Columns

ખુશ રહી શકું છું

એક સોસાયટીમાં રોજ સાંજે બધા સીનીયર સીટીઝન આંટી મળીને ગાર્ડનમાં બેસે….થોડી અલકમલકની વાતો કરે …થોડી સાંજની રસોઈની …અને થોડા ભજન ગાય પછી છુટા પડે..આવતા જતા બધાને ખબર અંતર પૂછતાં રહે. સોસાયટીમાં એક આંટી અને અંકલ થોડો વખત પહેલા જ રહેવા આવ્યા હતા.અંકલનો સ્વભાવ રીઝર્વ પણ આંટી એકદમ વિરુદ્ધ ..થોડા જ સમયમાં બધા સાથે હળીમળી ગયા.સીનીયર સીટીઝન ગ્રુપને ઘરે ચા નાસ્તા માટે બોલાવ્યા …સોસાયટીના ફંકશનમાં આગળ પડતાં રહી મદદ કરી…અવાર નવાર પોતાના હાથે બનાવેલી આઈટમ બધાને ચખાડવા લઇ જાય અને બધાની સાથે પ્રેમથી હસીને વાત કરે. ધીમે ધીમે સોસાયટીમાં તેઓ બધાના ફેવરીટ બની ગયા …

બધા તેમને ઓળખે અને તેમની પાસે સલાહ અને મદદ લેવા આવે.તેઓ બધાને બનતી મદદ કરે.આમ વર્ષ પૂરું થયું સોસ્ય્તીમાં બધા તેમને જાણતા ઓળખતા પણ કોઈ તેમના ભૂતકાળ વિષે બહુ જાણતું ન હતું.મોટે ભાગે કોઈ તેમને મળવા આવતું નહિ.તેઓ હંમેશા ખુશ જ દેખાતા …અંકલ બહુ બોલતા નહિ અને આંટી બધા સાથે વાતો કરતા. એક વખત અંકલ આંટીના પાડોશીના ઘરે કોઈ મહેમાન આવ્યા હતા અને આંટી ખાસ ખાંડવી બનાવવા મદદ કરવા તેમના ઘરે આવ્યા હતા.આ મહેમાન આંટીના જુના પાડોશીના મિત્ર નીકળ્યા…

આંટી જોડે ઓળખાણ કાઢી અને આંટી પ્રેમથી હસીને તેમને મળીને નીકળી ગયા.આંટીના ગયા બાદ મહેમાન બોલ્યા, ‘બિચારા કેટલા સારા છે પણ ચારેબાજુથી ભગવાને તેમની પર દુઃખોનો આઘાત કર્યો છે.છતાં હસતા રહે છે.’ આ સાંભળી બધાને નવાઈ લાગી..બધી બીજી વાત મુકીને આંટીના પાડોશીએ પહેલા અંકલ આંટી વિષે જ પૂછ્યું..બધી વાતો પછી જાણવા મળ્યું કે ‘અંકલને બિઝનેસમાં નુકસાન ગયું અને બંગલામાંથી અહીં આ ફ્લેટમાં રહેવા આવવું પડ્યું …એક દીકરો અમેરિકા ભણવા ગયો હતો ત્યાં કાર એકસીડન્ટમાં મૃત્યુ પામ્યો…અને બીજો દીકરો પત્નીના કહેવાથી કોઈ સબંધ રાખતો ન હતો.આ બધું જાણીને પાડોશીઓને નવાઈ લાગી કે આંટી આટલા સારા ..

મદદ કરનારા અને બધા સાથે સબંધ રાખે પણ કઈ જ જણાવા ન દીધું. ધીમે ધીમે ત્રણ ચાર દિવસમાં સોસાયટીમાં બધાને આ વાત વિષે ખબર પડતી ગઈ.એક દિવસ સાંજે ભજન પુરા થયા બાદ ધીમેથી બહેને આંટીને કહ્યું, ‘તમે અમને કઈ જણાવ્યું નહિ ,કંઈપણ મુશ્કેલી હોય તો અમને કહેજો અમે તમારી મદદ કરીશું.અમને નવાઈ લાગે છે કે આટલા દુઃખો સહન કર્યા બાદ તમે આટલા ખુશ કઈ રીતે રહી શકો છો.’ આંટી હસ્યા અને બોલ્યા, ‘તમારા બધાની લાગણી માટે આભાર પણ કોઈ અમારી દયા ખાય તે મને ગમતું નથી જે થયું તે ઈશ્વર ઈચ્છા ગણી સ્વીકારી લીધું છે અને હું અમારું દુઃખ કોઈને કહેતી નથી અને કોઈના સુખની ઈર્ષ્યા કરતી નથી એટલે સાચે આટલા દુઃખો સહન કર્યા બાદ પણ ખુશ રહી શકું છું.’ આન્ટીએ મનની વાત બધાને કરી અને બધાનું આંટી પ્રત્યેનું માન વધી ગયું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top