Vadodara

પતિએ પત્નીના નામે લોન લઈને 29.54 લાખની છેતરપિંડી આચરી

વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને 29.54 લાખ અંગત વપરાશમાં ઉપયોગ કરીને બે સંતાન સાથે કાઢી મૂકતા નિરાધાર પીડિતાએ સયાજીગંજ પોલીસ મથકે પતિ વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો. બીજા લગ્નમાં જીવનસાથી શોધવા ગયેલી પીડિતાને ઠગ સાથી મળી જતાં જીવનભરની કમાણી ઉપરાંત સર્વસ્વ ગુમાવવાનો વારો આવતા હતાશ થઈને ભાંગી પડી હતી.

સુભાનપુરા વિસ્તારમાં રહેતી 43 વર્ષિય સ્નાતક થયેલી પરિણીતાની ફરિયાદમાં જણવેલ કે, તેમના પ્રથમ પતિ હિતેશ ભટ્ટ સાથે 2014મા છૂટાછેડા થયા હતા. બે પુત્રો પૈકી મોટા પુત્ર મેહુલ સાથે અમદાવાદમાં રહેતી પરિણીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જ્યાં કલાયંટ તરીકે આવતા ભાવિન હશેષભાઈ પરીખ (રહે. સી-16, મેઘાનગર આધાર સોસાયટી સામે, શ્રતિ હોસ્પિટલની ગલીમાં, વાઘોડિયા રોડ, વડોદરા) સામે પરિચય થયો હતો. છૂટાછેડા થયા હોવાનું જાણતાં જ ગઠિયાએ જાળ પાથરી હતી અને સુખી સંસારના સ્વપ્ના દાખવતા જણાવેલ કે, બંનેના છૂટાછેડા થયેલા છે. લગ્ન કરીને સાથે રહીશું તો જીવનમાં સુખી થઈશું.

ભેજાબાજની મધમીઠી વાતમાં આવી ગયેલી પરિણીતાએ 22-8-2014ના રોજ ગઠિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. દંપતીના સહજીવન દરમિયાન પુત્ર હેતાંક્ષનો જન્મ થયા બાદ પરિવાર વડોદરા રહેવા આવી ગયો હતો. જ્યાં સાસુ અને નણંદના ત્રાસથી બે પુત્રો સાથે દંપતી ભાડાના મકાનમાં સુભાનપુરા ખાતે રહેવા ગયા હતા. જ્યાં પતિએ પોત પ્રકાશ્યું હતું. મારી પાસે નાણાં ઓછા છે તેમ જણાવી પત્નીના નામે વિવિધ બેંકોમાંથી લાખો રૂપિયાની કેશલોન તથા કાર લોન પત્નીની જાણ બહાર લીધી હતી.

તેના હપ્તાના નાણાં ભરવામાં પતિએ અખાડા કરીને પત્નીની માતાના નામનો ફ્લેટ મોર્ગેજ કરાવીને 15 લાખ રૂપિયા લીધા હતા. જેના તમામ નાણાં ભૂતપૂર્વ પત્નીને પાછલા બારણે મદદ કરવા અને અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હતો. બેંકમાંથી રિકવરી કરવા આવતા અધિકારીઓએ લોનના હપ્તા બાકી અંગે જાણ કરતા પરિણીતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. વારંવાર ઉડાઉ જવાબ આપતા ઠગપતિએ બંને સંતાનો સાથે પત્નીને ઘરબહાર કાઢી મૂકતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આમ આદમી પાર્ટીના મીડિયા પ્રવકતા હોવાનો રોફ મારે છે : પત્ની

કાલાઘોડા સ્થિત પ્રોફિટ સેન્ટરમાં હાઈફ્લાઈ ઓવરસીઝ અને રેડી કુલ નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ખોલનાર ભાવિન પરીખ આપ પક્ષના રાજકીય અગ્રણીઓ સાથે ગાંઠ ઘરોબો ઘરાવતો ઠગ કાયદા કાનૂનને પણ નેવે મૂકી દીધા છે. અદભૂત વાકછટા ધરાવતા ભેજાબાજે અનેક લોકોને પોતાના શિકાર બનાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સાંભળવા મળ્યું હતું. મીડિયા સાથે સંકળાયેલા ભાવિનની પહોંચ ઉપર સુધી હોવાના પગલે તેની પત્નીએ ત્રણથી ચાર માસ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ ગુનો નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Most Popular

To Top