સુરતઃ સામી દિવાળીએ સુરત શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની છે. અહીંના ડિંડોલી વિસ્તારમાં દંપતિના મોતથી ચકચાર મચી ગઈ છે. ડિંડોલીના પ્રિયોસા બેલીસમાં પહેલા માળે ફ્લેટમાં દંપતિની ડેડબોડી મળી છે. મહિલાની લાશ ફલોર પર પડી હતી જ્યારે પુરુષની ડેડબોડી પંખા પર લટકતી મળી આવી હતી. પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીના પ્રિયોસા બેલિસના એક ફ્લેટમાંથી બે ડેડબોડી મળી છે. લોહીલુહાણ હાલતમાં મહિલા ફ્લોર પર પડી હતી જ્યારે પુરુષ પંખે લટકતો મળ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં સોનુએ કહ્યું કે, હું ડી બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો. ત્યારે એક કાકા એ મારી પાસે આવીને મહિલા અને પુરૂષના મોત અંગે જાણ કરી હતી. ડરના લીધે તે ફ્લેટમાં કોઈ જવાની હિંમત કરી રહ્યું નહોતું. હું હિંમત કરીને ત્યાં ગયો હતો.
ફ્લેટમાં જ્યાં જઈને જોયું તો મહિલાનો મૃતદેહ નીચે જમીન પર પડ્યો હતો. જ્યારે પુરૂષનો મૃતદેહ પંખા પર લટકી રહ્યો હતો. મેં 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. 108ને પણ જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ બાદ અડધા કલાકે પોલીસ આવી હતી. જો સમયસર કદાચ સારવાર મળી હોત તો મહિલાનો જીવ કદાચ બચી શક્યો હોત.
મહિલાનો મૃતદેહ નીચે જમીન પર હોવાથી તેની હત્યા કર્યા બાદ તેના પતિએ આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. જો કે, હાલ તો પતિ-પત્નીના મોતને લઈને પોલીસ દ્વારા બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ તપાસ માટે આસપાસમાં રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.
ડિંડોલી પીઆઈ આર.જે. ચુડાસમાએ કહ્યું કે આજે તા. 17 ઓક્ટોબરે બપોરે આ ઘટના બની છે. પ્રિયોસા બેલિસના ફ્લેટમાં રતન નિમજે પત્ની નંદા નિમજે સાથે રહેતા હતા. આજે બપોરે રતનભાઈએ તેમની પત્ની નંદાના પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ પોતે પંખા પર લટકી આપઘાત કરી લીધો હતો. દંપતિને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પ્રાથમિક તબક્કે એવી માહિતી મળી છે કે દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેના લીધે જ પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.