હમણાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુર ગયા તો મિડીયાના કાન હાથીના થઈ ગયા ને આંખો દુરબીન બની ગઈ. બધાને લાગે છે કે તેઓ લગ્નની તૈયારી માટે જ ગયા. જે કામ પોતાના સહાયકો વડે થઈ શક્તુ હોય ત્યાં સ્ટાર્સ જાતે શું કામ જાય?… પણ મિડીયા આ બંનેને પરણાવવા નીતુ કપૂર અને મહેશ ભટ્ટથી ય વધારે ઉત્સુક છે. બાકી રણબીર કપૂર તેનો બર્થ-ડે ઉજવવા આલિયા સાથે ગયો હતો. એક રાત રહેવાના 1.65 લાખ ચુકવ્યા જેથી મિડીયાથી દૂર અંગતતા જાળવી શકાય. પણ મિડીયા બહુ કલ્પનાશીલ હોય છે. એટલે ઘણું બધુ જોઈ લે છે.
આલિયા તો અત્યારે એ વાતે ખુશ છે કે સંજય લીલા ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ નક્કી કરી નાંખી છે. ના, ના, આ દિવાળી નહીં બલ્કે 6 જાન્યુઆરી 2022માં તે રજૂ થશે. મતલબ કે આવતા વર્ષનો આરંભ આલિયા ભટ્ટની ફિલ્મથી થશે. શક્ય છે કે 2022નું વર્ષ તેની કેટલીક ફિલ્મોના રજૂ થવા સો લગ્નનો રોમાંચ પણ લાવે. તેની ‘આરઆરઆર’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મો થિયેટર રિલીઝ માટે જ પ્લાન થઈ છે. આલિયાની ફિલ્મ ઓટીટી પર રજૂ ન થઈ શકે કારણ કે તેની લોકચાહના ઘણી વધારે છે. આલિયા જે ફિલ્મમાં કામ કરવાનું નક્કી કરે તે તેના જાહેર થવા સાથે જ મોટી બની જતી હોય છે.
પણ આલિયા પોતાના બહુ મોટા પ્રચારમાં માનતી નથી અને તેનું કારણ એક જ કે તે પોતાને અસાલમત અનુભવતી નથી. તે દિપીકા પાદુકોણ યા તાપસી પન્નુ કે કંગના રણૌત સામે સ્પર્ધા હોવાનું ય કદી કહેતી નથી. એ આજના સમયની પ્રોફેશનલ અભિનેત્રી છે. સ્પર્ધા તો રહેવાની જ અને તેને જીતવાનો રસ્તો પોતાનું કામ છે. દરેક સારી ફિલ્મો પોતાને જ ન મળી શકે બલ્કે મળે તે ફિલ્મને પોતાના વડે સારી બનાવવી.
બાકી છેલ્લે ‘રાઝી’ તેની ખૂબ સફળ ફિલ્મ હતી જેને રજૂ થયાને સાડાત્રણ વર્ષ થઈ ગયા. પછી ‘ગલી બોય’, ‘કલંક’, ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ (એક ગીત પૂરતી)ને ‘સડક-2’ આવી. આલિયા એકદમ આમીર, સલમાનની હીરોઈન બની શકે તેમ નથી અને કાર્તિક આર્યન જેવા તેના માટે બહુ નવા પડે તેમ છે. તે એવા સ્ટાર્સ સાથે કામ કરે છે. જે વિત્યા એકાદ દાયકામાં પોતાની ઓળખ બનાવી શક્યા હોય, સાથે જ તે ફક્ત પોતાની ઓળખ પર ફિલ્મ સફળ બનાવી શકે છે. એટલે ‘ડાર્લિંગ્સ’ જેવી ફિલ્મમાંય કામ કરે છે. જેમાં તેને શેફાલી શાહની ભૂમિકા જ મુખ્ય છે. બાકી તે રણબીર કે રણવીર જોડે સેટ છે.
રણવીર સાથે તે કરણ જોહરની ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ માં કામ કરે છે. આલિયા એકદમ રોમેન્ટિક ફિલ્મમાં ક્યારેક ક્યારેક દેખાતી હોય છે. શાહરૂખ સાથેની ‘ડિયર ઝિંદગી’ એ રીતે ખાસ હતી. હવે ‘બેંજુ બાવરા’ ય બની રહી છે એટલે તે કલાસિક પ્રકારની લવસ્ટોરીમાં પણ દેખાશે ને તે પણ રણબીર કપૂર સાથે. આલિયાને દિપીકા પાદુકોણ સાથે આવવામાં ય વાંધો નથી. ભલે દિપીકા- રણબીરની લવસ્ટોરી એક સમયે ચર્ચામાં રહી હોય. ફિલ્મોમાં હો તો આવા ખૂલ્લા મિજાજના હોવા જોઇએ. તે જાણે છે કે તેની મમ્મી સોની રાઝદાન પણ એવા મિજાજની હતી એટલે જ પિતા (મહેશ ભટ્ટ) સાથે લગ્ન જીવન શકય બન્યુ હશે. (ફિલ્મના લોકોને પોતાના મા-બાપના ભૂતકાળ જાણવા મળતા હોય છે)
આલિયા ભટ્ટને દરેક નિર્માતા માનથી સ્થાન આપે છે કારણ કે તે કોઇ બબાલ નથી કરતી. મેચ્યોર રહી વાત કરે છે. આ કારણે જ ફરહાન અખ્તર જેવાએ પણ તેને ‘જી લે જરા’માં પ્રિયંકા ચોપરા, કેટરીના સાથે લીધી છે. મતલબ કે રણબીરની વધુ એક ભૂતપૂર્વ પ્રેમિકા સાથે કામ કરશે. સાથે જ બીજી બબ્બે સ્ટાર્સ હીરોઇન સાથે તે આ બીજી ફિલ્મમાં કામ કરશે. સામાન્યપણે બીજી નામી હીરોઇનો સાથે પોતાને ટોપની માનતી હીરોઇન કામ નથી કરતી. પ્રિયંકા, દિપીકા જો હોલીવુડની ફિલ્મમાં કામ કરવા માંડી છે તો આલિયા પણ અત્યારે એક હોલીવુડ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે ઘણી બધી ફિલ્મોમાં કામ કરે છે. કારણ કે તે શાંતિથી પ્લાન કરે છે. રણબીર કપૂર સાથે પણ એટલે જ ફાવે છે.