વાછંટ ધામાં નાંખે એટલે એવું રખે સમજી લેતાં કે, ઉનાળો ગયો ને બાર માસનો ‘સન્યાસ’ લઇ લીધો..! એના તોર અને તેવર જાય નહિ. વંઠેલ વહુના જેવાં જ રહેવાના. એ છૂટાછેડા પણ નહિ આપે ને જંપવા પણ નહિ દે, માત્ર સંતોષ જ લેવાનો કે, ઉનાળાએ ઋતુ ખાલી કરી..! બાકી કબજો તો એની પાસે જ હોય..! એના તેવર તો આ લખું છું ત્યારે પણ વરસતા વરસાદમાં પણ ચાલુ જ છે..! બહુ બફારો થાય છે દોસ્ત..!

એ તો સારું છે કે, ઋતુ અને સમય પ્રમાણે સ્વભાવ અને સાધન બદલવામાં પાવરધા છીએ, નહિ તો મથાવી નાંખે મામૂ..! બિપોરજોય જેવાં ‘રિમાન્ડ’માં પણ જે ભજીયાં ઉલાળતો હોય, એને રીચાર્જ કરવાની જરૂર ખરી..? ભલે કહેવાય કે, ચોમાસું બેઠું, પણ ક્યારેક તો ઊભું ઊભું નાચતું જ હોય..! દ્દેવોને કટ્ટર વિશ્વાસ કે, વાદળની ચાદર ઓઢીને હું ચાર મહિના ઊંઘી જઈશ તો પણ, મારા આ લાલ મારા તહેવાર ઉજવવાનાં છે. ચોમાસું બેસે ને તહેવારોની ભીડ જામે એનું કારણ પણ એ જ..! વાદળાંઓ ‘બેન્ડ’વગાડે, વીજળી પ્રકાશની વ્યવસ્થા કરે, દેડકાઓ પીપૂડાં વગાડે ને વરસાદની હેલી રાગ-રાગિણીની તાન છેડે. એનું નામ ચોમાસું..! કવિ ધ્રુવભટ્ટદાદા કહે એમ,

 ઉંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
 ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું
 કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં
 ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં

કોઈ ભૂત-પ્રેતની ઝાપટમાં આવવું, એના કરતાં વરસાદની ઝાપટમાં આવવું સારું..! જીવલેણ તો નહિ..! ઘણી વાર એમ થાય કે, બરફના બે-ચાર કરાં આપણા વિસ્તારમાં પડે તો જોતાં જઈએ. પણ રતનજી જાણે આપણા ધાબાઓની મજબૂતાઈ વિષે શંકાઓ છે કે શું, આપણે ત્યાં ગ્લાસમાં બરફ પડે છે, પણ બહાર પડતો નથી..! જો કે વરસાદ જાણે કે આ તો રંગરસિયા સુરતીઓની ભૂમિઓ છે. બરફનાં કરાં આપ્યા તો બરફ-ગોળાનો ધંધો પણ કરી નાંખે..! ભલે આસ્થાનો છાંટો હોય કે ના હોય, તો પણ ભગવાન સૌનાં સારાં વાનાં તો કરે જ..!

ઋતુ પ્રમાણે ધંધા આપીને સૌના ચૂલ્હા ચાલુ રાખે..! ઉનાળો બેસે એટલે પ્રવાસવાળાને તેજી, શિયાળો બેસે એટલે ગરમ કપડાંવાળાને તેજી, ચોમાસુ આવે એટલે મા છત્રી-રેઈનકોટ ને દવાખાનાવાળાને તેજી..! જોવાની વાત એ છે કે, ખેડૂત જગતનો બાપ હોવા છતાં ને વરસાદ સૌનો મેઘરાજા હોવા છતાં, કોઈની પણ ફોઈએ, એના ભત્રીજાનું નામ ‘વરસાદ’પાડ્યું હોય એવું સાંભળ્યું નથી.‘વાદળ’પણ પાડ્યું હોય તેવું ધ્યાનમાં નથી. બાકી દીકરાનું નામ ‘વરસાદ’હોય ને વહુનું નામ ‘વીજળી’હોય તો, મહોલ્લો વેરાન નહિ લાગે. બારેય માસ ગાજ વીજ ને વરસાદના ચમકારા રહે ..! ૩૬૫ દિવસનું ચોમાસું ઘરમાં બેઠું હોય તેવું ફીઈઈઈલ થાય..!

