નડિયાદ: કઠલાલમાં રહેતી પરણિતાના દાગીના લઇ, તેની સાથે ઘરકામ બાબતે તકરાર કરી, મારમારી ત્રાસ આપનાર પતિ અને સાસુ સામે પરણિતાએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કઠલાલના કાણિયેલમાં રહેતા ઉર્મિલાબેનના લગ્ન ચારેક વર્ષ અગાઉ કમલેશભાઇ વિનુભાઇ રાઠોડ સાથે થયા હતા. ઉર્મિલાબેનને કઠલાલની જીતપુરા આંગણવાડીમાં નોકરી મળતાં અહીં રહેવા આવી ગયા હતા. ઉર્મિલાબેનના પતિ પશુપાલનનો વ્યવસાય કરે છે. ૧3 એપ્રિલના રોજ કમલેશે ગાયો લાવવી હોવાથી ઉર્મિલાબેન પાસે તેમના પિયરમાંથી આવેલા દાગીના માંગ્યા હતા.
જોકે, ઉર્મિલાબેનને ભાઇઓના લગ્ન હોવાથી લગ્ન બાદ દાગીના આપવાની વાત કરી હતી. જેને લઇને કમલેશ ઉશ્કેરાઇ ગયો હતો અને માર માર્યો હતો. નોકરી ચાલુ હોવાથી તેઓએ બીજું ઘર ભાડે લીધું હતું અને ત્યાં તેઓ તેમની માતા અને પુત્રી સાથે રહેતા હતા. જેને લઇને કમલેશ ઉશ્કેરાયો હતો અને ઉર્મિલાબેન તેમજ તેમની માતા સાથે તકરાર કરી હતી. પતિના આ વર્તનથી લાગી આવતાં ઉર્મિલાબેને ૪ થી જુલાઇના રોજ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચી ગયા હતા. આખરે આ અંગે પતિ કમલેશ અને સાસુ પુષ્પાબેન સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.