તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં હવે જાન અને માલની નુકશાનીનો ચિતાર હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે મોતનો આંકડા સૌથી વધુ ચોંકાવનારા છે. રાજ્યમાં વાવાઝોડા (gujrat cyclone) ના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયા છે. વાવાઝોડા (Cyclone Tauktae) થી ગુજરાતભરમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા છે. ક્યા કેટલા મોત થયા તેના પર નજર કરીએ.
અમરેલીમાં 15 મોત (જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા),ભાવનગરમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા),ગીર સોમનાથમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા),અમદાવાદમાં 5 મોત ( જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત),ખેડામાં 2 ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ),આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટ થી,વડોદરામાં 1 મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી),સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી,વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી,રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી,નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી,પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી મોત નિપજ્યાં છે.
ત્યારે સુરત જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ વિનાશક સ્વરૂપ ધારણ કયુ હતુ. સૂસવાટા મારતા કાતિલ ઝડપે 86 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનોએ અનેક વૃક્ષોનો ખુરદો બોલાવી દીધો હતો. આ વાવાઝોડામાં સુરતમાં એક મોત અને એકને ઇજા થઇ હતી.
સુરત શહેર અને જિલ્લાના માથે વિતેલા બે દિવસથી મંડરાઇ રહેલા વિનાશક વાવાઝોડા તાઉતે એ ધારણા મુજબ આક્રમક સ્વરૂપ બતાવ્યુ હતુ. સુરત જિલ્લા ફલડ કંટ્રોલરૂમના જણાવ્યાનુસાર જિલ્લામાં 141 વીજ થાંભલા ભોંયભેગા થયા હતા. ઓલપાડ અને સુરત સિટીમાં મળી 3 જગ્યાએ રસ્તા ધોવાઇ ગયા હતા. પવનોએ જોર વધારવા શહેર અને જિલ્લામાં 361 ઝાડ પડી ગયા હતા. જયારે સુરત શહેરમાં ઝાડ઼ પડવાને લીધે 44 રસ્તા અને ગ્રામ્ય વિસ્તારમાં બારડોલીમાં 7 અને ઓલપાડમાં 16 મળી કુલ 63 રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા. સુરત શહેર અને જિલ્લામાં નુકશાન પામેલ ઇમારતોની વાત કરીએ તો ખાનગી ઇમારતો 16, કાચા મકાન અને ઝૂંપડા 64 નુકશાન પામ્યાં હતાં. જયારે આ વાવાઝોડાએ કામરેજના માંકણા ગામના આધેડનો ભોગ લીધો હતો. માંકણા ગામના પાદરે દાનાભાઇ આહિર વડના ઝાડ નીચે બેઠા હતા. તે અરસામાં અચનાક તેમની ઉપર વડનું ઝાડ નમી પડયું હતું. રવિવારની આ ઘટનામાં તેઓ દબાઇ જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને પછી મોતને ભેટયા હતા. તેમને બચાવવા જતા તેમના મોટા દિકરાને પણ ઇજાઓ થઇ હતી.