એક વૃધ્ધને રસ્તામાં એક યુવાન આવીને પગે લાગ્યો અને કહ્યું, ‘સર, હું તમારો વર્ષો પહેલાંનો વિદ્યાર્થી છું.’ વૃધ્ધ સર ખુશ થયા અને બોલ્યા, ‘વાહ દીકરા સારી વાત છે. તને હજી તારા શાળાનો શિક્ષક યાદ છે.તું શું કરે છે?’યુવાન બોલ્યો, ‘સર, હું તમને કઈ રીતે ભૂલું? હું આજે તમારી જેમ એક શિક્ષક છું તેની પ્રેરણા અને કારણ તમે જ છો.’ વૃધ્ધ શિક્ષક બોલ્યા, ‘વાહ, સારી વાત છે. તું મને કહે કે તારા મનમાં કયારે આવ્યું કે તારે શિક્ષક જ બનવું છે?’ યુવાન બોલ્યો, ‘સર, વર્ષો પહેલાંની વાત છે.
હું તમારા વર્ગમાં ભણતો હતો અને મારો એક મિત્ર નવી ઘડિયાળ લઈને આવ્યો અને મને તે ખૂબ જ ગમી ગઈ અને મેં તે ચોરી લેવાનું નક્કી કર્યું અને ધીમેથી તે ચોરી લઈને મારા ખિસ્સામાં મૂકી દીધી.થોડી વાર પછી પેલા દોસ્તને ખબર પડી કે તેની નવી ઘડિયાળ ખોવાઈ ગઈ છે, તેને આમતેમ શોધી ..બધાને પૂછ્યું અને ન મળતાં તમને ફરિયાદ કરી કે, ‘મારી નવી ઘડિયાળ કોઈએ લઇ લીધી છે.’સર તમે આખા વર્ગને પૂછ્યું કે કોઈએ ઘડિયાળ લઇ લીધી હોય તો તરત પાછી આપી દે.પણ મારો ઘડિયાળ પાછી આપવાનો કોઈ ઈરાદો ન હતો.
મેં ખિસ્સામાં રૂમાલમાં વીંટાળીને છુપાડી દીધી હતી. પછી સર તમે બધાને કહ્યું કે બેંચ પર માથું નીચે કરી આંખ બંધ કરી બેસો અને પછી તમે બધાના ખિસ્સા અને દફતર એક પછી એક તપાસ્યા.મારા ખિસ્સામાંથી તમને ઘડિયાળ મળી. તમે તે લઇ લીધી, પણ મને કંઈ કહ્યું નહિ અને આગળ બીજા બધા છોકરાઓની તપાસ ચાલુ રાખી અને બધાની તપાસ કરી લીધા બાદ તમે બોલ્યા, ચાલો આંખો ખોલો. આ ઘડિયાળ મળી ગઈ છે અને એમ કહીને તમે તે ઘડિયાળ ક્યાંથી મળી, કેવી રીતે મળી, કોને ચોરી હતી, તે કંઈ જ કહ્યા વિના પેલા છોકરાને તેની ઘડિયાળ આપી કહ્યું, આ તારી ઘડિયાળ. સાચવીને રાખજે અને ફરી શાળામાં નહિ લાવતો.
આટલું બોલતાં યુવાન રડી પડ્યો અને ફરી સરના પગમાં પડી બોલ્યો, ‘સર, તે દિવસે તમે મારું માન જાળવ્યું.મને એક ચોર તરીકેની ઓળખાણ આપી શરમજનક પરિસ્થિતિમાં ન મૂક્યો.ન મને ખીજાયા અને એટલે આજે હું ચોર ન બન્યો અને તમારી પાસેથી શીખીને શિક્ષક બન્યો.સર તમને હું યાદ છું.’ વૃધ્ધ શિક્ષક બોલ્યા મને ઘડિયાળની ચોરીની વાત યાદ છે પણ મને તે ઘડિયાળ લીધી હતી તે ખબર નથી કારણ કે મેં પણ મારી આંખો બંધ રાખીને તપાસ કરી હતી. કોઈને અપમાન કરીને શીખવવું એ સાચું શિક્ષણ નથી. સાચું શિક્ષણ સાચો રાહ દેખાડે છે.’યુવાન સરની વાત સાંભળી તેમને ભેટી પડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.