મુંબઇ: પંજાબી ગાયક સિદ્ધુ મૂઝેવાલા(Sidhu Moosewala)ની ગયા મહિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી સલમાન ખાન(Salman Khan) ચર્ચામાં આવ્યો હતો. સિદ્ધુની હત્યા બાદ સલમાન ખાનને પણ ધમકી(Threat) ભરેલો પત્ર(Latter) મળ્યો હતો. આ પત્ર મળ્યા બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી. તેમજ આ સમગ્ર મામલે પોલીસે અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે પોલીસે સલમાન ખાનનું નિવેદન નોંધ્યું છે.
ધમકી ભર્યા પત્ર વિશે કહ્યું…
રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને આપેલા નિવેદનમાં સલમાન ખાને પોતાને મળેલી ધમકીને નકારી કાઢી છે. તેણે જણાવ્યું કે, ‘મારી કોઈની સાથે દુશ્મની નથી અને મને કોઈએ ધમકી આપી નથી.’ આજકાલ તેની કોઈની સાથે દુશ્મની નથી. હાલમાં તેનો કોઈની સાથે ઝઘડો થયો નથી અને બોલાચાલી પણ થઈ નથી. તેને ધમકીભર્યો મેસેજ કે ફોન આવ્યો નથી. પત્ર પણ તેને નહીં, પરંતુ તેના પિતાને મળ્યો હતો. તેના પિતા મોર્નિંગ વૉક પર ગયા ત્યારે પત્ર મળ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિશે શું કહ્યું?
મળતી માહિતી મુજબ, જ્યારે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિશે પૂછવામાં આવ્યું તો સલમાને કહ્યું, ‘હું લોરેન્સ બિશ્નોઈને એ રીતે ઓળખું છું જેમ બધા જાણે છે. મને ગોલ્ડી બાર વિશે કોઈ ખ્યાલ નથી. લોરેન્સ અંગે 2018માં સાંભળ્યું હતું, કારણ કે તે સમયે તેણે ધમકી આપી હતી. જોકે, તે ગોલ્ડી અને લોરેન્સને ઓળખતો નથી. સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તેને એવી કોઈ વ્યક્તિ પર શંકા છે જે તેને નુકસાન પહોંચાડી શકે? આ અંગે સલમાને કહ્યું હતું કે તેને કોઈની પર શંકા નથી.
પોલીસે તપાસ વધારી
સલમાન ખાનને આપેલી ધમકીના કેસમાં મુંબઈ પોલીસે તપાસ વધારી છે. હાલમાં 8 ટીમો આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં બાંદ્રા વિસ્તારના 200 CCTV ફુટેજની તપાસ કરી છે. જો કે તેમાં કેટલાંક શંકાસ્પદોની જાણ થઈ છે, પરંતુ પોલીસે એકની પણ ધરપકડ કરી નથી.
પત્રમાં કહ્યું હતું આવું
સલમાન ખાનને રવિવારનાં રોજ ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. જો કે આ પત્ર તેના પિતા સલીમ ખાન જ્યારે મોર્નિંગ વોક પર હતા તે સમયે તેઓને પત્ર આપવામાં આવ્યો હતો. જેમાં ‘સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.’ એવી ધમકી આપવામાં આવી હતી. પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે.