રાજકોટ: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવાના નેસવડ ગામથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. નેસવડ ગામના હરીપરા રોડ પર રહેતા રાજુભાઈ સુખાભાઈ જોળીયાની તેમની જ પત્નીએ (Wife) હત્યા (Murder) કરી દીધા બાદ આખી રાત મૃતક પતિની પાસે બેસીને વિતાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુભાઈએ અંદાજે સાતેક વર્ષ પહેલા તેના જ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન ર્ક્યા હતા. જેમાં તેના લગ્નથી તેમને બે દીકરીનો જન્મ થયો હતો. જેમાં એક સાડા ત્રણ વર્ષની સંસ્કૃતિ અને બીજી દિકરી એક વર્ષની ઉર્વશી છે. રાજુભાઈને ખૂબ જ દારૂ પીવાની ટેવ હતી અને કમાતો ન હોવાથી તેની પત્ની જ ઘરમાં કમાઈને પૈસા લાવતી હતી. તેઓ ઘરમાં પત્ની સાથે ઘણા સમયથી ઝઘડો કરતા હતા.
બુધવારે મોડી રાત્રે ફરીથી દારૂ પીને આવી રાજુભાઈએ કાજલબેન સાથે ઝઘડો કરતાં તેમની પત્નીને ગળું દબાવીને મારી નાંખવાનો પ્રયત્ન કરતા કાજલબેને લોખંડના ખાંડણીના દસ્તાથી માથામાં ચારથી-પાંચ ઘા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી, દોરી વડે મકાનમાં લાગેલા લોખંડના પાઈપ સાથે બાંધી ગળાફાંસો આપી હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે, પતિની હત્યા ર્ક્યા બાદ કોઈ હત્યાના નિશાન ન મળે તે માટે પત્નીએ પહેરેલા લોહીવાળા કપડાં તેની સોસાયટીમાં સળગાવી નાંખ્યા હતા.
મોડી રાતના ઝઘડાના પરિણામે પત્નિએ પતિની હત્યા ર્ક્યા બાદ જાણે અફસોસ થતો હોય તેમ મૃતક પતિની પાસે બાજુમાં બેસી પત્નીએ તેમજ તેમના માસીએ આખી રાત્રી વિતાવી હતી. મૃતક રાજુભાઈ જોળીયાના નાના ભાઈ રમેશભાઈ જોળિયાએ તેના ભાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સાવરકુંડલામાં ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં 10 વર્ષના બાળકનું મોત
રાજકોટ: સાવરકુંડલામાં રહેતો એક યુવક પોતાના બાઈક પાછળ કિશોરને બેસાડી ચા લેવા જઈ રહ્યો હતો, ત્યારે બાયપાસ પર પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કિશોરનું મોત નિપજ્યું હતું. સાવરકુંડલામાં રહેતા રફિકભાઈ જમાલભાઈ કુરેશી (ઉ.વ.35) નામનો યુવક કિશન ઉર્ફે પીન્ટુ મહેશભાઈ મકવાણા (ઉ.વ.10) ને પોતાના બાઈક નંબર (જીજે-14-એક્યુ-7547)માં પાછળ બેસાડી કારખાનેથી ચા લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર (જીજે-14-ડબલ્યુ-1849)ના ચાલકે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ઈજા પહોંચતા સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતા. જ્યાં કિશન મકવાણાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. બાયપાસ પર સ્પીડબ્રેકર ન હોવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.