Charchapatra

આઇ. પી. એલ. નું દૂષણ દૂર થવું જોઈએ

ક્રિકેટમાં આઇ પી એલ ની ટુર્નામેન્ટ એક દૂષણ છે. સમયની બરબાદી છે. કાળા નાણાં ધોળા કરવાનો ઉપાય છે. મોંઘવારી માટે જવાબદાર છે. સિનિયર સીટીઝન માટે અન્યાયકર્તા છે. નવયુવાનોની કારકિર્દી માટે જોખમી છે.આ બધી વાતો દેશ માટે હાનિકર્તા છે. ક્રિકેટની રમતમાં આઇ પી એલની ટુર્નામેન્ટ દિવસોના દિવસો સુધી ચાલતી હોય છે. આ રીતસરની સમયની બરબાદી છે કારણકે તેનું જીવંત પ્રસારણ જોનારાં કરોડો લોકો તે સમય દરમ્યાન બીજી કોઈ એકટીવિટી કરી શકતાં નથી. વળી તેમાં નવયુવાનોનો પણ સમાવેશ થાય છે.

તેમના અભ્યાસને ન સમજી શકાય તેવું નુકસાન થાય છે. વળી આ ટૂર્નામેન્ટનો સમય વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા જે સમયે આવતી હોય તે હોય છે એટલે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી બરાબર કરી શકતા નથી. વળી ક્રિકેટરોને જે મબલખ પૈસા ચૂકવવામાં આવે છે તે કોઈક ને કોઈક કંપની સ્પોન્સર કરતી હોય છે અને જે તે સ્પોન્સર કરતી કંપની પોતાની પ્રોડક્ટની કિંમતમાં તેટલા પ્રમાણમાં વધારો કરે છે એટલે સરવાળે પ્રજાએ મોંઘવારીનો સામનો કરવો પડે છે. મોંઘવારીનાં અન્ય કારણો પણ છે પણ તેમાંનાં મહત્ત્વનાં કારણોમાંનું આ પણ એક કારણ છે.

વળી આ ટૂર્નામેન્ટને કારણે બી. સી. સી. આઈ. ( બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા )ને અબજો રૂપિયાની કમાણી થાય છે અને તેમાં આશ્ચર્યજનક બાબત એ છે કે સરકારે તે આવકને ટેક્ષ ફ્રી જાહેર કરી છે. સિનિયર સીટીઝનોએ આવક પર ટેક્ષ ભરવો પડે છે. દેશના તમામ સિનિયર સીટીઝનોની આવકનો સરવાળો કરશો તો તે બી. સી. સી. આઈ. ની આવક જેટલો ન થાય, એ સંજોગોમાં બી. સી. સી. આઈ.ની આવક પર ટેક્ષ લાગુ કરી તમામ સિનિયર સીટીઝનોની આવક ટેક્ષ ફ્રી કરી શકાય એમ છે.

આવું થાય તો બી. સી. સી. આઈ. ને કંઈ ફરક પડવાનો નથી, પણ દેશના તમામ સિનિયર સીટીઝનોને એકદમ રાહત થઈ જાય એમ છે. ટૂંકમાં તાતી જરૂરિયાત એ છે કે આ ઉપર જણાવેલાં દૂષણોને જોતાં આઇ. પી. એલ. ટુર્નામેન્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવે. આખી ટુર્નામેન્ટનું આયોજન ધંધાકીય અભિગમથી જ કરવામાં આવી રહ્યું છે અને તેથી ક્રિકેટની રમતનો મૂળ ચાર્મ ક્યાંય જોવા મળતો નથી એ સંજોગોમાં આ ટુર્નામેન્ટનું આયોજન જ રદ કરવામાં આવે તે દેશહિતમાં રહેશે. હમણાં જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકર સુરત આવ્યા હતા.

તેમણે તેમનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે સાચી ક્રિકેટની રમત ટેસ્ટ મેચ જ છે. આઇ. પી. એલ.માં ઉડ્ઝુડીયું ક્રિકેટ રમાય છે એટલે તેવી રમતનું આયોજન થાય કે ન થાય કોઈ ફરક પડતો નથી. ઉલટું આવું આયોજન ન થાય તો ફાયદા અનેક છે.તા.૨૮ એપ્રિલ ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં  ક્રિકેટની રમતનું એવરેસ્ટ પરથી ખીણમાં પતન એટલે આઇ. પી. એલ.  શીર્ષક હેઠળનું અબ્બાસભાઈ કૌકાવાળાનું ચર્ચાપત્ર પણ ઘણું સૂચક છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top