National

કલંક સાથે જીવી શકતો નથી, જો હું પ્રામાણિક લાગું તો મત આપજો- કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા આંદોલન અને પહેલીવાર ચૂંટણી જીતવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે પ્રામાણિકતાના આધારે પ્રથમ વખત સત્તામાં આવ્યા હતા. રાજીનામા પર કેજરીવાલે કહ્યું કે મને સત્તા અને ખુરશીનો લોભ નથી. ભાજપે મને ભ્રષ્ટ અને ચોર કહ્યો ત્યારે મને દુઃખ થયું. આ કલંક સાથે ખુરશી પર નહીં બેસી શકું. હું શ્વાસ પણ લઈ શકતો નથી, હું જીવી પણ શકતો નથી. આગામી દિલ્હીની ચૂંટણી મારી અગ્નિ પરીક્ષા છે, જો હું પ્રમાણિક હોઉં તો જ મત આપજો.

જંતર મંતર ખાતેની જાહેરસભામાં AAP કન્વીનર કેજરીવાલે સંઘ પ્રમુખ મોહન ભાગવતને 5 પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા જેવા નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થઈ ગયા, તો પછી મોદી પર આ નિયમો કેમ લાગુ નથી થતા. અમિત શાહ કહી રહ્યા છે કે આ મોદી પર લાગુ નહીં પડે. ભાગવત જી કૃપા કરીને જવાબ આપો. જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21 સપ્ટેમ્બરે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે.

કેજરીવાલે કહ્યું- ચૂંટણી ઈમાનદારીથી લડી શકાય છે અને જીતી પણ શકાય છે
મને તે હજુ પણ યાદ છે. તે 4 એપ્રિલ, 2011 નો દિવસ હતો, જ્યારે સ્વતંત્ર ભારતનું સૌથી મોટું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અહીં જંતર-મંતરથી શરૂ થયું હતું. તે સમયની સરકાર અહંકારી હતી. તેમણે અમને પડકાર્યા કે ચૂંટણી જીતીને બતાઓ. અમે નાના હતા, ચૂંટણી માટે પૈસાની જરૂર હતી, ગુંડાઓની જરૂર હતી, માણસોની જરૂર હતી. અમે કઈ રીતે લડતા? અમારી પાસે કાંઈજ ન હતું. અમે ચૂંટણી પણ લડ્યા, જનતાએ અમને જીતાડ્યા અને પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. અમે સાબિત કર્યું કે ચૂંટણી ઈમાનદારીથી લડી શકાય છે અને જીતી પણ શકાય છે.

અમે દેશની રાજનીતિ બદલવા આવ્યા છીએ
દિલ્હીમાં 10 વર્ષથી અમે ઈમાનદારીથી સરકાર ચલાવી રહ્યા હતા અને પૈસા પણ બચાવી રહ્યા હતા. આ લોકોએ ષડયંત્ર રચીને આપના દરેક નેતાઓને જેલમાં ધકેલી દીધા છે. હું જેલમાંથી બહાર આવ્યા અને ત્યાર બાદ મેં રાજીનામું આપ્યું. મેં રાજીનામું આપ્યું કારણ કે હું ભ્રષ્ટાચાર કરવા નથી આવ્યો, હું મુખ્યમંત્રી પદનો કે સત્તાનો ભૂખ્યો નથી. હું પૈસા કમાવવા નથી આવ્યો. દેશ માટે આવ્યો છું, ભારત માતા માટે આવ્યો છું. અમે દેશની રાજનીતિ બદલવા આવ્યા છીએ.

Most Popular

To Top