સુરત(Surat): શહેરમાં મર્ડરની (Murder) વધુ એક ઘટના બની છે. સચીન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા થઈ છે. મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી છે.
- સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના, યવુડમાં કામ કરતા કારીગરે પત્નીની હત્યા કરી
- પત્ની પારકાં યુવક સાથે મોબાઈલ પર વાત કરતી હોય ગુસ્સામાં પતિએ વેલણ-લાકડાના ફટકાથી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી
આ કેસમાં મળતી વિગત અનુસાર સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કુળદેવી પ્લાયવુડના કારખાનામાં રહેતા 20 વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરારામ ઉર્ફે હરીશ ભીલે બેરહેમીથી કરી છે. અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન મળતી માહિતી અનુસાર ગઈ તા. 19 એપ્રિલના રોજ સવારે અંજલિ મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી તે પતિ હીરારામ જોઈ ગયો હતો. કોની સાથે વાત કરે છે એમ પૂછતા અંજલિએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું કહ્યું હતું. પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલિ યુપીમાં રહેતા ઓમપ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું.
ઓમપ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે હીરારામની પત્ની અંજલિ અને ઓમપ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા. હોળી પર હીરારામે પત્ની અંજલિ અને ઓમપ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા. ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે તે ઓમપ્રકાશ સાથે વાત નહીં કરે. તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમપ્રકાશ સાથે વાત કરતી હતી.
આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો અને વેલણ, લાકડાના ફટકાથી પત્ની અંજલિને ઢોર માર માર્યો હતો. માથામાં તથા શરીરના જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલિ બેહોશ થઈ ગઈ હતી. તેણીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચીન પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.