સોમવારે ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે ઉત્તરાખંડ (Uttrakhand Flood) સહિત અનેક ઠેકાણાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 હજારથી વધુ યાત્રીઓ ફસાયા છે. ઠેરઠેર કાર સહિતના વાહનો પાણીમાં તણાઈ રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પણ સૈંકડો યાત્રીઓ ઉત્તરાખંડમાં ફસાયા છે, ત્યારે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) એક્શનમાં આવી ગયા છે. તેઓ સીધો જ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધી ગુજરાતી યાત્રીઓની સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આ સાથે ગુજરાત સરકારે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જેથી યાત્રીઓના પરિવારજનો તેમની ભાળ મેળવી શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચના ને પગલે ગુજરાત સરકાર ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના હેલ્પ લાઈન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં ભારે બરફ વર્ષા થવાના લીધે રવિવારથી જ 10 હજારથી વધુ યાત્રીઓ અલગ અલગ ઠેકાણે ફસાઈ ગયા છે. અહીં જનજીવન એકદમ ઠપ્પ થઈ ગયું છે. બુધવાર પહેલાં મોસમ સુધરે તેવી શક્યતા નથી, ત્યારે ફસાયેલા યાત્રીઓના મનમાં 2013ના પૂરની ભયાનક યાદો તાજી થઈ ગઈ છે. 2013માં ઉત્તરાખંડમાં પૂરે ભારે તબાહી સર્જી હતી. અહીં 6000થી વધુ લોકો લાપતા થયા હતા અને સૈંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. 8 વર્ષ બાદ ફરી એકવાર પૂરના દ્રશ્યો નજર સામે દેખાતા લોકોના મનમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉત્તરાખંડ ઉપરાંત સોમવારથી દેશના દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ પડયો હતો. સોમવારે ભારે વરસાદના કારણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખાંડવામાં ચૂંટણી ઝુંબેશ માટેની મુલાકાત રદ્દ કરી હતી જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવની બુદાનામાં આયોજિત રેલી રદ્દ કરવી પડી હતી. ઉત્તરાખંડમાં નેપાળથી આવેલા 3 મજૂરો સહિત 5નાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત થયા હતાં.
વહીવટીતંત્રએ રવિવારે હરિદ્વાર અને ઋષિકેશ પહોંચેલા ચારધામના યાત્રાળુઓને મોસમમાં સુધાર ન આવે ત્યાં સુધી હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા મંદીરો તરફ જવાની યાત્રા શરૂ ન કરવા કહ્યું હતું. મજૂરો સમખાલ વિસ્તારમાં એક ટેન્ટમાં રહી રહ્યા હતાં ત્યારે ઉપરના મેદાનથી ભેખડ ધસી પડતાં તેઓ કાટમાળ નીચે જીવતાં દબાઈ ગયાં હતાં.
ચંપાવત જિલ્લામાં ભેખડ ધસવાના કારણે એક ઘર ક્ષતિગ્રસ્ત થયું હતું જેમાં 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હવામાન વિભાગે મંગળવારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અગાઉની ચેતવણીમાં 19 ઓક્ટોબરે પણ રેડ એલર્ટ જાહેર કરાયું હતું. બુધવારથી રાજ્યમાં હવામાનમાં થોડો સુધારો થવાની ધારણા છે, પરંતુ ઠંડી યથાવત રહેશે. વરસાદને જોતા સરકારે બુધવાર સુધી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ચારધામ યાત્રા પર આવેલા યાત્રાળુઓને પણ તેમના હાલના સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કેદારનાથ નજીક ફસાયેલા 22 લોકોને બચાવી લેવાયા
સોમવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ધનસિંહ રાવતે કહ્યું કે દરેક વ્યક્તિએ હવામાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું સખત પાલન કરવું પડશે. વરસાદને કારણે રસ્તાઓ પર અટવાયેલા ચારધામ યાત્રીઓ માટે રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવા સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. SDRF અને પોલીસે કેદારનાથથી પરત ફરતી વખતે ભારે વરસાદને કારણે સોમવારે જંગ છટ્ટીમાં ફસાયેલા 22 લોકોને બચાવી લીધા છે. આ તમામ લોકોને ગૌરીકુંડમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી, 55 વર્ષીય ભક્તને ચાલવામાં તકલીફ પડતી હતી તેને સ્ટ્રેચર દ્વારા ખસેડવામાં આવ્યો હતો.
