સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ત્રણ વર્ષના બાળકનું અપહરણનો કિસ્સો બન્યો હતો. આ મામલે ફરિયાદ મળતા સચિન પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકનું અપહરણ સંબંધીએ જ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતપિતાને સોંપ્યું છે.
આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. અહીં સુડા સેક્ટર 3માં રહેતા રહીમ રઝાક મન્સુરીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ત્રણ વર્ષનો પુત્ર સોના ગુમ થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક કેસરી રંગનો ગમછો પહેરેલો વ્યક્તિ બાળકને લઈ જતો દેખાયો હતો. પોલીસે વધુ તપાસ કરતા અપહરણકર્તા ફરિયાદી રહીમ મન્સુરી એટલે કે બાળકના પિતાનો સગો સાઢુભાઈ રિયાઝ મન્સુરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે તાત્કાલિક આરોપીને બિલીમોરા રેલવે સ્ટેશન નજીકની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પકડી પાડ્યો હતો. બાળકીને સહીસલામત મુક્ત કરાવ્યો હતો.
પત્ની સાથે સમાધાન માટે બાળકનું અપહરણ કર્યું
પોલીસની પૂછપરછમાં આરોપી રિયાઝ મન્સુરીએ કહ્યું કે, તેની પત્ની છ મહિનાથી ઝઘડો કરી પિયર જતી રહી છે. તે પરત આવી રહી નથી. પત્નીને પરત લાવવા સાઢુભાઈ રહીમ મન્સૂરીની મદદ માંગી હતી. મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી, પરંતુ રહીમ મન્સૂરી મદદ કરતો ન હતો. તેની પર દબાણ ઉભું કરવા બાળકનું અપહરણ કર્યું હતું.