નડિયાદ: નડિયાદ નજીક પીપલગ ગામે રહેતી પરણિતાને તેનો પતિ તેની સ્ત્રી મિત્રને લઇને ત્રાસ આપતો હતો અને સાસરીયાઓ પણ પુત્રવધુને માનસિક – શારિરીક ત્રાસ આપી હેરાન કરતાં હોવાથી પરણિતાએ પતિ, તેની સ્ત્રી મિત્ર અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીપલગમાં રહેતા હેતલબેનના લગ્ન વડોદરામાં રહેતા આશિષ પ્રકાશભાઇ પંચાલ સાથે થયા હતા. જોકે, આશિષને વડોદરાના બાજવામાં રહેતી પૂજા વસંતભાઇ પંચાલ નામની મહિલા સાથે સંબંધ હતો.
જેની જાણ હેતલબેનને થતાં તેઓએ આ બાબતે આશિષને પૂછતાં આશિષે ઝઘડો કરી તારે મારી લાઇફમાં દખલગીરી કરવાની નહીં, હું ગમે તે કરૂં, ગમે ત્યાં ફરૂ, કોઇની પણ સાથે ફરૂ તારે શું? તારે ચૂપચાપ બેસી રહેવાનું મને સવાલ જવાબ નહીં કરવાના. હું તને રાખવાનો નથી મારી છૂટાછેડા જોઇએ છે તેમ કહી મારઝુડ કરી હતી. આ બાબતે આશિષની માતા પણ તેનો પક્ષ લઇ હેતલબેનને શંકા નહીં કરવાની તેવી સલાહ આપી, હેતલબેનના પિતા પાસે રૂ. ૧ લાખની માંગણી કરી હતી. પુત્રીનો સંસાર સારો ચાલે તે માટે હેતલબેનના પિતાએ રૂ. ૧ લાખ આપ્યા હતા. જોકે, બાદમાં વારંવાર સાસરિયા પિયરમાંથી પૈસા લઇ આવવાનું કહીને તકરાર કરતાં હતા. અંતે પતિના આડા સંબંધ અને સાસરિયાઓથી કંટાળેલા હેતલબેને આ મામલે મહિલા પોલીસ મથકે આશિષ પ્રકાશભાઇ પંચાલ, પૂજા વસંતભાઇ પંચાલ, સરોજબેન પ્રકાશભાઇ પંચાલ, પ્રકાશભાઇ છોટાલાલભાઇ પંચાલ તથા મીનાબેન પ્રવિણભાઇ પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.