સુરત: સિંગણપોર વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના કારખાનેદારનો વતનની મહિલા સાથેના પ્રેમ સંબંધ બંધાતા અવાર નવાર મહિલાને મળવા માટે તેના ઘરે જતો હતો અને બંનેએ પરસ્પર સંમતિથી શારીરીક સંબંધો બાંધ્યા હતા. દરમિયાન મહિલાના પતિએ બંનેના અંગતપળોના વિડીયો ઉતારી લીધા બાદ વીડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી એમ્બ્રોઈડરીના કારખાનેદારને બ્લેક મેઈલ કરી લાખો રૂપિયા તેમજ ફ્લેટ પડાવી લેવાનો કિસ્સાએ સિંગણપોર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. બ્લેકમેઈલરો દ્વારા વારંવાર પૈસાની માંગણી કરાતા આખરે કંટાળીને કારખાનેદારે ફરિયાદ કરી છે. પોલીસે જોષી દમ્પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સિંગણપોર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને પંડોળ ખાતે એમ્બ્રોઈડરીનું ખાતુ ધરાવતા 40 વર્ષીય કારખાનેદાર સન 2006માં તેઓ વતન ઉમરાળા ખાતે હીરા ઘસવાનું કારખાનું ધરાવતા હતા. તે વખતે તેમના કારખાનાની સામે હર્ષાબેન પરેશ જોષી રહેવા માટે આવ્યા હતા તે વખતે બંને જણા સંપર્ક આવ્યા હતા. હર્ષાએ તેનો પતિ બેરોજગાર હોવાનું કહી કારખાના ઉપર નોકરી પર લગાવ્યો હતો. ત્યારબાદ કારખાનેદાર અવાર નવાર તેના ઘરે જતો હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને જણા વચ્ચે શારીરીક સંબંધો બંધાયા હતા.
સન 2016માં હર્ષાએ ફોન કરી ઘરે કઈ બતાવાને બહાને બોલાવ્યો હતો ત્યારે તેના પતિ પરેશે મોબાઈલમાં તેમના અંગતપળોનો વિડીયો બતાવી બિભત્સ ગાળો આપી વીડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને પરેશે 5 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પણ વિડીયો ડીલીટ નહી કરી ધમકી આપતા આખરે કંટાળીને કારખાનેદારે તેના પરિવાર સાથે વતન છોડી સુરતમાં રહેવા માટે આવી ગયો હતો. પરંતુ જોષી દમ્પતિએ પીછો છોડ્યો ન હતો. અને સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેવા માટે આવી ગયા હતા. હર્ષાએ ફરીથી ફોન કરી ઘરે બોલાવી શારીરીક સંબંધો બાંધ્યા હતા. તે વખતે પણ તેના પતિએ મોબાઈલમાં અંગતપળોનો વિડીયો ઉતારી લીધા બાદ કારખાને આવી વિડીયો બતાવી ઢીકમુક્કીનો મારમારી ટુકડે ટુકડે કરી મોબાઈલ, કપડા, ઘરવખરીનો સામાન અને દાગીના ઉતારી લેવડાવ્યા હતાં આટલું ઓછું હોય તેમ અમરોલી છાપરાભાઠા ખાતે જીવનદીપ એપાર્ટમેન્ટમાં લીધેલો ફ્લેટ પણ પડાવી હર્ષાબેનના નામે કરાવ્યો હતો.
ગત તા 3 સપ્ટેમ્બર 2022ના રોજ ત્રણેય જણાએ ઘરે આવી કારખાનેદારને ઢીકમુક્કીનો માર માર્યો હતો. કારખાનેદારે બુમાબુમ કરતા સોસાયટીના લોકો આવી વધુ મારથી બચાવતા હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ પણ ફોન કરી બ્લેઈક મેઈલ તેમજ ધમકી આપતા આખરે કંટાળીને કારખાનેદારે મંગળવારે ફરિયાદ નોંધાવતા પોલીસે હર્ષા પરેશ જોષી, પરેશ જોષી (રહે, છાપરાભાઠા જીવનદીપ એપાર્ટમેન્ટ) અને તેનો સંબંધી પીન્ટુ જોષી (રહે, બારડોલી ) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.