National

‘હું ભગવાન શ્રી કૃષ્ણનો વંશજ છુ’ યુવકે કોર્ટમાં જઈ કર્યો દાવો

ઉત્તર પ્રદેશ: મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદનો કેસ હાલમાં કોર્ટમાં છે અને તેના પર આગામી સુનાવણી 1 જુલાઈએ થશે. આ દરમિયાન એક વ્યક્તિએ પોતે કૃષ્ણના વંશજ હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી છે.

ઈદગાહના સર્વે માટે ત્રણ સભ્યોની કોર્ટ કમિશનરની પેનલની નિમણૂક કરવા માંગ
આ વ્યક્તિનું નામ છે મનીષ યાદવ. જેમણે ભગવાન કૃષ્ણના “સીધા વંશજ” હોવાનો દાવો કર્યો છે. આ સાથે કૃષ્ણ જન્મભૂમિ સ્થળ પર યથાસ્થિતિ રાખવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મનીષ યાદવે માંગ કરી છે કે ઈદગાહના સર્વે માટે ત્રણ સભ્યોની કોર્ટ કમિશનરની પેનલની નિમણૂક કરવામાં આવે. આવેદનમાં ઇદગાહમાં બંધ રૂમો ખોલવા, વિસ્તારની સફાઇ અને સર્વે દરમિયાન પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ માંગ કરવામાં આવી છે.

હિન્દુ પક્ષે દસ્તાવેજો રજૂ કર્યા
ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન હિંદુ પક્ષે કોર્ટમાં 13.37 એકર જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આ કેસની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી હતી. બીજી તરફ, મુસ્લિમ પક્ષે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોની નકલ માંગી હતી. કોર્ટે હિંદુ પક્ષને નકલ આપવાનો આદેશ આપ્યો છે. 

કેસમાં 1968ના કરારને પડકારવામાં આવ્યો
આ કેસમાં 1968ના કરારને પડકારવામાં આવ્યો છે, જે અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન કથિત રીતે ઈદગાહને આપવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાટાઘાટ કરનાર ટ્રસ્ટને સમાધાન કરવાનો અધિકાર નથી, તેથી કરારને ગેરકાયદે ગણાવીને ઇદગાહ ખાલી કરવાની માંગ કરવામાં આવી છે. તે જ સમયે, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અરજી બહારના લોકોએ દાખલ કરી છે.

રિવ્યુ પિટિશન દાખલ કરી
અહીં, સિવિલ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં વિલંબ સામે ગુરુવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સમીક્ષા અરજી પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે અનેક અરજીઓ પર સુનાવણી માટે 1 જુલાઈની તારીખ આપી છે. તે પહેલા આ નવી અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ માટે હાલ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

પીએફઆઈએ દાખલ કરેલી અરજીને ખોટી ગણાવી
ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ જ્ઞાનવાપી અને મથુરા મસ્જિદને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ખોટી ગણાવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટે અરજીને મંજૂરી ન આપવી જોઈતી હતી. તે જ સમયે, PFIની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મસ્જિદો વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે PFI પર દિલ્હી હિંસામાં લોકોને ઉશ્કેરવા અને ભંડોળ પૂરું પાડવાનો તેમજ ઉત્તર પ્રદેશ, આસામમાં CAA અને NRCના વિરોધ દરમિયાન હિંસા ભડકાવવાનો આરોપ હતો.

Most Popular

To Top