 આ તો પાન લીલું જોયું ને યાદ આવ્યું કે, બહાર છીમ્મ..છીમ્મ થતું હોય, વાઈફની માફક બપૈયાઓ બડબડ કરતાં હોય, વંઠેલ દેડકાઓ વંઠેલ સાળાની માફક ‘ડ્રાઉં-ડ્રાઉં’કરતા હોય, મોરલાની માફક નણદલી ‘ટેહુક-ટેહુક’કરતી હોય ત્યારે તો એમ થાય કે, ચોમાસું ચાર માસનું નહિ, ૩૬૫ દિવસનું બેસવું જોઈએ. ભજીયાના ટેસડાં ચોમાસામાં જ રંગ લાવે. વાઈફનું નામ ભલે ‘શાંતિ’હોય, પણ ચોમાસાની ગાજ-વીજ ને બિપોરજોય જેવાં ઝાપટાં આવે તો, એ ‘શાંતિ’પણ ધોવાઈ જાય..!

 વરસાદ કોને નહિ ગમે? સનાતન ધર્મમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ દેવાધિદેવ, એમ શિયાળો ઉનાળો ને ચોમાસું, એટલે માનવ જાતની મોખરાની ઋતુ..! માણસની માફક એ પણ સ્વચ્છંદી તો રહેવાની. સ્વેટર વસાવે તો શિયાળો રિસાય ને ઉનાળામાં રેઈનકોટ પણ પહેરાવે..! ક્યારેક એવું કોરુંધાકોડ જાય કે, વરસાદ કરતાં ઘોડિયે સૂતેલાં છોકરાનું બાળોતિયું વધારે ભીનું થાય..! ખોટું હોય તો, પૂછો રતનજીને..! મને તો આ ‘છાંટો-પાણી’નો શબ્દ-પ્રયોગ પણ ચોમાસાની જ ઉપજ હોય એવું લાગ્યા કરે. જેને આપણે નશા સાથે જોડી દીધો. આ તો એક હસવા હસાવવાની વાત..! બાકી, અમુક વખતે તો ચોમાસું એવું રિસાઈ જાય કે, બાથરૂમના સ્ક્વેર-ફીટ જેટલાં પણ આંગણાં વરસાદથી ભીનાં નહિ થાય..! દેડકાઓ ડોકું બહાર કાઢીને વન-વે માં ઘુસી આવ્યા હોય એમ, માહોલ જોઇને પાછા વટી જાય.

જેને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની તાલાવેલી છે, એની ઇચ્છાઓની પૂર્તિ અટકી જાય..! ઈચ્છાપૂર્તિ માટે ઢાંકણી ભરાય એટલો પણ વરસાદ નહિ પડે તો બિચારો કરે શું..? ને વરસે ત્યારે એવો ગાંડોતૂર થઈને વરસે કે, વાદળાંઓએ જુનો સ્ટોક કાઢવા સેલ કાઢયું હોય એમ ધોધમાર પડે. રેલ્વેની લાઈન પણ નદી બની જાય..! ઘરના બારણે બોર્ડ ટાંગેલું હોય કે, “રજા સિવાય કોઈએ અંદર આવવું નહિ “છતાં રેલનું સ્વરૂપ ધારણ કરીને પાણી ઘરમાં ઘુસી જાય. એક વાર પાણી ઘૂસે પછી, માણસ પણ ફૂલે ને ઘરનાં બારણાં પણ ફૂલે..! જે હોય તે, સાચો સમાજવાદી એટલે વરસાદ..! એ વેઢોવંચો ક્યારેય નહિ રાખે કે, ફલાણા સાથે ફાવતું નથી એટલે એના ખેતરમાં એક ટીપું પણ નહિ પડું..! એના નખમાં પણ રાજકીય મેલવણ નહિ મામૂ..!

લાસ્ટ ધ બોલ
છત્રીને ‘કાગડો’થતાં મેં જોઈ છે, પણ ‘કાગડી’ થતાં કોઈએ જોઈ હોય તો કહેજો..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top