હાલમાં ઉપરા છાપરી બે વાવાઝોડાઓ દેશના અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ કાંઠાને ધમરોળી ગયા. તાઉતે નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં કેરળ નજીક ઉદભવ્યું અને ત્યાંથી સીધી લીટીમાં ઉપર તરફ આગળ વધીને આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ત્રાટક્યું. તે પહેલા તેના પવનોની અસરથી ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ નોંધપાત્ર નુકસાન થયું. કુલ મળીને આ વાવાઝોડામાં ૪૦થી વધુના મોત થયા છે અને જો ડૂબી ગયેલા બાર્જના મૃતકોની સંખ્યા પણ ગણીએ તો મૃત્યુઆંક ૧૦૦ની ઉપર જાય. આના પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર યાસ વાવાઝોડું ત્રાટક્યું.
તેમાં મૃત્યુઆંક થોડો ઓછો રહ્યો, પરંતુ નોંધપાત્ર નુકસાન તો થયું જ. હાલ આ બંને વાવાઝોડાઓને કારણે સ્વાભાવિકપણે વાવાઝોડાઓને લગતી ચર્ચાઓ વધે. આમાં હાલમાં એક નવા અભ્યાસમાં નોંધપાત્ર વાત એ બહાર આવી છે કે છેલ્લા બે દાયકાઓમાં દેશમાં વાવાઝોડાઓને કારણે મૃત્યુઆંક સારો એવો ઘટ્યો છે કારણ કે વાવાઝોડાઓને લગતી આગાહી વધુ સચોટ બની છે અને તેને કારણે પૂર્વસાવચેતીના પગલાઓ વધુ અસરકારક રીતે લઇ શકાય છે. આ એક આનંદની વાત છે.
હાલમાં બહાર પડેલો એક અભ્યાસ જણાવે છે કે ૧૯૭૦થી ૨૦૧૯ દરમયાન પ૦ વર્ષ દરમ્યાન ભારત પર ૧૧૭ જેટલા વાવાઝોડાઓ ત્રાટક્યાં, જેમણે ૪૦૦૦૦ કરતા વધુ લોકોનો ભોગ લીધો છે. સખત હવામાનની ઘટનાઓ અંગેનો આ અભ્યાસ એમ પણ સૂચવે છે કે છેલ્લા દસ વર્ષમાં વિષુવવૃતિય વાવાઝોડાઓને કારણે થતાં મૃત્યુઓનો દર નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. દેશમાં આ સમયગાળા દરમ્યાન તીવ્ર વિપરીત હવામાનની કુલ ૭૦૬૩ ઘટનાઓ બની જેમાં ૧૪૧૩૦૮ લોકો માર્યા ગયા, જેમાં ૪૦૩પ૮(અથવા ૨૮ ટકા) લોકો વાવાઝોડાને કારણે અને ૬પ૧૩૦( ૪૬ ટકા કરતા થોડા વધારે) લોકો પૂરને કારણે માર્યા ગયા એમ આ અભ્યાસ જણાવે છે.
ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવન અને વૈજ્ઞાનિક કમલજીત રાય તથા અન્ય ત્રણ નિષ્ણાતો દ્વારા લખવામાં આવેલ સંશોધન પત્ર આ વર્ષની શરૂઆતમાં પ્રગટ થયો હતો. કમલજીત રાય એ આ અભ્યાસ પત્રના મુખ્ય લેખક છે. આ સમયગાળા દરમ્યાન સૌથી વિનાશક વાવાઝોડું ૧૯૭૧માં ઓડિશામાં ૩૦ ઓકટોબરે ત્રાટકેલું વાવાઝોડું હતું જેમાં દસ હજાર જેટલા લોકો માર્યા ગયા હતા અને દસ લાખ કરતાં વધુ લોકો બેઘર થઇ ગયા હતા. આ અભ્યાસ સૂચવે છે કે છેલ્લા બે દાયકામાં હવામાન ખાતાની આગાહીઓ વધુ સચોટ બની છે અને વાવાઝોડા સામેના પ્રતિસાદમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે પરિણામે વાવાઝોડાથી થતાં મૃત્યુઓનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ અભ્યાસ ખરેખર તો ફક્ત વાવાઝોડાને લગતો નહીં પરંતુ સખત હવામાનને લગતી ઘટનાઓ અંગેનો છે અને તેમાં જણાવાયું છે કે દેશમાં છેલ્લા લગભગ પચાસ વર્ષમાં પૂરના કારણે ૬પ૦૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા છે. આના પરથી સાબિત થાય છે કે દેશમાં વાવાઝોડા કરતા પૂરની સમસ્યા વધુ જીવલેણ પુરવાર થાય છે. જો કે વાવાઝોડાને કારણે પણ કેટલીક વખત પૂર આવે છે તે પણ હકીકત છે.
વાવાઝોડાઓની આગાહીઓ વધુ સચોટ બની છે તેથી સમયસર લોકોનું સ્થળાંતર કરાવવાનું તથા અન્ય સાવચેતીઓ લેવાનું શક્ય બને છે અને તેથી મૃત્યુઆંક ઘટ્યો છે. પૂરની બાબતમાં પણ આ શક્ય બનવું જોઇએ, વાવાઝોડાની જેમ જ ભારે વરસાદની આગાહી પણ હવે વધુ સચોટ રીતે કરી શકાય છે, તેથી પૂરથી મૃત્યુઆંક પણ ઘટાડી શકાય. પરંતુ આસામ સહિતના કેટલાક વિસ્તારોમાં આવતા પૂરમાં સ્થિતિ વધુ ગુંચવાડાભરેલી હોય છે અને એ રાહત, બચાવ કાર્યોને મુશ્કેલ બનાવી શકે છે.
જો વાવાઝોડાની જેમ ધરતીકંપની આગાહી પણ કરી શકાતી હોત તો તો વિશ્વમાં ઘણી બધી જાનહાનિ અને કરૂણાંતિકાઓ અટકાવી શકાતી હોત. પરંતુ હજી સુધી પ્રયાસો છતાં ભૂકંપની આગાહી કરવાનું શક્ય બન્યું નથી. માત્ર કેટલાક સંકેતોના આધારે અટકળ કરી શકાય છે. જે દિવસે ભૂકંપની સચોટ આગાહી કરવાનુ઼ શક્ય બનશે તે દિવસ માણસજાત માટે ઘણી મોટી ઉપલબ્ધિનો દિવસ હશે.