Sports

‘કેપ્ટન તરીકે મેં ઘણી ભૂલો કરી છે’, વિરાટ કોહલી આવું કેમ બોલ્યો?

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું (Virat Kohli) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ ખુલાસો કર્યો છે કે તેણે કેપ્ટન તરીકે અનેક ભૂલો કરી છે. પોતાની ભૂલોને સ્વીકારતા કોહલીએ કહ્યું કે, મને મારી ભૂલો સ્વીકારવામાં શરમ નથી. આ સાથે જ કોહલીએ એમ પણ કહ્યું કે મેં જે કંઈ કર્યું હતું તે ટીમની ભલાઈ માટે જ કર્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) કપ્તાન પદ છોડ્યું ત્યાર બાદ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. કોહલીના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારત કોઈ પણ મોટી ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું તેમ છતાં ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ રહી હતી. સાથી ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડવાથી લઈને ખેલાડીઓના કપરા સમયમાં તેમની સાથે ઉભા રહેવા સુધી કોહલીએ કપ્તાનીની ભૂમિકા સુંદર રીતે નિભાવી છે. 

ત્યારે એક ઈન્ટરવ્યુમાં કોહલીએ જ્યારે એમ કહ્યું કે એક કેપ્ટન તરીકે તેણે ઘણી ભૂલો કરી છે ત્યારે તેના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. કોહલીએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મને એ સ્વીકારવામાં શરમ નથી આવતી કે જ્યારે હું કેપ્ટન હતો ત્યારે મેં ઘણી ભૂલો કરી હતી, પરંતુ એક વાત હું ચોક્કસ જાણું છું કે મેં મારા પોતાના સ્વાર્થ માટે ક્યારેય કંઈ કર્યું નથી. મારું એકમાત્ર લક્ષ્ય ટીમને આગળ લઈ જવાનું હતું. મારા ઈરાદા ક્યારેય ખોટા નહોતા.

કોહલી ભારતીય ટીમનો હિસ્સો છે, પરંતુ તેણે ટીમનું નેતૃત્વ છોડી દીધું છે. રોહિત શર્મા હાલમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલી રહેલી સિઝનનો ભાગ છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. 

વિરાટે 2021 IPL બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. જોકે, આ સિઝનમાં તેણે ફાફ ડુપ્લેસીસની ગેરહાજરીમાં કેટલીક મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. વર્તમાન સિઝનમાં કોહલીએ 11 મેચમાં 42.00ની એવરેજથી 420 રન બનાવ્યા છે. આઈપીએલ 2023માં તેનો અત્યાર સુધીનો સ્ટ્રાઈક રેટ 133.76 છે.

Most Popular

To Top