ભૂસ્ખલનના કાટમાળમાં દબાઈ જતા માતા-પુત્રી સહિત 3ના મોત થયા
ઉત્તરાખંડમાં અચાનક હવામાન બદલાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. લેન્સડાઉન નજીક સામખલમાં ભૂસ્ખલનનાં કાટમાળ નીચે દટાયા બાદ માતા, પુત્રી સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. નેપાળમાં રહેતા આ તમામ લોકો સમખાલમાં હોટલના નિર્માણમાં રોકાયેલા હતા. બીજી બાજુ, ચંપાવત જિલ્લાના સેલાખોલા ગામમાં કાટમાળ નીચે દટાયા બાદ માતા અને પુત્રનું મોત થયું હતું.
કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના શિખરો પર જોરદાર બરફવર્ષા
ચારધામ યાત્રીઓ ફસાયેલા હવામાનની તકલીફોને કારણે, આશરે 10,025 યાત્રાળુઓ ચારધામ માર્ગ પર વિવિધ સ્થળોએ ફસાયેલા છે. જ્યારે, બદ્રીનાથ અને કેદારનાથ અને ગંગોત્રી અને યમુનોત્રીના શિખરો પર સોમવારે બરફવર્ષા થઈ હતી. મંગળવારે હવામાનને ધ્યાનમાં રાખીને પ્રવાસ અંગે નિર્ણય લેવામાં આવશે. ઉત્તરાખંડમાં હવામાનની પેટર્ન જોઈને અપડેટ લીધું , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે ફોન પર વાત કરી અને વરસાદથી બચાવ માટેની તૈયારીઓ અંગે અપડેટ લીધો અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદનું વચન આપ્યું છે.
કેદારનાથ અને બદ્રીનાથ સહિત 150 રસ્તાઓ ખોરવાયા, લાહૌલ-સ્પીટીમાં બરફવર્ષમાં ૧૭૦ ફસાયા
ભારે મુશળધાર વરસાદને કારણે ઉત્તરાખંડમાં લગભગ 150 રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે બદ્રીનાથ હાઇવે પર ટોટાઘાટીમાં ટ્રાફિક બંધ છે. યમુનોત્રી હાઇવે બંધ થવાના કારણે યાત્રાળુઓના અનેક વાહનો રસ્તામાં ફસાયેલા છે. હિમાચલ પ્રદેશના
હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીટી જિલ્લામાં આજે નવેસરથી બરફ વર્ષા વચ્ચે લગભગ ૧૭૦ લોકો ફસાઇ ગયા હતા એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.
150 મુસાફર ભરેલા 30 વાહનો સ્પીટીમાં ફસાયા, કિન્નોરમાં લિંક રોડ બંધ થયો, ફસાયેલી કારને કાઢવામાં આવી
લગભગ ૧પ૦ વ્યક્તિઓ સાથે HRTCની એક બસ તથા ૩૦ વાહનો સ્પીટી સબ ડિવિઝનમાં સુમડો નજીક ફસાઇ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું. તેઓ સલામત છે અને ડોગરા સ્કાઉટ્સ દ્વારા તેમને સગવડો પૂરી પાડવામાં આવી રહી છે એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. આ જ રીતે ગ્રામ્ફુ-કાઝા રોડ પર ૧૧ જણા અને દારચા-શ્રીંકુલા રોડ પર નવ જણા બરફ વર્ષામાં ફસાઇ ગયા છે એમ અધિકારીએ જણાવ્યું હતું. ફસાયેલા લોકોની મદદ માટે પોલીસ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવતા એક લિંક રોડ બંધ થયો હતો એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કિન્નોર જિલ્લાથી મળતી માહિતી પ્રમાણે નેશનલ હાઇવે-૦પથી મૂરંગ સુધી જતો લિંક રોડ ખોગપા નાળા ખાતે અવરોધાઇ ગયો છે. પૂરના પાણીમાં ફસાયેલી એક કારને ક્રેઈનની મદદથી કાઢવામાં આવી હતી. બીજી તરફ આજે મંગળવારે નૈનિતાલમાં તળાવ છલકાઈ જતા રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.